Abtak Media Google News

આરકેસીના સારા દિવસો હવે ખુબ નજીક છે…

રાજકુમાર કોલેજ માત્ર શિક્ષણ નહીં માનવ ઘડતરની વિદ્યાપીઠ : ‘અબતક’ની શુભેચ્છા મુલાકાત દરમિયાન આરકેસીની ગૌરવગાથા વર્ણવતા ઠાકોર સાહેબ જીતેન્દ્રસિંહજી ઓફ મુળી, ઠાકોર સાહેબ કિર્તીકુમારસિંહજી ઓફ લાઠી અને યુવરાજ સાહેબ રણજીતસિંહજી ઓફ મુળી

કોલેજના રેકોર્ડમાં ચેડા થયાના ગંભીર આક્ષેપ, દરબાર સાહેબ ઉદય વાળા ઓફ વડિયા ફાઉન્ડીંગ હાઉસીસ હોવાના પુરાવા સાથે ધારદાર દાવો કરતા લાઠી અને મુળીના રાજવી

આંતરરાષ્ટ્રીય ખ્યાતિ પ્રાપ્ત રાજકુમાર કોલેજને લઈને છેલ્લા ઘણા સમયથી વિવાદ ચાલી રહ્યો છે, તાજેતરમાં દરબાર સાહેબ ઓફ જેતપુર મહિપાલ વાળા દ્વારા દરબાર સાહેબ ઉદય વાળા ઓફ વડીયા, રાજકુમાર કોલેજના ફાઉન્ડીંગ હાઉસીસમાં ન હોવાનું જાહેર કરવામાં આવ્યું હતું. આ જાહેરાતને ઠાકોર સાહેબ જીતેન્દ્રસિંહજી ઓફ મુળી, ઠાકોર સાહેબ કિર્તીકુમારસિંહજી ઓફ લાઠી અને યુવરાજ સાહેબ રણજીતસિંહજી ઓફ મુળીએ ખોટી ગણાવીને દરબાર સાહેબ ઉદય વાળા ઓફ વડિયા, રાજકુમાર કોલેજના ફાઉન્ડીંગ હાઉસીસના પુરાવા સાથે ‘અબતક’ મીડિયા હાઉસની શુભેચ્છા મુલાકાત લીધી હતી. આ મુલાકાતમાં યુવરાજ સાહેબ રણજીતસિંહ ઓફ મુળીએ રાજકુમાર કોલેજના સારા દિવસો હવે ખુબ નજીક હોવાનો આશાવાદ વ્યકત કરતા કહ્યું કે, જો તમામ ૨૭ ફાઉન્ડીંગ હાઉસ બંધારણને સંપૂર્ણ અનુસરશે તો રાજકુમાર કોલેજ ફરી ગરીમાપૂર્ણ બની જશે.

લાઠી અને મુળીના બન્ને રાજવીઓએ જણાવ્યું કે, તા.૧ નવેમ્બર ૨૦૦૦ના રોજ સંસ્થામાં પસાર થયેલા ઠરાવમાં લાઠી અને મુળી સ્ટેટને ફાઉન્ડીંગ હાઉસીસમાં સમાવાયા હતા. વડીયા ફાઉન્ડીંગ હાઉસીસ વિશે રેકોર્ડ અપડેટ થયા પછી તે નામ ૨૦ વર્ષ પછી પણ પ્રગટ થયું નથી. તા.૧૬મી જૂન ૨૦૨૦ના રોજ રાજકુમાર કોલેજના એસેમ્બલી હોલમાં યોજાયેલી પ્રેસ કોન્ફરન્સમાં દરબાર સાહેબ ઓફ જેતપુર મહિપાલ વાળા દ્વારા પ્રિન્સીપાલ શંકરસિંગ અધિકારી અને અન્ય લોકોની ઉપસ્થિતિમાં એવીે વિગત જાહેર કરવામાં આવી હતી કે, ઉદય વાળા ઓફ વડીયા ફાઉન્ડીંગ હાઉસીસના પ્રતિનિધિ નથી તેમનો આ દાવો પાયા વિહોણો છે અને રાજકુમાર કોલેજના રેકર્ડમાં આવી કોઈ વિગતો નથી. જો કે રાજકુમાર કોલેજના પ્રિન્સીપાલ હોવા ઉપરાંત ટ્રસ્ટ સેક્રેટરીનો પણ કાર્યભાળ શંકરસિંગ અધિકારી સંભાળતા હોય ત્યારે શંકરસિંગ અધિકારીને આ બાબતની જાણ હોવી જોઈએ કે તા.૧ નવેમ્બર ૨૦૦૦ના ઠરાવ મુજબ દરબાર સાહેબ ઉદય વાળા વડીયા ફાઉન્ડીંગ હાઉસીસના હેડ છે. આવું સ્ટેટમેન્ટ રેકોર્ડ વિરુધ્ધનું કરવાથી પ્રિન્સીપાલ, ટ્રસ્ટ સેક્રેટરી અને જવાબદાર વ્યક્તિઓની બેદરકારી છતી થાય છે.

