Abtak Media Google News

શિક્ષકોને પ્રત્યેક ભૂલ દીઠ 100 રૂપિયાનો દંડ: ધોરણ 10ની 60 લાખ ઉત્તરવહીઓની 20 હજાર જેટલા શિક્ષકોએ ચકાસણી કરી હતી

ગુજરાતમાં ગત માર્ચ મહિનામાં યોજાયેલી બોર્ડની પરીક્ષામાં પેપર ચકાસણીમાં ભૂલ કરનાર શિક્ષકોને દંડ ફટકારવામાં આવ્યો છે. ધો.10-12ની બોર્ડની પરીક્ષામાં પેપર ચકાસણીમાં ભૂલ કરનારા 3800 શિક્ષકોને રૂ. 24 લાખનો દંડ કરાયો છે. ગુજરાત શિક્ષણ બોર્ડ સત્તાવાળાઓએ આ શિક્ષકોને ઉત્તરવહીમાં કરેલી ભૂલ બદલ નોટિસ ફટકારી છે. માર્ચ 2023ની ધોરણ 10 અને ધોરણ 12ની બોર્ડની પરીક્ષા પૂર્ણ થયા પછી  રાજ્યના વિવિધ જિલ્લાઓના વિદ્યાર્થીઓની ઉત્તરવહી ચકાસણી હાથ ધરવામાં આવી હતી. જેમાં ધોરણ 10ની 60 લાખ ઉત્તરવહીઓની 20 હજાર જેટલા શિક્ષકોએ ચકાસણી કરી હતી.

Advertisement

જ્યારે ધોરણ 12 સામાન્ય પ્રવાહની 30 લાખ ઉત્તરવહીની 15 હજાર જેટલા શિક્ષકોએ ચકાસણી કરી હતી. આ ઉપરાંત ધોરણ 12 સાયન્સની વાત કરીએ તો 5 હજાર જેટલા શિક્ષકોએ 5 લાખ ઉત્તરવહીની ચકાસણી કરી હતી. ત્યારે શિક્ષણ બોર્ડ દ્વારા ઉત્તરવહી ચકાસણીમાં ભૂલ બદલ શિક્ષકોને પેનલ્ટી કે દંડ ફટાકારાયો છે. શિક્ષકોને પ્રત્યેક ભૂલ દીઠ 100 રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો છે.  પરીક્ષાની ઉત્તરવહીમાં ભૂલ કરનારા 3855 શિક્ષકોને 24 લાખથી વધુનો દંડ ફટકારાયો છે. જોકે, આ દંડ ગત વર્ષ કરતા ઓછો છે. ઉલ્લેખનીય છે કે માર્ચ 2022ની બોર્ડની પરીક્ષાની ઉત્તરવહી ચકાસણી કરનારા 3900 શિક્ષકોને 33 લાખનો દંડ કરાયો હતો.

શિક્ષકોએ સરવાળામાં ભૂલ કરી હતી

ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષાની ઉત્તરવહીની ચકાસણીમાં કેટલાક શિક્ષકોએ આંકડાકીય વિગતો લખવામાં ભૂલ કરી હતી, એટલે કે ધો. 10 અને 12 બોર્ડની પરીક્ષાની ઉત્તરવહીના માર્ક્સના સરવાળામાં ભૂલ કરી હતી. જે બાદ ફરીથી ઉત્તરવહીને ચેક ચેક કરી ભૂલો સુધારીને વિદ્યાર્થીઓને માર્ક્સ અપાયા હતા.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.