Abtak Media Google News

ઠાકોર સાહેબ માંધાતાસિંહજીએ પુષ્પાંજલી અર્પણ કરી: હજારો ભાવિકો જોડાયા

રાજકોટના નગરદેવતા જેને કહી શકાય એવા પ્રાચીન સ્વયંભૂ પ્રગટ શ્રી રામનાથ મહાદેવનું ફુલેકૂં એટલે કે વરણાગી શ્રાવણ માસના છેલ્લા સોમવારે તા. 22ના રોજ ભાવ અને ઉમળકાભેર સંપન્ન થઈ હતી. જેના કાંઠે રાજકોટ શહેર વસેલું છે તે આજી નદીની મધ્યમાં બિરાજતા રામનાથ મહાદેવની વરણાગી દર વર્ષે નીકળે છે એ પરંપરાને  99 વર્ષ થયાં આજનું ફૂલેકું કે કે વરણાગી 99 મી હતી.

001 Copy Copy

રાજકોટનો રાજવી પરિવાર વર્ષોથી આ પરંપરામાં હ્રદયપુર્વક પોતાની ઉપસ્થિતિ રુપ યોગદાન આપે છે. આજે પણ ફૂલેકાંના આરંભે રાજકોટના ઠાકોર સાહેબ  માંધાતાસિંહજી જાડેજાએ રામનાથ મહાદેવને પુષ્પાંજલી અર્પણ કરી હતી અને શ્રદ્ધાભેર સમગ્ર કાર્યક્રમમાં સંમ્મિલિત થયા હતા.

દર શ્રાવણ માસના છેલ્લા સોમવારે આ ફૂલેકું નીકળે તેવી પરંપરા છે.  આ વખતે વિશેષતા એ હતી કે ફૂલેકાંના સમયે અમૃત સિદ્ધ યોગની સાથે શિવપ્રિય એવું આદ્રાનક્ષત્ર પણ હોવાથી ફૂલેકાંના દર્શન માત્રથી પૂણ્ય મળે તેવા યોગ હતા. બપોરે ઠાકોર સાહેબ  માંધાતાસિંહજી જાડેજાએ પુષ્પાંજલી અર્પણ કરી હતી જ્યારે બાવન ગજની ધજાનું આરોહણ વૈદ્યરાજ રણછોડ પ્રાગજી પાઠક પરિવારના વિમલભાઈ પાઠકે કર્યું હતું.

ત્યાર બાદ ફુલેકાંનો આનંદભેર આરંભ થયો હતો. રામનાથ મંદિરેથી રામનાથપરા મુખ્ય માર્ગ,કોઠારિયા નાકાં, સોની બજાર, કંસારા બજાર, પરા બજાર,ધર્મેન્દ્ર રોડ, સાંગણવા ચોક, કરણપરા ચોક, કિશોરસિંહજી રોડ, જયરાજ પ્લોટ, હાથીખાના સહિતના વિસ્તાર ફરીને રામનાથ મહાદેવ મંદિરે ફૂલેકું પરત ફર્યું હતું. સેંકડો ભાવિકો તેમાં ઉત્સાહભેર જોડાયા હતા અને માર્ગમાં હજારો નગરજનોએ રામનાથ મહાદેવના દર્શન કર્યાં હતા.

Screenshot 2 28

આ પ્રસંગે સૌએ રાજકોટના પુર્વ પ્રજાવત્સલ રાજવી સ્વ. શ્રી લાખાજીરાજબાપુ તથા કૈલાસ વાસી મહંત શ્રી હરિગિરી બાપુની સ્મૃતિ પણ તાજી કરી હતી. રામનાથ દાદાના આ ફૂલેકાંની પ્રેરણા આ બન્ને મહાનુભાવોએ આપી હતી ત્યારથી આ પરંપરા જળવાતી આવી છે.  આ પ્રસંગે રાજકોટના ઠાકોર સાહેબશ્રી માંધાતાસિંહજી જાડેજાએ જણાવ્યું હતું કે પૂ. લાખાજીરાજ બાપુ તો શૌર્ય, સ્વાર્પણ અને કરુણાનો ત્રિવેણીસંગમ હતા.

ભવગાન શિવના તેઓ ઉપાસક હતા. તેઓએ ગરીબો, પીડિતોની સારવારની જરુરત સહિતના સેવાના પગલાં પોતાના શાસનકાળ દરમિયાન ભર્યાં હતા. જ્યારે પ્લેગનો રોગ રાજકોટ પર મોતનો પૈગામ બનીને ત્રાટક્યો હતો ત્યારે પૂ. લાખાજીરાજ બાપુએ રાજકોટમાં આ રામનાથ મહાદેવનું ફુલેકું કાઢવાનો નિર્ણય કર્યો હતો અને મહાદેવની કૃપાથી તથા ડોક્ટરોના પ્રયાસોને લીધે શહેર રોગમુક્ત થયું હતું.

એમની આ શ્રદ્ધાનું જનત અને પાલન આપણે કરી રહ્યા છીએ. આ પરંપરા ફક્ત મંદિર કે રાજપરિવારની નહીં પરંતુ સમગ્ર રાજકોટ શહેરની, રાજકોટ રાજ્ય અંતર્ગત ત્યારે આવતા વિસ્તારોની છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.