Abtak Media Google News

રૂ.૭ કરોડથી વધુ રિકવર કરવા ડેબ્ટ રિકવરી એજન્સીનું નિર્માણ: ડિફોલ્ટરોની વિગતો માટે સોફ્ટવેર બનાવાયો: સંગઠનમાં ૪૦૦થી વધુ ઉત્પાદકો જોડાયા

કોઇપણ ઔદ્યોગિક ક્ષેત્ર માટે ડિફોલ્ટર ગ્રહણ સમાન છે. મોરબીના સિરામીક ઉદ્યોગને પણ ઘણા સમયથી આ ગ્રહણ નડી રહ્યું છે જેથી મોરબી સિરામીક ઉદ્યોગ દ્વારા ડિફોલ્ટરોને પ્રતિબંધીત કરવા સંગઠન રચવામાં આવ્યું છે. આ સંગઠનમાં હાલ ૪૦૦ ઉત્પાદકો જોડાયા છે.

આ સંગઠનનું નામ ‘ફાઇટ અગેઈન્સ્ટ ફ્રોડ’ રખાયું છે. મોરબી સિરામીક એસોસિએશને બાકી નાણાં ઉઘરાવવા માટે એજન્સી પણ નિમી છે. જે ડિલરો અને વેપારીઓ પાસેના બાકી ‚ા.૭ કરોડ ઉઘરાવશે. આ મામલે મોરબી સિરામીક એસોસિએશનના પ્રેસિડન્ટ કે.જી. કુંડારીયાએ જણાવ્યું હતું કે, આ પ્રયાસમાં તમામ ડિફોલ્ટર, ડિલર અને વેપારીઓની વિગતો એકઠી કરવામાં આવશે. ડેબ્ટ રિકવરી એજન્સી દ્વારા બનાવેલા સોફ્ટવેરમાં આ વિગતો રહેશે. જેને એસોસિએશનના સભ્યો જોઇ શકશે. આ પ્રયાસથી ભવિષ્યમાં વેપારીઓ ડિફોલ્ટરોથી છેતરાતા અટકશે.

તેમણે વધુમાં ઉમેર્યુ હતું કે, અમે લાંબા સમયથી પેમેન્ટ બાકી હોય તેવા વેપારીઓને બ્લેકલિસ્ટ કરી રહ્યા છીએ. આવા ડિફોલ્ટર વેપારીઓથી અમે એસોસિએશનના સભ્યોને સાવધ કરીએ છીએ. અમે ભારત તેમજ સમગ્ર દુનિયામાં વેપાર કરીએ છીએ. ડિફોલ્ટ કે નાણા આપવામાં લાગતા સમયથી અમારા વેપાર ઉપર અસર પડે છે. હવે તૈયાર કરવામાં આવેલા સોફ્ટવેરથી ઉત્પાદકો કોની કેટલી વિશ્ર્વસનીયતા છે અને તેની સાથે વેપાર થઇ શકે કે કેમ? તે તપાસી શકશે.

મોરબીનું સિરામીક એસોસિએશન હવે અન્ય રાજ્યોની સેનીટરી વેર ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશન સાથે પણ જોડાણ કરશે. તેઓને ડિફોલ્ટરોની વિગતો આપ-લે કરશે. કેરાલા તેમજ પંજાબના સેનેટરીવેર એસોસિએશન સાથે હાલ મોરબીના સિરામીક એસોસિએશને જોડાણ કર્યુ છે. તામિલનાડુ, મઘ્યપ્રદેશના સિરામીક ઇન્ડસ્ટ્રીઝ સાથે પણ આ પ્રકારનું જોડાણ કરવામાં આવશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.