Abtak Media Google News

સીબીઆઈ, ઈડી, ડીઆરઆઈ સાથે મળીને ડિફોલ્ટરો ઉપર ધોંસ બોલાવશે સરકાર

દેશને ધુંબો મારીને ભાગી ગયેલા ડિફોલ્ટરોને પરત લાવવા સરકાર મથામણ કરી રહી છે. જો કે વર્તમાન સરકારનું કહેવું છે કે, કોંગ્રેસના રાજમાં આ તમામને લોન આપવામાં આવી હતી ત્યારે મોદી સરકાર તો તેમને પરત લાવવા માંગે છે જેથી દેશના પૈસા પાછા મેળવી શકાય.

લોકસભાની ચૂંટણી નજીક છે ત્યારે સરકારે ૫૮ ભાગેડુઓને ભારત પરત લાવવા માટેની તૈયારી બતાવતા સરકારને રાજનૈતિક તેમજ આર્થિક ફાયદો થશે, ડિફોલ્ટરો સામે કડક કાર્યવાહીથી બેંકો પાસેથી મોટી લોનો લઈને હાથ ઉંચા કરનારાઓને પણ ભય રહેશે.

સરકારે બુધવારે સંસદમાં જવાબ આપતા કહ્યું કે, વિજય માલ્યા, નિરવ મોદી, મેહુલ ચોકસી, નીતિન અને ચેતન સાંદેસરા, લલીત મોદી સહિતના કુલ ૫૮ ભાગેડુ કૌભાંડીઓને પરત લાવવા માટે સરકાર પ્રયત્નો કરી રહી છે. કૌભાંડીઓને રેડ કોર્નર નોટિસ સાથે પ્રત્યાર્પણની માંગ કરવામાં આવી છે. ૫૮ ભાગેડુઓ ઉપરાંત સરકાર સીબીઆઈ, ઈડી, ડીઆરઆઈ જેવી તપાસ એજન્સી સાથે મળીને લંડન, બેલજીયમ, ઈજીપ્ત, અમેરિકા જેવા દેશોમાં ભારતીય કૌભાંડકારોને શોધી રહી છે.

ઓકટોમ્બરમાં સરકારે વીવીઆઈ હેલીકોપ્ટર ખરીદીના કૌભાંડમાં બે મધ્યસ્થીના પ્રત્યાર્પણની માંગણી ઈટલી સરકાર પાસેથી કરી હતી. વિદેશ મંત્રાલયે નિરવ મોદી વિશે કહ્યું હતું કે, તેને પહેલેથી જ રેડ કોર્નર નોટિસ આપી દેવામાં આવી છે. ઓગષ્ટ મહિનામાં તેની વિરુધ્ધ ઈંગ્લેન્ડમાં પ્રત્યાર્પણના ઓર્ડર મોકલવામાં આવ્યા હતા. એવી જ રીતે એન્ટીગુઆમાં મેહુલ ચોકસી માટે પણ તપાસો હાથ ધરવામાં આવી છે. રૂ.૫૦૦૦ કરોડનું બેંક ફ્રોડ કરનારા સાન્ડેસરા બ્રધર્સ પર પણ સરકારની નજર છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.