Abtak Media Google News

સુરતમાં હવાલા પેટે આવેલી જાલીનોટના કાળા કારોબારનો પર્દાફાસ

જાલીનોટનું કમિશન આંતકી સંગઠનને પહોચતું હોવાની શંકા સાથે એટીએસની ટીમે તપાસમાં ઝંપલાવ્યું

રાષ્ટ્ર વ્યાપી જાલીનોટ કૌભાંડમાં એનઆઇએએ તપાસનો દોર સંભાળશે?: રાજકોટમાં પકડાયેલા જાલીનોટ કૌભાંડ અને સુરતના જાલીનોટ કૌભાંડ સાથે કનેકશનની શંકા

સુરતથી ઝડપાયેલા છ શખ્સો પાસેથી સોના-ચાંદીની લગડી મળી રાજકોટની જાલીનોટનું પગેરુ મેળવવા હૈદરાબાદમાં સઘન તપાસ

દેશના અર્થ તંત્રને ખોખલુ કરતા જાલીનોટ કૌભાંડનું કમિશન આંતકવાદી સંગઠનોને મળતુ હોવાથી 2016માં  સરકાર દ્વારા રુા.1000 અને 500ના દરની નોટ રદ કરી હતી. જાલીનોટ થકી આંતકવાદી સંગઠનોને મળતી આર્થિક મદદ બંધ થયા બાદ ફરી જાલીનોટ ચલણમાં ઘુસાડવામાં કેટલાક દેશદ્રોહિઓ ફરી સક્રીય બન્યા હોય તેમ રાજકોટમાં બે અઠવાડીયા પૂર્વે પકડાયેલી જાલીનોટ અને સુરતમાંથી રુા..4.85 કરોડની જાલીનોટ કૌભાંડનું કનેકશન એક જ હોવાની શંકા સાથે એટીએસની ટીમે તપાસમાં ઝંપલાવ્યું છે. આંગડીયા પેઢના હવાલા મારફત જાલીનોટ કૌભાંડ ચલાવવામાં આવી રહ્યાની આશંકા વ્યક્ત થઇ રહી છે. ત્યારે એનઆઇએ દ્વારા પણ તપાસમાં ઝંપલાવે તેવા નિર્દેશ મળી રહ્યા છે.

રાજકોટમાં રુા.500ના દરની 513 જાલીનોટ સાથે ઝડપાયેલા રાજુલાના ભરત બોરીચા અને પૂનાના કમલેશ સહિતના શખ્સોને હૈદરાબાદના ઇશ્ર્વર સ્વામીએ જાલીનોટ આપી હોવાનું બહાર આવતા રાજકોટ પોલીસની એક ટીમ જાલીનોટનું પગેરુ મેળવવા હૈદરાબાદ ગઇ છે. ત્યારે સુરત એસઓજી અને એટીએસની ટીમે રુા.4.85 કરોડની જાલીનોટ સાથે છ શખ્સોને ઝડપી તેની પાસેથી સોના-ચાંદીની લગડી કબ્જે કરી છે. બંને જાલીનોટ કૌભાંડમાં આંગડીયા પેઢી દ્વારા હવાલો પાડી જાલીનોટ ચલણમાં મુકવામાં આવતી હોવાની શંકા સાથે એનઆઇએ જાલીનોટ કૌૈભાંડને રાષ્ટ્ર વ્યાપી બનાવવામાં આવશે તેવા નિર્દેશ મળી રહ્યા છે.

ભેજાબાજો દ્વારા છેતરપિંડીનાં અવનવાં ગતકડાં શોધી કાઢવામાં આવતાં હોય છે. સુરતના અમરોલી વિસ્તારમાં 99 શોપિંગ કોમ્પલેક્ષમાં અસલી નોટોમાં થોડી ઓરિજનલ નોટ મૂકી નીચે ચિલ્ડ્રન બેન્કની નોટ પધરાવતા હતા. તેઓ લોકોનો સંપર્ક કરીને જે તે જગ્યા ઉપર મળવાનું કહી વાતચીત કરતા અને ત્યારબાદ પોલીસ આવી જશે. તેવો ડર બતાવીને ઝડપથી નોટના બંડલ ભરેલી બેગની આપલે કરીને નાસી જતા હતા. આ બાબતની જાણ એસ.ઓ.જી અને એટીએસની ટીમને થતા સંયુક્ત રીતે ઓપરેશન હાથ ધરીને છ ઈસમોને મુદ્દામાલા સાથે ઝડપી પાડવામાં આવ્યા છે. આરોપીઓ પાસેથી 500 અને 2000ના દરની રૂ.4 કરોડથી વધુની નોટ ઝડપી લેવામાં આવી છે.

એસઓજી અને એટીએસના સંયુક્ત ઓપરેશનમાં છ ઈસમોને ઝડપી પાડી તેમની પાસેથી મુદ્દામાલ ઝડપી લીધો હતો. જેમાં રૂ.4,85,35,000ની 2000 અને 500ના દરની નોટો ઝડપી પાડવામાં આવી હતી. તેમજ આરોપીઓ પાસેથી 50 ગોલ્ડ અને 10 સિલ્વરની લગડીઓ પણ મળી આવી હતી. પોલીસે શખ્સોને ઝડપી પાડીને કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે.

સ્પેશિયલ ઓપરેશન ગ્રુપના ડીસીપી રાજદીપસિંહ નકુમે જણાવ્યું કે, આ શખ્સ જે નોટનાં બંડલ આપતા હતા. તેમાં ઉપર અને નીચે ઓરિજનલ નોટ મૂકી દેતા અને વચ્ચેના ભાગે ડુપ્લિકેટ 2000 અને 500ના દરની નોટો મૂકતા હતા. આ નોટો પધરાવી દેવા માટે તેમણે અલગ અલગ પાર્ટીઓ સાથે વાતચીત શરૂ કરી હતી. પરંતુ પ્રાથમિક પૂછપરછ મુજબ હજુ સુધી કોઈ મોટી ડીલ તેમના દ્વારા કરવામાં આવી ન હોવાનું આરોપી જણાવી રહ્યા છે.

આરોપીઓ પાસેથી અસલી અને નકલી નોટો જપ્ત કરી લેવામાં આવી છે. સાથે જ સોનાની અને ચાંદીની લગડીઓ પણ જપ્ત કરવામાં આવી છે. હાલ ઝડપાયેલા આરોપીઓની સામે કાયદેસરની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. તેમજ આ નોટ ક્યાંથી લાવતા હતા. કોની કોની સાથે તેમને ડીલ કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.