Abtak Media Google News

મનોવિજ્ઞાન ભવનના અધ્યાપક ડો.ધારા. દોશી અને અધ્યક્ષ ડો.યોગેશ જોગસણ દ્વારા 450 ઇન્ડસ્ટ્રીઝમાં વાયુ અને ઘોંઘાટ પ્રદૂષણ વચ્ચે કામ કરતા અને 360 સ્વસ્થ વાતાવરણમાં રહેતા લોકો પર અભ્યાસ કર્યો

વાયુ અને ઘોંઘાટ પ્રદૂષણને કારણે ચિંતા, હતાશા, તણાવ , ઊંઘની સમસ્યા, ચામડીની સમસ્યાઓ, માનસિક સ્વાસ્થ્ય, હૃદયને લગતી બીમારીઓ અને આક્રમકતા તેમજ બેચેનીમાં વધારો થઈ શકે છે.વધતું પ્રદૂષણ એક મોટી સમસ્યા બની ગયું છે. પરંતુ પ્રદૂષણ માત્ર જીવલેણ નથી, પરંતુ તે  માનસિક સ્વાસ્થ્યને પણ અસર કરે છે. એ અંગે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના મહર્ષિ અરવિંદ મનોવિજ્ઞાન ભવનના અધ્યાપક ડો. ધારા આર.દોશી અને અધ્યક્ષ ડો. યોગેશ એ.જોગસણ દ્વારા 450 ઇન્ડસ્ટ્રીઝ માં વાયુ અને ઘોંઘાટ પ્રદૂષણ વચ્ચે કામ કરતા અને 360 સ્વસ્થ વાતાવરણ માં રહેતા લોકો પર અભ્યાસ  કરવામાં આવ્યો. સંશોધન ના તારણો આપણને સાવચેત કરે એવા આવ્યા છે.

જ્યારે કેટલાક અનિચ્છનીય તત્વો આપણા વાતાવરણમાં પ્રવેશ કરે છે, જેના કારણે પર્યાવરણમાં ઘણા ફેરફારો થાય છે.  જે આપણા માટે હાનિકારક છે.  આવી સ્થિતિને પ્રદૂષણ કહેવામાં આવે છે.  પ્રદૂષણ માત્ર માણસોને જ નહીં પરંતુ પ્રાણીઓને પણ અસર કરે છે. પ્રદુષણ માત્ર ફેફસાં, હૃદય અને ત્વચાને જ નુકસાન પહોંચાડતું નથી, પરંતુ તે આપના માનસિક સ્વાસ્થ્યને પણ અસર કરે છે.  જેના કારણે અનેક પ્રકારની સમસ્યાઓ થવા લાગે છે.

-:: સંશોધનોમાં આવેલા તારણો ::-

  1. સ્વસ્થ વાતાવરણ માં કામ કરતા લોકોની તુલનાએ વાયુ અને ઘોંઘાટ પ્રદૂષણ વચ્ચે કામ કરતા લોકોમાં 63% આક્રમકતા વધુ જોવા મળી.
  2. સ્વસ્થ વાતાવરણની તુલનાએ ઘોંઘાટ કે વાયુ પ્રદૂષણ વાળું વાતાવરણ 54% હતાશામાં વધારો કરે છે.
  3. ઘોંઘાટ કે વાયુ પ્રદૂષણ ને કારણે 10% લોકો માં ઊંઘ ઓછી આવવાની ફરિયાદ હોય છે.
  4. ઘોંઘાટ કે વાયુ પ્રદૂષણ વાળું વાતાવરણ 45% જેટલી સ્મૃતિ શકિતને ઘટાડી શકે છે.
  5. ઘોંઘાટ કે વાયુ પ્રદૂષણને કારણે હાઈ બલ્ડ પ્રેશર થવાની શક્યતાઓ વધી જાય છે.
  6. ઘોંઘાટ કે પ્રદૂષિત વાતવરણ સહનશકિત ઘટાડે છે.
  7. ઘોંઘાટને અને પ્રદૂષિત વાતાવરણે કારણે 45% થી વધુ માનસિક સ્વાસ્થ્ય જોખમાય એવી શક્યતાઓ રહેલી છે.
  8. પ્રદૂષિત વાતાવરણ અને ઘોંઘાટની અસર રદયને નુકશાન કરી શકે છે.
  9. પ્રદૂષિત વાતાવરણ અને ઘોંઘાટની અસર ને લીધે વ્યક્તિમાં 36% જેટલી બેચેની વધે છે.
  10. પ્રદૂષિત વાતાવરણ ને કારણે ચામડીના રોગ થવાની શક્યતા 27% જેટલી વધી જવાની શક્યતા છે.
  11. પ્રદૂષિત વાતાવરણ અને ઘોંઘાટની અસર અંગત જીવન પર થવાની શક્યતા 36% વધારે છે.
  12. પ્રદૂષિત વાતાવરણ શ્વાસને લગતા રોગ વધારી શકે છે.
  13. પ્રદૂષિત વાતવરણ ને કારણે આવેગિક સમસ્યાઓ 21% વધી શકે છે.

