Abtak Media Google News

સુરતમાં લાલચ બુરી બલા હૈ તે ઉક્તિ સાર્થક નીવડી છે. સુરતના રાંદેર અને હજીરા વિસ્તારમાંથી હાઈ પ્યોરીટી અફઘાની ચરસ ઝડપાયું છે. પોલીસે ત્રણ આરોપીની ધરપકડ કરી છે. તેમજ 4 કરોડ 15 લાખ 95 હજારનું 8.319 કિલો ચરસ કબજે કરી વધુ તપાસ હાથ ધરી છે. ઝડપાયેલા ત્રણ આરોપીઓ પૈકી બે આરોપી હજીરા ખાતેની મલ્ટી નેશનલ કંપનીમાં નોકરી કરે છે. જેઓ દરિયા કિનારે ફરવા ગયા હતા ત્યારે ઝાળીમાં લાવારીસ ચરસનો જથ્થો મળી આવ્યો હતો. ત્યારે આ ચરસના જથ્થાને વેંચી નાણાં રળી લેવા રઘવાયા થયેલા શખ્સોને પોલીસે દબોચી સમગ્ર ભાંડો ફૂટ્યો હતો.

સુરત એસઓજીએ રૂ. 4.15 કરોડનો અફઘાની ચરસનો જથ્થો ઝડપી પાડ્યો

બંને ઈસમોએ ચરસ અંગે પોલીસને જાણ કરવાના બદલે પૈસા કમાવવાની લાલચે ચરસનો જથ્થો ઘરે લાવી ઘરની પાછળ ઝાંડી ઝાંખરામાં જમીનમાં સંતાડી રાખ્યો હતો. જેમાનો કેટલોક જથ્થો એક યુવકને વેચવા માટે આપ્યો હતો. જે ઝડપાતા આખો ખેલ પકડાઈ ગયો હતો.

સુરત એસઓજીને બાતમી મળી હતી કે, રાંદેર વિસ્તારનો એક ઇસમ છેલ્લા 25 દિવસથી હાઈ પ્યોરીટી અફઘાની ચરસનું વેચાણ કરી રહ્યો છે. માહિતીના આધારે એસઓજી અને પીસીબી પોલીસની ટીમ દ્વારા રાંદેર પાલનપુર પાટિયા રોડ સ્થિત લક્ષ્મી ડેરીની ગલીમાં પોલીસે વોચ ગોઠવી હતી. રાંદેર રામનગર પાસે આવેલી કીર્તિનગર સોસાયટીમાં રહેતા જતીન ઉર્ફે જગ્ગુ ગીરીશભાઈ ભગત (ઉં.વ.26)ને પોલીસે ઝડપી પાડ્યો હતો. પોલીસે તેની પાસેથી 1 કરોડ 8 લાખ 65 હજારની કિંમતનું 2.173 કિલોગ્રામ હાઈ પ્યોરીટી અફઘાની ચરસનો જથ્થો જપ્ત કર્યો હતો.

પોલીસે તેની કડક પૂછપરછ કરતા આ ચરસનો જથ્થો હજીરા વિસ્તારના બે ઈસમોએ વેચાણ માટે આપ્યો હોવાનું બહાર આવ્યું હતું. જેથી પોલીસે હજીરાગામ નીલમનગર સોસાયટીના મકાન નંબર 453માં રેઇડ કરી હતી. જ્યાં ઘરની પાછળ આવેલા ઝાંડી ઝાંખરાવાળી જમીનમાંથી ખાડો ખોદી સંતાડી રાખેલું વધુ 3 કરોડ 7 લાખ 40 હજારની કિંમતનું 6.146 કિલોગ્રામ હાઈ પ્યોરીટી અફઘાની ચરસ જપ્ત કર્યું હતું. આ ઘટનામાં પોલીસે ત્યાં રહેતા પિંકેશ શાંતિલાલ પટેલ અને જહાંગીરપુરા સંકલ્પ રોહાઉસ ખાતે રહેતા અભિષેક ઉર્ફે અભી રોહિત પટેલની ધરપકડ કરી હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.