Abtak Media Google News

એક જ દિવસમાં ભાદરમાં નવું ૧૨ ફુટ, આજીમાં ૪ ફુટ અને ન્યારીમાં ૧.૫ ફુટ પાણી આવ્યું: રાજકોટને એક વર્ષ સુધી ચાલે તેટલું પાણી ભાદરમાં સંગ્રહિત: તમામ જળાશયોમાં ધીમીધારે પાણીની આવક ચાલુ

રાજકોટ સહિત સમગ્ર સૌરાષ્ટ્રમાં શુક્રવાર સાંજથી આજે બપોર સુધી પડેલા અનરાધાર વરસાદના કારણે જળાશયોમાં ધોધમાર પાણીની આવક થવા પામી છે. રાજકોટની જળજ‚રીયાત સંતોષતો આજી ડેમ ઓવરફલો થવામાં હવે માત્ર ૪ ફુટ જ બાકી રહ્યો છે તો સૌરાષ્ટ્રના દરીયાસમા ભાદરની સપાટી ૨૦ ફુટે અને ડેમની સપાટી ૧૬ ફુટે આંબી જવા પામી છે.

Advertisement

આ અંગે વધુ માહિતી આપતા મેયર ડો.જૈમનભાઈ ઉપાધ્યાય અને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન પુષ્કરભાઈ પટેલે જણાવ્યું હતું કે, ભારે વરસાદના કારણે એક જ દિવસમાં ભાદર ડેમમાં નવું ૧૨ ફુટ, આજી ડેમમાં ૪ ફુટ અને ન્યારી ડેમમાં ૨ ફુટ પાણી આવ્યું છે. ૩૪ ફુટે ઓવરફલો થતા ભાદર ડેમની સપાટી આજે બપોરે ૧૨:૦૦ કલાકે ૨૦.૨૦ ફુટે આંબી જવા પામી છે. ૬૬૪૦ એમસીએફટીની સંગ્રહક્ષમતા સાથે હાલ ૧૯૫૮ એમસીએફટી પાણી સંગ્રહિત છે. રાજકોટને એક વર્ષ સુધી ચાલે તેટલું પાણી ભાદર ડેમમાં ઠલવાઈ ગયું છે. ૨૯ ફુટની સપાટીએ ઓવરફલો થતા આજીમાં નવું ૪ફુટ પાણી આવતા ડેમની સપાટી ૨૫ ફુટે પહોંચી જવા પામી છે. આજી હવે ઓવરફલોમાં થવામાં ૪ ફુટ છેટું રહ્યું છે. ૯૩૨ એમસીએફટીની જળસંગ્રહ શકિત સામે આજીમાં હાલ ૬૭૮ એમસીએફટી પાણી સંગ્રહિત છે.

તેઓએ વધુમાં ઉમેર્યું હતું કે, મહાપાલિકાની માલિકીના એકમાત્ર ડેમ એવા પણ છેલ્લા ૨૪ કલાક દરમિયાન નવું ૨ ફુટ પાણી આવ્યું છે. ૨૧.૮૦ ફુટની ઉંડાઈ ધરાવતા ન્યારી ડેમની જીવંત જળસપાટી હાલ ૧૬ ફુટે પહોંચી જવા પામી છે અને ડેમમાં ૫૩૪ એમસીએફટી પાણી સંગ્રહિત થયું છે.

સવારે ૧૦ કલાક પછી રાજકોટ સહિત સમગ્ર સૌરાષ્ટ્રમાં મેઘરાજાએ વિરામ લીધો છે. ડેમમાં પાણીની આવક ઘટી જવા પામી છે. આ લખાય રહ્યું છે ત્યારે આ તમામ જળાશયોમાં ધીમીધારે પાણીની આવક ચાલુ છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.