Abtak Media Google News

બ્રિન્ગિંગ એડિક્વેટ વેલ્યુસ ઓફ હ્યુમેનિટી (બ્રાવો) ચળવળની સૂત્રધાર ઓલ્ગા આરોને લગભગ વીસ વર્ષ સુધી એક કંપનીમાં વ્હાઈટ કોલર જોબ કરી હતી. ટ્રાન્સજેન્ડર તરીકેની ઓળખાણ આપ્યા બાદ કંપનીનાં દરેક એમ્પ્લોયનું તેનાં પ્રત્યેનું વલણ તદ્દન બદલી ગયું

હિંદુ સંસ્કૃતિ સૌથી પ્રાચીન સંસ્કૃતિઓમાંની એક છે. અહીંના ગ્રંથો અને તેમાંના પાત્રો રંગબેરંગી છે, વિવિધતાથી ભરપૂર છે. ક્યાંક મત્સ્ય અવતાર છે તો ક્યાંક નરસિંહ! ક્યાંક અર્ધનારેશ્વર તો ક્યાંક શિખંડિની! રામાયણ, મહાભારત, શિવપુરાણ કે વિષ્ણુપુરાણ; દરેકનું સાક્ષીભાવે કરેલું વાંચન તમને એવી હકીકત સુધી દોરી જશે જ્યાં સુધી દ્રષ્ટિ વિસ્તારવાની આપણે ક્યારેય કોશિશ જ નથી કરી. આ તમામ ધાર્મિક ગ્રંથોમાં બે જીવોનાં મિશ્રણની યા તો પ્રકૃતિ-પુરુષનાં મિલન વિશેની પણ વાત કરવામાં આવી છે. પ્રાચીન કથાઓમાં કેટલીય સાબિતીઓ મળી આવી છે જેનાં લીધે કિન્નરોનું અસ્તિત્વ આદિકાળથી ચાલ્યું આવે છે તે તથ્ય પરથી પડદો ઉઠે છે. ભીષ્મનો કાળ બનવાની પ્રતિજ્ઞા લઈ ચૂકેલી શિખંડિનીનું ઉદાહરણ જ જોઈ લો! એ વાતને આજે સદીઓ વીતી ગઈ હોવા છતાં આપણે કેટલે અંશે કિન્નરોને પૂર્વાગ્રહમુક્ત થઈને જોઈ શક્યા છીએ!?

બ્રિન્ગિંગ એડિક્વેટ વેલ્યુસ ઓફ હ્યુમેનિટી (બ્રાવો) ચળવળની સૂત્રધાર ઓલ્ગા આરોને લગભગ વીસ વર્ષ સુધી એક કંપનીમાં વ્હાઈટ કોલર જોબ કરી હતી. ટ્રાન્સજેન્ડર તરીકેની ઓળખાણ આપ્યા બાદ કંપનીનાં દરેક એમ્પ્લોયનું તેનાં પ્રત્યેનું વલણ તદ્દન બદલી ગયું. જેની વાત કરતા આરોન જણાવે છે કે, મારા ઘરમાં મારી સેક્સ્યુઆલિટી વિશે કોઈને વાંધો જ નહોતો. મારી માતાએ મને દીકરાને બદલે દીકરી સમજી ઉછેરવાનું ચાલુ કરી દીધું હતુ. જે મારા માટે ઘણા આનંદની વાત હતી, પરંતુ ઓફિસમાં મને હંમેશા એવું લાગતું કે દરેક વ્યક્તિ સતત મારી સામે ટીકી-ટીકીને જોઈ રહ્યો છે. મને બીજા નોકરિયાતની સરખામણીમાં વધારે કામ આપવાનું શરૂ કરાયું. પુરુષ નોકરિયાત દ્વારા મારી સાથે શારીરિક છેડખાનીનો કિસ્સો પણ બન્યો. છતાં મેં હિંમત હાર્યા વગર મારું કામ ચાલુ રાખ્યું. આરોન આજે પોતાની કંપનીમાં એક સ્વતંત્ર સ્ત્રી તરીકે કામ કરી સુખી જીવન ગાળી રહી છે.