-:: તણાવનું એક કારણ પ્રદૂષણ ::-

તનાવ થવાના ઘણા કારણો છે જેને અલગ અલગ કેટેગરીમાં વિભાજીત કરવામાં આવ્યા છે. જેમાં એક છે ડેઇલી હેસલ્સ એટલે કે રોજબરોજના તણાવના ઘટક. જેમાં એક ઘટક તરીકે પ્રદૂષણનો પણ સમાવેશ થાય છે. હવા, ઘોંઘાટના પ્રદૂષણની સીધી અસર આપણા મગજ પર થાય છે.શારીરિક સ્વાસ્થ્યને અસર કરતી કોઈપણ વસ્તુ માનસિક સ્વાસ્થ્યને પણ અસર કરે છે.  પર્યાવરણમાં વધતા પ્રદૂષણ સાથે, ઘણા અભ્યાસ હાથ ધરવામાં આવ્યા છે જે માનસિક સ્વાસ્થ્ય પર પ્રદૂષણની સીધી અને પરોક્ષ અસરો દર્શાવે છે.વાયુ પ્રદૂષણથી આપણા શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય બંનેને અસર થાય છે.  જો કે, પ્રદૂષણની અસર સ્ત્રીઓ કરતાં પુરુષો પર અને મોટાભાગે વૃદ્ધો પર જોવા મળે છે. કારણકે પુરુષોને ઘરની બહાર રોજગાર અર્થે જવાનું હોય તે પ્રદુષણના સીધા સંપર્કમાં આવે છે.શ્વસન સંબંધી સમસ્યાઓ, ઊંઘમાં ખલેલ, પ્રકાશના અભાવને કારણે હવામાં ધુમ્મસ ફેલાય છે.  જે મગજમાં ન્યુરોટ્રાન્સમીટર સ્ત્રાવને અસર કરે છે.  તે નર્વસ સિસ્ટમ પર પણ અસર કરે છે.  આ સાથે તે ચિંતા, ડિપ્રેશન, વ્યક્તિત્વ વિકૃતિ અને ઓછી સહનશીલતા જેવા વિકારોને વધારે છે.

વધુ ઘોંઘાટ આક્રમકતા પણ જન્માવે

ઘણી વખત આપણે વાહન લઈને બહાર નિકળા હોઈએ ત્યારે જોઈએ છીએ કે સિગ્નલ પર ટ્રાફિક જામ હોય તો પણ હોર્નના સતત અવાજ બેચેની કે આક્રમકતા ઉતપન્ન કરે છે. સહન ન થતા અવાજોનો ઘોઘાટ વ્યક્તિને માનસિક રીતે અસ્વસ્થ કરે છે.માનવ શરીર અવાજને પ્રતિસાદ આપવા માટે રચાયેલ છે, અને જ્યારે મોટા અને સતત અવાજના સંપર્કમાં આવે છે, ત્યારે તે કોર્ટિસોલ અને એડ્રેનાલિન જેવા તાણ હોર્મોન્સના સ્તરને ઉત્તેજિત કરે છે.  આ હોર્મોન્સ હાઈ બ્લડ પ્રેશર, હૃદય રોગ અને માનસિક સ્વાસ્થ્ય વિકૃતિઓ સહિત ઘણી શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય સમસ્યાઓનું કારણ બની શકે છે.

પ્રદૂષણથી બચવા માટે જાગૃત થવું જરૂરી

  • જાહેર માર્ગ પર માસ્કનો ઉપયોગ કરો.
  • ચશ્મા પહેરવાની ટેવ વિકસિત કરો
  • ઘરની નિયમિત સફાઈ કરો
  • તમારા ઘરની અંદર અને આસપાસની જગ્યા સાફ રાખો.
  • નાહકના વાહનના હોર્ન વગાડવાનું બંધ કરો.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.