Abtak Media Google News

કચ્છના માત્ર એક જ પરિવાર દ્વારા બનતા આ આર્ટવર્કની ૪ ગણી કિંમત આપીને કારીગરીને પ્રોત્સાહન પૂરું પાડવામાં આવ્યું

કચ્છમાં ખરડ આર્ટવર્ક તૈયાર કરતા એક માત્ર પરિવાર દ્વારા અત્યાર સુધીનું સૌથી મોટું ૯ ફૂટનું આર્ટવર્ક તૈયાર કરવામાં આવ્યું હતું. આ આર્ટવર્કને મોરબીના ઝાલા પરિવારે ૪ ગણી કિંમત આપી ખરીદ્યું છે. ઝાલા પરિવારે પોણો લાખ ચૂકવી લુપ્ત થતી આ કલાને બચાવવા માટેનો પ્રેરક પ્રયાસ કર્યો છે.

કચ્છના ભુજ તાલુકાના કુકમાં ગામે રહેતા ગુજરાતના ખરડ કલાના અંતિમ સરનામાં સમાં પરિવારે એક કીર્તિમાન સ્થાપ્યો છે. અત્યાર સુધીના ઇતિહાસમાં ૯ ફૂટનું ખરડ આર્ટવર્ક બન્યું નથી. જે તેઓએ બનાવ્યું છે. ૭૦૦ વર્ષ જૂની કલાના અંતિમ પરિવારના કારીગર ખરડ વણાટ કરતા સામત તેજશી વણકરના જણાવ્યા મુજબ પૂરતા ભાવ ન મળતા અને પ્રોત્સાહનના અભાવે ખરડ કલા તેમના પરિવાર પૂરતી જ સીમિત રહી છે.

તાજેતરમાં આ કારીગર મોરબી પંથકમાં ખરડ આર્ટવર્કનું પ્રદર્શન કરવા અર્થે ગયા હતા. ત્યારે મોરબીના પીપળી ગામના યુવરાજસિંહ બાલુભા પીપળીએ ૭ બાય ૯ ફૂટના માતજીના ભેળીયા ( આર્ટવર્ક)નો ઓર્ડર આપ્યો હતો. આ ઓર્ડરના આધારે આર્ટવર્ક બનાવવામાં આવ્યું હતું. જે બની જતા ઝાલા પરિવાર આર્ટવર્કને લેવા કારીગરના પરિવારને ત્યાં પહોંચ્યો હતો. ૨૦ હજારના આ આર્ટવર્કના ઝાલા પરિવારે રૂ. ૭૫ હજાર ચૂકવીને આ કલાને પ્રોત્સાહન આપવાનો પ્રયત્ન કર્યો હતો.

ખરડનો આ આર્ટવર્ક ઘેટાં બકરા અને ઉટના ઉનમાંથી બને છે. નવાઈ પમાડે તેવી વાતતો એ છે કે આ ખરડ આર્ટવર્કના નમૂનાને એક સદી સુધી કઈ થતું નથી. આ આર્ટવર્ક તૈયાર કરનાર એકમાત્ર તજશી વણકરના પરિવારને ૨૦૧૩માં રાષ્ટ્રીય પુરસ્કાર એનાયત થયો હતો.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.