ભારતમાં આ ચિત્ર થોડુંક અલગ છે. સિગ્નલ, રેલ્વે-સ્ટેશન કે લગ્ન પ્રસંગોમાં હિજડાનું અપમાન કરીને દૂર ધકેલી દેવામાં આવે છે. આવેશમાં આવીને આપણે એમને ન બોલવાનાં વેણ બોલી દઈએ છીએ. છતાં ક્યારેય તેઓ સામો ગુસ્સો પ્રગટ નથી કરતા. શા માટે આપણે એ ભૂલી જઈએ છીએ કે તેઓ પણ આખરે માણસ છે, તેમનું પેટ પણ ખોરાક માંગે છે. પોતાનાં પેટ માટે થઈને તેમણે જગ્યા-જ્ગ્યા પર ભટકીને ભીખ માંગવી પડે છે. અહીં મુંબઈની લોકલ ટ્રેનમાં તો કિન્નરો સાથે એવો વર્તાવ કરવામાં આવે છે જાણે તેમનું કોઈ અસ્તિત્વ જ ન હોય! આ જ સ્થિતિ ભારતનાં લગભગ દરેક શહેરોમાં છે.

આઈપીસી ધારા 377ને બ્રિટિશરોએ ઈ.સ.1860માં ભારતનાં બંધારણમાં સામેલ કરી હતી. જેણે હોમોસેક્સ્યુઅલ અને ટ્રાન્સજેન્ડર કમ્યુનિટીને ગુનેગાર ઠેરવી તેમનો સમાવેશ કુદરત વિરૂધ્ધનું કૃત્ય આચરતાં જીવોમાં કરી દેવાયો! 1947માં ભારત આઝાદ થઈ ગયો અને બ્રિટિશરો પાછા પણ ચાલ્યા ગયા છતાં આ કાયદો નાબૂદ થવામાં 70 વર્ષ વીતી ગયા! અંતે, સુપ્રીમકોર્ટે એલ.જી.બી.ટી.ક્યુ.કમ્યુનિટીને માણસ તરીકે સ્વીકાર્યા. તેમને સ્ત્રી અને પુરુષ સિવાયની થર્ડ જેન્ડર તરીકે ભારતનાં બંધારણમાં સ્થાન અપાયું. ભારતનાં દરેક ટ્રાન્સજેન્ડરને બાકીનાં નાગરિકો સમાન હકો આપવામાં આવ્યા.

દાયકાઓથી ચાલી આવતી રૂઢિચુસ્ત માન્યતાઓને કારણે આપણા સમાજે તેમને નાતબહાર કરી મૂક્યા. પેટ ભરવા માટે તેમની પાસે શરીર વેચવા સિવાય બીજો કોઈ વિકલ્પ જ બાકી રાખવામાં ન આવ્યો! તેમની સારી નોકરીમાં, કોઈ હોટેલ કે કંપનીમાં ઉચ્ચ હોદ્દા પર જોવા તે આપણા માટે ક્યારેય સ્વીકાર્ય જ ન રહ્યું! જેનું પરિણામ આજે સૌની સામે છે. પરંતુ અહીં એક એવા કિસ્સા વિશે વાત કરવી છે જેણે સમાજની આ સ્ટિરિયોટાઈપ મેન્ટાલિટી સામે ભરપૂર લડત આપીને સ્વમાનભેર જીવવાની શરૂઆત કરી. તમિલનાડુની છવ્વીસ વર્ષીય પૃથિકા યાશિની, ટ્રાન્સજેન્ડર કમ્યુનિટીમાંથી આવનારી સૌપ્રથમ મહિલા સબ-ઈન્સ્પેક્ટર બની.

પ્રદીપ નામ ધરાવતાં છોકરાનાં દેહમાંથી સેક્સ-ચેન્જ ઓપરેશન થકી પૃથિકા બનનાર આ વ્યક્તિએ સબ-ઈન્સ્પેક્ટર બનવા માટે ત્રણ લાંબા-લચક કોર્ટ કેસનો સામનો કરવો પડ્યો. પરીક્ષાનું ફોર્મ ભરતી વખતે તેમાં સ્ત્રી અથવા પુરુષ સિવાયનો ત્રીજો કોઈ વિકલ્પ ન હોવાને લીધે પૃથિકા મદ્રાસ હાઈ-કોર્ટમાં પહોંચી અને લાંબી લડત બાદ તેણે 2017ની સાલમાં સબ-ઈન્સ્પેક્ટરનો હોદ્દો સંભાળ્યો. પૃથિકાને કારણે તેનાં જેવી બીજી એકવીસ ટ્રાન્સ-મહિલાઓને ચેન્નઈ સિટી પોલીસમાં ભરતી કરવામાં આવી. ફેસબુક પર પૃથિકા યાશિનીનાં જીવન પરથી પ્રેરિત એક શોર્ટ-ફિલ્મ પણ ખૂબ વાઈરલ થઈ રહી છે. પૃથિકાની જેમ રાજસ્થાનની ગંગા કુમારી પણ સ્થાનિક પોલીસમાં કોન્સ્ટેબલ તરીકે ભરતી થવા માટે રાજસ્થાન હાઈ-કોર્ટમાં પોતાનો કેસ લડી રહી છે.

