Abtak Media Google News

નામચીન મિત્ર સાથે સવારે રિક્ષામાં ગયા બાદ ફાયરિંગ બટ પાસેથી લોહીલુહાણ હાલતમાં લાશ મળી

પોરબંદરના ખાખરા ચોક વિસ્તારના કોળી યુવાનની લોહીલુહાણ હાલતમાં ફાયરિંગ બટ પાસેથી લાશ મળી આવતા પોલીસે અજાણ્યા શખ્સો સામે હત્યાનો ગુનો નોંધી હત્યાનો ભેદ ઉકેલવા તપાસ હાથધરી છે. મૃતકના પરિવાર દ્વારા નામચીન મિત્રની સંડોવણી હોવાની શંકા વ્યક્ત કરતા પોલીસે તે દિશામાં તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.

પોરબંદરના ફાયરિંગ બટ વિસ્તારમાં અજાણ્યા યુવાનની લોહીથી ખરડાયેલી હાલતમાં લાશ મળી આવતા મૃતકની ઓળખ મેળવવા પોલીસ દ્વારા તપાસ ચાલુ હતી તે દરમિયાન ખાખરા ચોકમાં રહેતા રાજુ સુડા ડાભી નામનો ૨૦ વર્ષનો યુવાન ગુમ હોવાની પોલીસમાં જાહેરાત થતા રાજુના પરિવારને ફાયરિંગ બટ વિસ્તારમાંથી મળી આવેલી લાશ બતાવતા મૃતક રાજુ ડાભી હોવાનું ઓળખી બતાવ્યું હતું.

રાજુ ડાભી સવારે પોતાના મિત્ર જીજ્ઞેશગીરી બાવાજી સાથે રિક્ષામાં ગયા બાદ પરત ન આવ્યો હોવાનું અને જીજ્ઞેશગીરી સાથે મોબાઇલમાં એક વખત વાત થઇ ત્યારે રાજુ ડાભી પોતાની સાથે ન હોવાનું જણાવી મોબાઇલ સ્વીચ ઓફ હોવાનું પરિવારજનોએ પોલીસ પૂછપરછમાં જણાવ્યું હતું.

જીજ્ઞેશગીરી બાવાજી સામે અનેક ગુના નોંધાયા હોવાથી રાજુ ડાભીની હત્યામાં તેની સંડોવણી હોવાની પરિવાર દ્વારા શંકા વ્યક્ત કરવામાં આવતા પોલીસે જીજ્ઞેશગીરી બાવાજીની શોધખોળ હાથધરી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.