વધુમાં યુવરાજ સાહેબ રણજીતસિંહજી ઓફ મુળીએ જણાવ્યું કે, રાજકુમાર કોલેજ માત્ર શિક્ષણ માટે નથી તેનો મુખ્ય હેતુ ઓલ રાઉન્ડ ડેવલોપમેન્ટ અને પર્સનાલીટી ડેવલોપ માટેનો છે. રાજકુમાર કોલેજ માટે ત્રણ મહત્વના મુદ્દા એ છે કે સંસ્થા બંધારણ પ્રમાણે ચાલે, સંસ્થાનું નામ અને ગરીમા પાછી મળે અને સંસ્થાના જે ૨૭  ફાઉન્ડીંગ ફેમીલી છે તે તમામનું માન-સન્માન જળવાઈ રહે. આ ત્રણેય મુદ્દા ઉપર ધ્યાન અપાશે તો રાજકુમાર કોલેજના સારા દિવસો હવે ખૂબ નજીક છે. ઠાકોર સાહેબ કિર્તીકુમારસિંહજી ઓફ લાઠીએ અંતમાં જણાવ્યું કે, રાજકુમાર કોલેજનાં પ્રથમ પ્રિન્સીપાલ મેગનોટ હતા. તેઓએ એક વિદ્યાર્થીમાં તેની નેચરલ કવોલીટી પારખીને એવું કહી દીધું હતું કે, તું કલાસ‚મમાં ન આવતો ચાલશે તને બગીચામાં રહેવાનું મન થાય તો બગીચામાં રહેશે. જયારે કલાસમાં આવવાનું મન થાય ત્યારે કલાસમાં રહેજે. આમ પ્રિન્સીપાલે તેની કલાને પ્રોત્સાહન આપ્યું હતું અને આ વિદ્યાર્થી બીજુ કોઈ નહીં આપણા કલાપી હતા. આમ અનેક વિદ્યાર્થીઓએ અહીં ભણીને વિશ્ર્વકક્ષાએ ડંકો વગાડયો છે. હવે આગામી દિવસોમાં પણ રાજકુમાર કોલેજની પહેલા જેવી ગરીમા ઉભી થાય તેવા પ્રયાસો ફાઉન્ડીંગ હાઉસીસે મળીને કરવા જોઈએ.

02 6

  • બોર્ડની ટર્મ ફેબ્રુઆરી ૨૦૧૮માં પૂર્ણ અઢી વર્ષથી ટલ્લે ચડેલી ચૂંટણી

રાજકુમાર કોલેજના બોર્ડની ટર્મ ફેબ્રુઆરી ૨૦૧૮માં પૂર્ણ થઈ હતી. તેમ છતાં આજ સુધી નવા બોર્ડ માટે ઈલેકશન યોજવામાં આવ્યું નથી. આમ છેલ્લા અઢી વર્ષથી ચૂંટણી ટલ્લે ચડી છે. આ અંગે રાજવીઓએ જણાવ્યું કે, ચેરીટી કમિશનરે નવેમ્બર ૨૦૧૯માં જજમેન્ટ આપીને ઈલેકશન ઓફિસરની નિમણૂંક કરી દીધી હતી અને ચૂંટણીની પ્રક્રિયા પણ શરૂ કરી દીધી હતી. સામે બોર્ડના અમુક હોદ્દેદારોએ હાઈકોર્ટમાં સ્ટે માટે અપીલ કરી હતી. હિયરીંગના દિવસે બન્ને પક્ષના વકીલો ગેરહાજર હતા અને બાદમાં કોરોનાની મહામારી શરૂ થઈ આમ હજુ સુધી ચૂંટણી થઈ શકી નથી.

