Abtak Media Google News

ગુર્જર ક્ષત્રિય કડિયા જ્ઞાતિના પ્રમુખ નરેન્દ્રભાઈ સોલંકી અને ધારાસભ્ય ગોવિંદભાઈ પટેલના હસ્તે સહાયનાં ચેક અર્પણ કરાયા

ગુર્જર ક્ષત્રિય કડીયા જ્ઞાતિ સમસ્ત રાજકોટ સમાજના લોકોનું ગંગોત્રી મુકામે ગંભીર અકસ્માતમાં દુ:ખદ નિધન થયેલ હતું. જેમાં જ્ઞાતિ સમસ્તના પ્રમુખ નરેન્દ્રભાઈ સોલંકી, જ્ઞાતિ આગેવાનો તેમજ વિરેન કાચા દ્વારા ગુજરાત રાજયના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી સાથે સતત લાયઝન રાખેલ હતું. મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી દ્વારા ઉતરાખંડ સરકાર તેમજ કેન્દ્ર સરકાર સાથે સરકાર દ્વારા લાયઝનીંગ રાખી તાત્કાલિક ૨૪ કલાકમાં ડેડબોડી મળે તે માટે થઈને તાત્કાલિક સરકાર દ્વારા ચોપર પ્લેન મોકલી મૃતદેહોને રાજકોટ ખાતે પહોંચાડવાની વ્યવસ્થા કરવામાં આવી હતી.

ત્યારબાદ બીજા દિવસે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ જ્ઞાતિ સમસ્તના પ્રમુખ નરેન્દ્રભાઈ સોલંકી સાથે મૃતક પરિવારના ઘરે જઈ સમગ્ર સમાજ સાથે સાંત્વના પાઠવી હતી. તેમજ કુટુંબ દીઠ પાંચ-પાંચ લાખની સહાય જાહેર કરવામાં આવેલ હતી. જેના અનુસંધાને તા.૧૯/૧૧/૨૦૧૮ના રોજ ઓબીસી નિગમના ચેરમેન નરેન્દ્રભાઈ સોલંકી કે જેઓ આપાગીગાના ઓટલાના મહંત તરીકે ફરજ બજાવે છે. તેમજ ગુર્જર ક્ષત્રિય કડિયા જ્ઞાતિ સમસ્ત રાજકોટના પ્રમુખ, રાજકોટ-૭૦ના ધારાસભ્ય ગોવિંદભાઈ પટેલ, સરકારી તંત્રના જવાબદાર અધિકારીઓ તેમજ જ્ઞાતિ સમસ્તના હોદેદારો, આગેવાનોની હાજરીમાં સર્વે મૃતક પરિવારજનોને ચેક વિતરણ કરવામાં આવેલ છે.

જ્ઞાતિ પ્રમુખ નરેન્દ્રભાઈ સોલંકીએ જણાવેલ કે આ દુ:ખદ ઘટના દ્વારા જે પરીવારજનોએ મોભીની છત્ર છાયા ગુમાવેલ તે પરત તો લાવી નથી શકાતી કારણકે પ્રભુ ઈચ્છા બળવાન પરંતુ આ પરીવારજનોને જ્ઞાતિ દ્વારા શકય તેટલી સાંત્વના અને સહાય થકી મદદરૂપ થવાની કોશીશ કરવામાં આવેલ છે.

ગુજરાત સરકારના માનનીય મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી દ્વારા પણ સતત ફોનમાં તેમના સંપર્કમાં રહી મૃતકોની બોડી તાત્કાલિક ધોરણે પરીવારજનોને મળી તે માટે સ્પે.ચાર્ટડ પ્લેન દ્વારા રાજકોટ ખાતે પહોંચાડેલ સાથો સાથ રૂબરૂ પરીવારજનોને સાંત્વના આપવા મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી રૂબરૂ આવી દિલાસો આપેલ સાથો સાથ પરિવારજનોને રૂ.પાંચ લાખ જેવી રકમની સહાય રાજય સરકાર દ્વારા પુરી પાડી એક મદદરૂપ થવાની ભાવના દાખવેલ તે માટે તેમનો જ્ઞાતિ વતી ખુબ આભાર માનેલ સાથો સાથ રાજકોટ કલેકટર કચેરીના સ્ટાફ, ડેપ્યુટી કલેકટર સાહેબોનો પણ જ્ઞાતિવતી પ્રમુખ સહકાર આપવા બદલ આભાર માનેલ.  આ ચેક વિતરણમાં સ્વ.ભગવાનજીભાઈ રાઠોડ તથા સ્વ.ગોદાવરીબેન રાઠોડની સહાય તેમના પરિવારવતી પિયુષભાઈ ભગવાનજીભાઈ રાઠોડ, સ્વ.દેવજીભાઈ ટાંક તથા સ્વ.ભાનુબેન ટાંકની સહાય તેમના પરીવારવતી સંજયભાઈ દેવજીભાઈ ટાંક, સ્વ.હેમરાજભાઈ રામપરીયા તથા સ્વ.કંચનબેન રામપરીયાની સહાય તેમના પરીવારવતી જીજ્ઞેશભાઈ હેમરાજભાઈ રામપરીયા, સ્વ.ચંદુભાઈ ટાંક તેમના પરીવારવતી લીલાબેન ચંદુભાઈ ટાંક, સ્વ.મગનભાઈ સાપરીયા તેમના પરીવારવતી પાર્વતીબેન મગનભાઈ સાપરીયાને ચેક અર્પણ કરવામાં આવેલ.

તેમજ ઉતરાખંડ સરકાર દ્વારા મૃતક દરેક વ્યકિતઓને એક-એક લાખ રૂપિયાની સહાય તેમજ ઘાયલ વ્યકિત દીઠ પચાસ હજાર રૂપિયાની સહાય જાહેર કરવામાં આવેલ છે. જે પણ ટુંક સમય તેમના ખાતામાં આરટીજીએસ દ્વારા જમા કરવામાં આવશે. તેમજ પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના કાર્યાલય પીએમઓ દ્વારા તા.૬/૧૦/૨૦૧૮ના મૃતક દરેક વ્યકિતને બે લાખ રૂપિયા તેમજ ઘાયલ વ્યકિતને પચાસ હજાર રૂ. આપવાની જાહેરાત કરવામાં આવેલ છે. જે સહાય તાત્કાલીક મળે તે માટે ગુજરાત સરકાર દ્વારા તેમજ રાજકોટ જ્ઞાતિ સમસ્ત દ્વારા આ બાબતે સંપૂર્ણ પ્રયત્ન કરવામાં આવી રહેલ છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.