Abtak Media Google News

સ્વાયત સંસ્થા યાર્ડમાં સફાઇની પોતીકી વ્યવસ્થા છતાં ડોર ટુ ડોર ગાર્બેજ કલેક્શન ચાર્જ પણ બમણો કરી દેવાયો: વેપારીઓ ટૂંક સમયમાં કરશે કોર્પોરેશનમાં રજૂઆત

કોર્પોરેશન દ્વારા વેરામાં તોતીંગ વધારો કરવામાં આવ્યો છે. શહેરમાં મોટાભાગના મિલકતધારકના વેરા બિલ આ વખતે વધીને આવતા દેકારો બોલી ગયો છે. દરમિયાન જૂના માર્કેટીંગ યાર્ડમાં 400થી વધુ દુકાનદારોને તોતીંગ વેરા બિલ ફટકારવામાં આવતા વેપારીઓમાં રોષ ફાટી નીકળ્યો છે. સ્વાયત સંસ્થા એવા યાર્ડમાં સફાઇની પોતીકી વ્યવસ્થા હોવા છતાં ડોર ટુ ડોર ગાર્બેજ કલેક્શન ચાર્જ પણ વસૂલવામાં આવી રહ્યો છે. ટૂંક સમયમાં વેપારીઓ દ્વારા કોર્પોરેશનના પદાધિકારીઓ સમક્ષ આ અંગે રજૂઆત કરવામાં આવશે.

જૂના માર્કેટીંગ યાર્ડમાં દુકાન ધરાવતા 400 જેટલા વેપારીઓના ચાલુ સાલના વેરા બિલમાં રૂ.2000 થી લઇ 2700 સુધીનો તોતીંગ વધારો થઇ છે. સામાન્ય રીતે યાર્ડમાં સફાઇની પોતીકી વ્યવસ્થા હોય છે. છતાં વેપારીઓ ડોર ટુ ડોર ગાર્બેજ કલેક્શનની ચાર્જ ભરપાઇ કરી રહ્યા છે. આ વખતે કોમર્શિયલ મિલકતો માટેનો ડોર ટુ ડોર ગાર્બેજ કલેક્શન બમતો કરી દેવામાં આવ્યો છે. મિલકત વેરામાં પણ વધારો કરવામાં આવ્યો હોવાના કારણે વેપારીઓને તોતીંગ વેરા બિલ મળ્યા છે. આ અંગે ટૂંક સમયમાં યાર્ડના વેપારીઓનું એક પ્રતિનિધિ મંડળ કોર્પોરેશન કચેરીએ રજૂઆત કરવા માટે આવશે.

ટેક્સ બ્રાન્ચ દ્વારા આજે હાથ ધરવામાં આવેલી ટેક્સ રિક્વરીની કામગીરી દરમિયાન શહેરના 150 ફૂટ રીંગ રોડ, જામનગર રોડ, રૈયા રોડ, કુવાડવા રોડ, મોરબી રોડ, સદગુરૂ નગર, ચંપકનગર, સંતકબીર રોડ, રાજેન્દ્ર પ્રસાદ રોડ, ઢેબર રોડ, નાનામવા રોડ, માયાણી ચોક, ઉમાકાંત નગર, લક્ષ્મીવાડી, સત્યમ પાર્ક, 80 ફૂટ રોડ, કોઠારીયા મેઇન રોડ સહિતના વિસ્તારોમાં બાકીદારોની 33 મિલકતો સીલ કરવામાં આવી હતી. જ્યારે 10 મિલકતોને ટાંચ જપ્તીની નોટિસ આપવામાં આવતા રૂ.1.86 કરોડની વસૂલાત થવા પામી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.