Abtak Media Google News

સ્વામિ નીખીલેશ્વરાનંદજીએ મંત્રી ભાનુબેન બાબરીયા અને મંત્રી મુળુભાઈ બેરાને પુષ્પગુચ્છ અને મોમેન્ટો આપી કર્યું અભિવાદન

રામકૃષ્ણ આશ્રમ મેડિકલ સેન્ટરમાં કાર્યરત શ્રી શારદા સેરેબ્રલ પાલ્સી રિહેબીલીટેશન ડીપાર્ટમેન્ટ દ્વારા દિવ્યાંગ બાળકો માટે સાંસ્કૃતિક સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં સામેલ બાળકોનો ઉત્સાહ વધારવા અને તેમને પ્રોત્સાહિત કરવા પ્રવાસન અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ, વન અને પર્યાવરણ વિભાગના મંત્રી  મુળુભાઈ બેરા અને સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગના મંત્રી  ભાનુબેન બાબરીયા ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમમાં 250 જેટલા દિવ્યાંગ બાળકોએ ફેન્સી ડ્રેસ, કલરીંગ, ટેલેન્ટ શો, નૃત્ય, નાટ્ય જેવી વિવિધ પ્રવૃતિઓમાં ઉત્સાહસભેર ભાગ લીધો હતો.

રામકૃષ્ણ આશ્રમના સ્વામી  નિખીલેશ્વરાનંદજીએ મંત્રીઓનું પુષ્પગુચ્છ અને મોમેન્ટો આપી અભિવાદન કરીને પ્રાસંગિક ઉદબોધન કર્યું હતું. આ તકે મંત્રી મુળુભાઈ બેરાએ જણાવ્યું હતું કે દિવ્યાંગ બાળકોમાં વિશેષ શક્તિઓ હોય છે, આથી તેમના સર્વાંગી વિકાસ માટે સમયાંતરે આ પ્રકારના કાર્યક્રમના આયોજનથી તેમના જીવનમાં ઉત્સાહ વધે છે. આ ઉપરાંત દિવ્યાંગ બાળકોના સર્વાંગી વિકાસ માટે માતા-પિતા અને શિક્ષકો ખૂબ મહેનત કરે છે જે સરાહનીય છે. તેમજ  રાજ્ય સરકાર દ્વારા દિવ્યાંગો માટે વિવિધ યોજનાઓ અમલી કરાઇ છે. જે અંતર્ગત દિવ્યાંગોને સમયાંતરે લાભ મળતો રહે છે.

આ પ્રસંગે મંત્રી  ભાનુબેન બાબરીયા અને મંત્રી  મુળુભાઈએ દ્વારા વિવિધ સ્પર્ધાના વિજેતા બાળકોને ઇનામ આપી પ્રોત્સાહિત કર્યા હતા. આ કાર્યક્રમમાં બહોળી સંખ્યામાં બાળકો તેમજ તેમના માતા-પિતા, આશ્રમના વિવિધ વિભાગના ડોક્ટર્સ ઉપસ્થિત રહ્યા હતા. આ સમગ્ર કાર્યક્રમનું સંચાલન ડો.કિંજલ સામાણી દ્વારા કરવામાં આવ્યું હતું.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.