Abtak Media Google News

આગામી બે દિવસમાં ૫૫૦૦૦ રત્ન કલાકારો સૌરાષ્ટ્રમાં પ્રવેશસે: સુરતથી અમરેલી, જૂનાગઢ, ભાવનગર, દ્વારકા સહિતના જિલ્લામાં પ્રવેશવા લોકોનો ભારે ધસારો

કોરોના મહામારીને રોકવા લદાયેલા લોકડાઉનમાં સુરતમાં રહેતા રત્ન કલાકારની હાલત પણ કફોડી બની ચૂકી છે. વર્તમાન સમયે સૌરાષ્ટ્રમાંથી સુરત ગયેલા ૪ લાખ રત્ન કલાકારો પરત આવવા અધિરા બન્યા હોવાનું સામે આવે છે. જીએસઆરટીસી દ્વારા છેલ્લા ૨ અઠવાડિયાથી ઓનલાઈન એપ્લીકેશન કરનાર લોકોને પરત લાવવાની તૈયારીઓ થઈ રહી છે.  સુરત ડાયમંડ એસોશીએશન દ્વારા આપવામાં આવેલા આંકડા મુજબ છેલ્લા બે દિવસમાં સૌરાષ્ટ્રમાં પરત આવવા માટે ૧૨૦૦૦ જેટલી એપ્લીકેશન રત્ન કલાકારો દ્વારા કરવામાં આવી છે. જો એક વર્ષમાં એપ્લીકેશન દીઠ ૩૦ મુસાફરોને ભરવામાં આવે તો પણ એસટી વિભાગ માટે અનેક પડકારો સામે આવશે.

Advertisement

સૌરાષ્ટ્ર અને નોર્થ ગુજરાતમાં જવા ૪ લાખ લોકોએ અરજી કરી હોવાની જાણવા મળે છે. ૧૮૦૦ બુકિંગ એવા છે જે હજુ સુધી ક્ધફર્મ થવાની બાકી છે. આગામી ૨ દિવસમાં ૫૫ હજાર રત્ન કલાકારો સૌરાષ્ટ્રના વિવિધ જિલ્લાઓમાં પહોંચી જશે.

તાજેતરમાં આંતર જિલ્લા પ્રવાસ માટે કેટલીક શરતી છુટછાટ તંત્ર દ્વારા આપવામાં આવી હતી. સુરતમાં લોકોની માંગણીને માન આપી એસટી વિભાગ આગામી સમયમાં ૨૦૫ બસ દોડાવવા તૈયાર હતું. જેમાંથી ૯૦ ટકા બસ અમરેલી અને ભાવનગર જિલ્લામાં લોકોને પહોંચાડશે. જૂનાગઢ, મહેસાણા અને દેવભૂમિ દ્વારકાના રત્ન કલાકારો પણ પોતાના વતન ટૂંક સમયમાં પહોંચી જશે. સૌરાષ્ટ્ર તરફ આવવા માટે ધસારો હોવાનું જાણવા મળે છે. સુરતના હજીરા મોરાગામ નજીક કામદારો રસ્તા પર ઉતર્યા હોવાનું પણ જાણવા મળી રહ્યું છે.

નોંધનીય છે કે, લોકડાઉનના કારણે અનેક લોકોની રોજીરોટી ઉપર અસર પડી છે. કારખાનાઓ લાંબા સમયથી બંધ છે. રોજગારીના મોટા પ્રશ્ર્ન આવીને ઉભા છે. વાયરસનો ફેલાવો અટકે તે માટે સરકારે દેશના જિલ્લાઓને વિવિધ ઝોનમાં અવિભાજીત કર્યા છે. જો કે, આગામી સમયમાં લોકડાઉન વધુ લંબાય અને પરિસ્થિતિ ગંભીર બને તેવું માનીને ગુજરાત બહારના શ્રમિકોને પોતાના વતન મોકલવામાં આવી રહ્યાં છે અને ગુજરાતમાં પણ એક જિલ્લામાંથી બીજા જિલ્લામાં રોજગારી માટે ગયેલા કામદારોને પોતાના વતન પહોંચાડવાની તૈયારી થઈ રહી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.