•  બાકી મોટર વ્હિકલ ટેક્સ લોનની રકમ એપ્રિલ2021 અને પેસેન્જર ટેક્સની રકમ 2017થી ચૂકવવાની બાકી

એસટી નિગમે રાજ્ય સરકારને ડિસેમ્બર2023ની સ્થિતિએ 4123.57 કરોડ રૂપિયાની રકમ ચૂકવવાની બાકી હોવાની માહિતી વિધાનસભામાં અપાઇ છે. છેલ્લા 18 વર્ષથી એસટી નિગમ પાસે બાકી લોનની રકમ લેવાની નીકળે છે. તે ઉપરાંત બાકી મોટર વ્હિકલ ટેક્સ લોનની રકમ એપ્રિલ2021 અને પેસેન્જર ટેક્સની રકમ 2017થી ચૂકવવાની બાકી છે.

વિધાનસભામાં કોંગ્રેસના ધારાસભ્ય ગુલાબસિંહ ચૌહાણ દ્વારા રાજ્ય સરકારને એસટી નિગમ પાસેથી 3770 કરોડ રૂપિયાની રકમ લેવાની નીકળતી હતી તેમાંથી કેટલી રકમ ચૂકવાઇ તેવો સવાલ પૂછાયો હતો. તેનો લેખિતમાં જવાબ આપતા વાહન વ્યવહાર વિભાગે જણાવ્યું હતું કે, 2021ની સ્થિતિએ એસટી નિગમ પાસેથી 3770 કરોડ લેવાના નીકળતા હતા.

2023ની સ્થિતિએ 137.43 કરોડની રકમ મેળવાઇ છે. તેમાં બાકી પેસેન્જર ટેક્સની રકમ 97.87 કરોડ અને બાકી મોટર વ્હિકલ ટેક્સની રકમ 39.56 કરોડનો સમાવેશ થાય છે. હાલની સ્થિતિએ એસટી નિગમ પાસેથી કુલ 4123.57 કરોડ રૂપિયા સરકારે લેવાના થાય છે. રાજ્ય સરકાર દ્વારા જાહેર કરાયેલી આઇટી પોલિસી હેઠળ આઇટી સેકટરના સાત ઉદ્યોગોને લાંબા સમયથી 1 કરોડ રૂપિયાની સબસિડી આપવાની બાકી છે. વિધાનસભામાં કોંગ્રેસના અર્જુન મોઢવાડિયા દ્વારા વિજ્ઞાન અને પ્રૌદ્યોગિકી વિભાગને પૂછાયેલા સવાલના જવાબમાં માહિતી અપાઇ હતી. તે સાથે જણાવાયું હતું કે, ઉદ્યોગો પાસેથી જરૂરી આધાર પુરાવા માગ્યા છે તેની ચકાસણી પછી મંજૂરી મળતા સહાય ચૂકવાશે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.