પરંતુ હવે સવાલ એ છે કે સરકારી નોકરી મળી ગયા પછી ગામ કે શહેરનો દરેક વ્યક્તિ પૃથિકા જેવી ટ્રાન્સવુમનને સ્વીકારશે કે કેમ? 2018નાં મે મહિનામાં કેરેલા સરકાર દ્વારા કોચી મેટ્રો રેલ લિમિટેડની અલગ-અલગ જોબ પોઝિશન માટે કુલ 23 ટ્રાન્સજેન્ડરને નોકરી આપવામાં આવી. પ્રથમ અઠવાડિયું સમાપ્ત થતાં સુધીમાં ત્રેવીસમાંથી આઠ જેટલી ટ્રાન્સમહિલાઓએ નોકરી છોડી દીધી. નવથી પંદર હજાર રૂપિયે મહિનાનાં પગારવાળી આ નોકરીમાં તેમનો ખાવા-પીવા-રહેવાનો ખર્ચ જ વીસ હજાર જેટલો થઈ જતો હતો. મકાનમાલિક તેમની પાસેથી ભાડા પેટે દિવસના 400 થી 600 રૂપિયાની માંગણી કરતો. પહેલા દિવસનાં અંતે ત્રેવીસમાંથી એક ટ્રાન્સવુમન સાથે ત્યાંના જ એક ગ્રાહક દ્વારા સેક્સની બીભત્સ માંગણી કરવામાં આવી! અંતે તેઓની પાસે કોઈ વિકલ્પ ન બચતાં જૂથમાંની કેટલીક મહિલાઓએ ફરી ભીખ માંગવાનો અને શરીર વેચવાનો ધંધો ચાલુ કરી દીધો!

મુખ્ય વાત તો એ કે અન્ય દેશોની સરખામણીમાં ભારતનાં લોકો પોતાની સેક્સ્યુઆલિટી જાહેર કરવામાં વધુ ખચકાય છે. પૃથિકા ફક્ત તેર વર્ષની હતી જ્યારે તેને પોતાની અંદર વસેલાં સ્ત્રીત્વની ઓળખ થઈ. જેને માતા-પિતા સમક્ષ જાહેર કર્યા બાદ દોરા-ધાગા, મંત્ર-તંત્ર અને દવાઓ થકી સામાન્ય પુરુષ બનાવવાની પ્રક્રિયામાંથી પસાર થવું પડ્યું! મોટા ભાગનાં કિસ્સા કંઈક આ પ્રમાણેનાં જ છે.

માતા-પિતાને હોમોસેક્સ્યુઆલિટી એક પ્રકારનો રોગ મહેસુસ થાય છે. કેટલાક તો વળી તેને વળગાડનું નામ આપી દે છે. ભૂવા-તાંત્રિકો દ્વારા વિચિત્ર પ્રકારની વિધિ કરાવીને આ સમસ્યાનું નિવારણ લાવવાનો પ્રયાસ થાય છે પરંતુ છેવટે તો બધું નિષ્ફળ! અંતે, સમાજમાં અપમાનિત થવાનાં ડરને લીધે માં-બાપ પોતાના સંતાનને ઘરમાંથી હાંકી કાઢે છે. રીક્ષા ડ્રાઈવર કલાઈ એરસન અને તેની પત્ની સુમતિનાં એકનાં એક સંતાન પ્રદીપ (હાલ પૃથિકા) સાથે પણ આ જ થયું. ઘર છોડ્યા બાદ તેણે હોસ્ટેલ-વોર્ડન, એનજીઓ અને હોસ્પિટલમાં નર્સનું કામ કર્યુ. પરંતુ હવે પૃથિકાનાં સુખનાં દિવસો આવ્યા છે. સબ-ઈન્સ્પેક્ટર બન્યા બાદ તે પોતાનાં ફાજલ સમયમાં આઈપીએસ ઓફિસર બનવા માટે અપાતી પરીક્ષાની તૈયારી કરી રહી છે. તેનાં માતા-પિતાએ પણ હવે તેનો સહર્ષ સ્વીકાર કરી લીધો છે. અંત ભલા તો સબ ભલા !

