Abtak Media Google News

કાળુનાણું અને ટેકસમાંથી છટકબરીના કારણે ઈન્કમટેક્ષ વિભાગ લક્ષ્યાંકથી ૩૩% દૂર

નોટબંધીનાં એક વર્ષ અને ગુડસ એન્ડ સર્વિસ ટેકસ જીએસટી લાગુ થયા પછી ગુજરાતમાં કરદાતાઓની સંખ્યામાં અધધ ૪૩%નો વધારો થયો છે. કરદાતાઓની સંખ્યામાં તો વધારો થયો પરંતુ આવકવેરાની રકમમાં નોંધપાત્ર વધારો થયો નથી.

વર્ષ ૨૦૧૭નાં નાણાકીય વર્ષનાં ત્રીજા કવાટરનાં અંતસુધીમાં ૪૬,૮૩૮ કરોડ રૂપિયાનો આવકવેરો એકત્રીત કરવા ઈન્કમટેક્ષ વિભાગે લક્ષ્યાંક સાધ્યો હતો. પરંતુ આ ટાર્ગેટના માત્ર ૬૭.૫ ટકા જ આવકવેરાની રકમ એકત્રીત થઈ છે. એટલે કે કરદાતાઓની સંખ્યામાં ભલે વધારો થયો હોય પરંતુ આવકવેરા વિભાગ તેના લક્ષ્યાંકથી હજુ ૩૩ ટકા દૂર છે. આ ઘટ્ટનું મોટુ કારણ આવકવેરામાંથી છટકબારી ગણી શકાય.

૪૬,૮૩૮ કરોડ રૂપિયાની સાથે માત્ર ૩૧,૬૧૮ કરોડ રૂપિયા જ આવકવેરા વિભાગ એકત્રીત કરી શકયું છે. જણાવી દઈએ કે, ગયા વર્ષે પણ આવકવેરા વિભાગે ટોટલ ટાર્ગેટના ૬૭.૯૭ ટકા જ રકમ એકત્રીત કરી હતી જેમાં વર્ષ ૨૦૧૬માં ત્રીજા કવાટરનાં અંત સુધીમાં આવકવેરા અંતર્ગત ૩૯,૯૦૧ કરોડ રૂપીયા એકઠા કરવા આઈટીએ લક્ષ્યાંક સેવ્યો હતો. જેમાંથી માત્ર ૨૭,૧૨૪ કરોડ રૂપીયા જ એકઠા થયા હતા મતલબ કે ગયા વર્ષની જેમ આ વર્ષે પણ આવકવેરા વિભાગ લક્ષ્યાંકથી દૂર રહ્યું છે.

આવકવેરા વિભાગના અધિકારીએ આ વિશે માહિતી આપતા જણાવ્યું છે કે નવેમ્બર વર્ષ ૨૦૧૭ સુધીમાં ગુજરાતમાં કરદાતાઓની સંખ્યામાં ૪૩% એટલે કે ૧૩.૬ લાખ લોકો નવા ઉમેરાયા છે જે વર્ષ ૨૦૧૬ના નવેમ્બરમાસમાં ૩૧.૭૨ લાખ કરદાતાઓ હતા.

આવકવેરા વિભાગે જણાવ્યું કે વર્ષ ૨૦૧૭ નવેમ્બર માસ સુધીમાં આઈટીએ ૩૮ રેગ્યુલર સર્વે કર્યા છે. અને આ સર્વે દરમિયાન ૨૯.૨૪ કરોડ રૂપિયાની ચોપડે ન નોંધાયેલી આવક ઝડપી પાડી છે. આ ઉપરાંત, અન્ય ૩૯ રીકવરી સર્વેમાં આવકવેરા વિભાગે ૪.૮ કરોડ રૂપિયા જપ્ત કર્યા છે. તેમજ ટેકસ ડીડકશન એટ સોર્સ ટીડીએસમાં ડીફોલ્ટરોને શોધવા આઈટીએ ૬૨ સર્વે કર્યા છે. જેમાંથી ૨૯.૫૫ કરોડ રૂપીયા રીક્વર થયા નથી તેમ આઈટી વિભાગે જણાવ્યું છે.

આ ઉપરાંત ગુજરાત રાજયમાં ૧૯.૦૭ કરોડ રૂપીયાની કિમંતની બેનામી સંપતીઓ નોંધાઈ છે. ઉલ્લેખનીય છે કે, આ તમામ બેનામી સંપતિઓને હડપવા આવકવેરા વિભાગે કવાયત તેજ કરી છે. રાજયમાં કરદાતાઓની સંખ્યામાં વધારો થયો છે તો તેની સામે આવકવેરાની રકમમાં પણ વધારો થયો જોઈએ પરંતુ કાળૂ નાણું અને ટેકસમાંથી છટકબારીના પરિબળોને કારણે આવકવેરામાં વધારો થયો નથી અને આ ટેકસમાંથી છટકબારીના પરીબળો જ આવકવેરા વિભાગને લક્ષ્યાંકને પૂરો કરવામાં અવરોધ રૂપ છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.