Abtak Media Google News
  • 7 મહિનાથી નાસતો ફરતો આરોપી સ્થાનિક પોલીસના હાથમા નહિ આવતા સ્ટેટ મોનિટરિંગ સેલે ઓપરેશન પાર પાડ્યું

સુરેન્દ્રનગર જિલ્લાના સાયલામાં વર્ષોથી જમીન ખનન અને કાળા પથ્થર(બ્લેક ટ્રેપ)નું ખનન અને ચોરી ચાલી રહી હોવાની બાબત સરકારના ધ્યાન પર આવતા તપાસના આદેશ અપાયા હતા. જેમાં રૂપિયા 280 કરોડનું ખનન થયું હોવાની ફરિયાદ નોંધાઇ હતી. આ પ્રકરણમાં સ્થાનિક પોલીસે ફરિયાદ નોંધીને તપાસ શરૂ કરી હતી. જો કે પોલીસ ખનન માફિયા સામે ઢીલી પડતી હોવાથી આ તપાસ સ્ટેટ મોનિટરિંગ સેલને સોંપવામાં આવી હતી. આ પ્રરકણમાં રીઢા ગુનેગાર ભરત વાળાને સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે સાયલામાંથી જ ઝડપી લીધો છે. ઉલ્લેખનીય છે કે, ખનીજ ખનન ઉપરાંત એક્સ્પ્લોઝિવ એક્ટ અને હથિયાર સાથે લૂંટના સંખ્યાબંધ ગુનામાં ભરત વાળા વોન્ટેડ હતો.

Advertisement

સુરેન્દ્રનગરમાં જમીન માફિયાઓ, ખનન માફિયાઓનો આતંક વર્ષોથી વધતો રહ્યો છે. જિલ્લાભરમાં કાળા પથ્થર અને કોલસાની ખાણો સતત ધમધમતી હોવાથી ખનીજની બેફામ ચોરીના અહેવાલ છાસવારે સામે આવી ચુક્યા છે. ગેરકાયદેસર ધમધમતી ખાણમાં અનેકવાર દુર્ઘટનાના સમાચાર પણ સામે આવી ચુક્યા છે જેમાં અનેક શ્રમિકોના જીવનો ભોગ પણ લેવાઈ ચુક્યો છે. ત્યારે આ ગેરકાયદેસર ખાણને બુરી દેવા માટે ઉપરી સ્તરે આદેશો પણ છૂટ્યા છે.

હાલ સુરેન્દ્રનગર ખાણ ખનીજ વિભાગને ગેરકાયદેસર ખાણને દાટી દેવા રૂ. 85 લાખની ગ્રાન્ટ પણ રાજ્ય સરકારે ફાળવેલી છે. ત્યારે બેફામ ધમધમતી ખાણ મામલે અગાઉ જે ગુન્હો દાખલ કરવામાં આવ્યો હતો તેમાં સ્ટેટ મોનીટરીંગ સેલે કાર્યવાહી હાથ ધરી છે.

ખનન માફિયા સરકારી જમીનમાંથી કાળા પથ્થર(બ્લેક ટ્રેપ) ખોદતા હતા. આ માફિયા 280 કરોડ રૂપિયાનું ખનન કરી ગયા બાદ સરકારે તેમની વિરુદ્ધ ફરિયાદ નોંધી તપાસ શરૂ કરી હતી. જેમાં મુખ્ય સાગરિત ભરત સાર્દુલભાઇ વાળા(રહે. સુદામડા, સાયલા-સુરેન્દ્રનગર) સાત મહિનાથી પોલીસને હાથતાળી આપીને ભાગતો ફરતો હતો.

આ પ્રકરણની તપાસ આખરે સ્ટેટ મોનિટરિંગ સેલને સોંપવામાં આવી હતી. સ્ટેટ મોનિટરિંગ સેલના કે.ટી.કામરિયાએ બાતમીદારોને એક્ટિવ કર્યા અને બાતમી મળી કે, ભરત વાળા સાયલા તાલુકાની ડોળીયા ચોકડી પાસે રિલાયન્સના પેટ્રોલપંપ પર આવ્યો છે. જેને પગલે પોલીસે તેને ઝડપી લીધો હતો.

ખનન માફિયા ભરત વાળા ખનીજ ચોરી, એક્સપ્લોઝીવ એક્ટ સહીતના પાંચ ગુન્હામાં મોસ્ટ વોન્ટેડ આરોપી

સ્ટેટ મોનીટરીંગ સેલે જે ભરત વાળાની ધરપકડ કરી છે તે રૂ. 280 કરોડની ખનીજ ચોરીમાં મુખ્ય આરોપી છે. ઉપરાંત ભરત વાળા વિરુદ્ધ એક્સપ્લોઝીવ એક્ટ હેઠળના બે ગુના દાખલ થયેલા છે. તેમજ ગેરકાયદેસર હથિયારો સાથે લૂંટ કરવાનો એક ગુનો એમ કુલ પાંચ જેટલાં ગુનામાં ભરત વાળા મોસ્ટ વોન્ટેડ આરોપી હતો.

આરોપી સાયલા તાલુકામાંથી જ ઝડપાતા સ્થાનિક પોલીસની કામગીરી પર સવાલ ઉઠ્યા

પાંચ ગુન્હાનો મોસ્ટ વોન્ટેડ આરોપી ભરત વાળાને સ્ટેટ મોનીટરીંગ સેલે સાયલા તાલુકાની ડોળીયા ચોકડી પાસે રિલાયન્સ પેટ્રોપપંપ નજીકથી બાતમીના આધારે ઝડપી લીધો છે. હવે ગાંધીનગર ખાતે બેસતી એસએમસીને ભરત વાળાની બાતમી પ્રાપ્ત થતી હોય અને તેના આધારે એસએમસી ભરત વાળાને ઉપાડવામાં સફળ રહેતી હોય ત્યારે સ્થાનિક પોલીસને કેમ આ બાબતે કોઈ જાણ ન થઇ તે એક સવાલ છે.

દોઢ માસમાં એસએમસીએ અનેક રાજ્યમાંથી નાસતા ફરતા 74 આરોપીઓને પકડી પાડ્યા

લોકસભા ચૂંટણી અનુસંધાને સ્ટેટ મોનીટરીંગ સેલે કાર્યવાહી હાથ ધરીને ગત તા. 16 માર્ચથી હાલ સુધીમાં ગુજરાત રાજ્ય અને રાજ્ય બહારથી દોઢ માસના સમયગાળામાં 74 જેટલાં નાસતા ફરતા આરોપીઓને ઝડપી પાડ્યા છે અને તેમના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.