દરબાર સાહેબ ઉદય વાળા ઓફ વડીયા ફાઉન્ડીંગ હાઉસીસમાં હોવાના ત્રણ પુરાવા

  • રાજકુમાર કોલેજના ટ્રસ્ટીઓનો તા.૧ નવેમ્બર ૨૦૦૦નો ઠરાવ

મુળી અને લાઠીના રાજવીઓએ પ્રથમ પુરાવો આપતા જણાવ્યું કે, રાજકુમાર કોલેજના ટ્રસ્ટીઓના તા.૧ નવેમ્બર ૨૦૦૦ના ઠરાવમાં ૧૦ ફાઉન્ડીંગ હાઉસીસના નામોનો સમાવેશ કરવામાં આવ્યો છે. જેમાં નોન સેલ્યુટ સ્ટેટ કેટેગરીમાં દરબાર સાહેબ ઉદય વાળા ઓફ વડીયાનું નામ ઉમેરવામાં આવ્યું હતું. આ ઠરાવમાં સ્વ.એચ.એચ.મહારાજ સાહેબ મેઘરાજસિંહજી ઓફ ધ્રાંગધ્રા (બોર્ડ ટ્રસ્ટીના પૂર્વ પ્રમુખ), સ્વ.એચ.એચ.મહારાણા સાહેબ પ્રતાપસિંહજી ઓફ વાંકાનેર, સ્વ.ઠાકોર સાહેબ ભુપેન્દ્રસિંહજી ઓફ માળીયા, સ્વ.એચ.એચ.ઠાકોર સાહેબ છત્રસાલજી ઓફ લીંબડીની સહી હતી.

  • સ્વ.દરબાર સાહેબ વિરાજી વાળા ઓફ વડીયાના અવસાનનું પ્રમાણપત્ર

મુળી અને લાઠીના રાજવીઓએ બીજો પુરાવો આપતા જણાવ્યું કે, સ્વ.દરબાર સાહેબ સુરગ વાળા ઓફ વડીયાના સુપુત્ર સ્વ.દરબાર સાહેબ વિરાજી વાળા ઓફ વડીયાનું અવસાન ૧૯૯૪માં થયું ત્યારનું પ્રમાણપત્ર જે રાજકુમાર કોલેજના રેકર્ડમાં અને જાણમાં ૧ નવેમ્બર ૨૦૦૦ના ઠરાવ અનુસાર છે. એટલે આ રેકર્ડમાં એ સ્પષ્ટ છે કે દરબાર સાહેબ વિરાજી વાળાનું અવસાન ૧૯૯૪માં થયું અને તેમના ઉત્તરાધીકારી તરીકે દરબાર સાહેબ ઉદય વાળા ઓફ વડીયા છે. આ રેકોર્ડ રાજકુમાર કોલેજ પાસે પણ હયાત છે.

  • વડીયા ફાઉન્ડીંગ હાઉસ માટે વિદ્યાર્થીઓને વર્ષ ૨૦૦૫ થી ૨૦૧૮ દરમિયાન અપાયેલી શિષ્યવૃતિ

રાજકુમાર કોલેજની વ્યવસ્થા અને બંધારણીય જોગવાઈ મુજબ દરેક ફાઉન્ડીંગ હાઉસ કોઈ એક વિદ્યાર્થીને રાજકુમાર કોલેજમાં સ્પોન્સર કરી શકે છે. એકવાર એ વિદ્યાર્થી દાખલ થાય અને જ્યાં સુધી અભ્યાસ કરે ત્યાં સુધી વિદ્યાર્થીની સ્પોન્સરશીપ જે તે ફાઉન્ડીંગ હાઉસની રહી શકે છે. તા.૪ મે ૨૦૦૩ના રોજ લખાયેલ પત્ર સ્પષ્ટ કરે છે કે, દરબાર સાહેબ મહિપાલ વાળાના કાર્યકાળ દરમિયાન વડીયા ફાઉન્ડીંગ હાઉસ તરફથી ચોટીલાના મહાવીરભાઈ ખાચરના પુત્ર કુલદિપભાઈ ખાચરને સ્કોલરશીપ મળી હતી. તેઓ ૨૦૦૫-૦૬થી વર્ષ ૨૦૧૭-૧૮ દરમિયાન વિદ્યાર્થી રહી ચૂકયા હતા.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.