યુનાઈટેડ નેશન્સમાં ભારતનું પ્રતિનિધિત્વ કરી ચૂકેલી લક્ષ્મીનારાયણએ પોતાનાં પર એક પુસ્તક લખ્યું છે-મી લક્ષ્મી, મી હિજરા! મરાઠી ભાષામાં લખાયેલા આ પુસ્તકનો બીજી ઘણી ભાષામાં અનુવાદ થયો છે. લક્ષ્મી દેશનાં સૌથી લોકપ્રિય ટીવી બિગ-બોસનો હિસ્સો પણ રહી ચૂકી છે. તે ખુલ્લેઆમ પોતાની જાતને હિજડા તરીકે સ્વીકારે છે સ્વમાનભેર!

કાજલ-ઓઝા-વૈદ્યની કલમે લખાયેલ પૂર્ણ-અપૂર્ણ, મહિનાઓ સુધી ચિત્રલેખા મેગેઝિનનાં વાંચકોને જકડી રાખે તેવી રસપ્રદ રીતે લખાઈ હતી. કેસર નામની યુવાન નાયિકા પોતાની અંદર છુપાયેલાં પુરુષત્વને અવાજ આપવાનું નક્કી કરી સેક્સ-ચેન્જનું ઓપરેશન કરાવે છે. પાને-પાને જકડી રાખતી આ નવલકથા દરેક વાંચકે એકવાર વાંચવા જેવી છે.

ભારતની સૌથી મોટી કંપનીઓમાંની એક ગોદરેજ લિમિટેડ પણ પોતાનાં કર્મચારી પ્રત્યે કોઈ ભેદભાવ નથી રાખતી. કંપનીનાં ટ્રાન્સ ટીમ-મેમ્બર્સને માટે તેમણે પોતાનાં પોલિસી ડોક્યુમેન્ટમાં મેલ-ફિમેલ સિવાયનાં વિકલ્પોનો સમાવેશ કર્યો છે. યશરાજ ફિલ્મ્સે વર્ષ 2016માં ભારતનું સૌપ્રથમ ટ્રાન્સજેન્ડર બેન્ડ બનાવ્યું, જેમાં છ ટ્રાન્સમહિલાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. સિક્સ-પેક બેન્ડ નામની આ મ્યુઝિકલ ટીમને યુટ્યુબની વાય-ફિલ્મ્સ ચેનલ પર દેશ-દુનિયામાંથી લોકોનો સપોર્ટ મળી રહ્યો છે. માનસિકતામાં પરિવર્તન આવી રહ્યું છે પરંતુ હજુ ભારતનાં મોટા ભાગનાં શહેરોમાં કિન્નરોને ધૃણાની નજરે જોવામાં આવે છે.

ફક્ત આઇપીસી ધારા 377માં બદલાવ લાવવાથી સમાજની માનસિકતામાં ધરમૂળ પરિવર્તન નહીં જ આવે! ટ્રાન્સજેન્ડર વ્યક્તિને કોઈ પ્રકારની શારીરિક છેડખાનીનો ભોગ ન બનવું પડે તે માટે સરકારે કંપનીઓમાં મેલ-ફિમેલ સિવાયનાં ત્રીજા પ્રકારનાં સ્વતંત્ર વોશરૂમ બનાવવા આવશ્યક છે. આ ઉપરાંત, દરેક જગ્યાએ આ તેમને હેરાનગતિનો સામનો ન કરવો પડે તે માટે ભારતભરમાં એકસમાન કાયદો અસ્તિત્વમાં લાવવો જોઈએ જેથી ટ્રાન્સજેન્ડર કમ્યુનિટીને પણ કોર્પોરેટ ફિલ્ડમાં પોતાનું કૌવત દેખાડવાની યોગ્ય તક મળી શકે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.