Abtak Media Google News

વિદેશ મંત્રાલયના સહયોગથી કોન્સ્યુલેટ-પાસપોર્ટ સ્ટેટ આઉટરીપ કોન્ફરન્સમાં લેવાયો નિર્ણય

ભારત સરકારે ગુજરાતમાં નવા છ પાસપોર્ટ કેન્દ્રો શરૂ કરવાની જાહેરાત કરી છે. ગુજરાતમાં કુલ ૨૫ પાસપોર્ટ કેન્દ્રો છે. જેમાં હવે અમદાવાદ બાદ અમરેલી, ગાંધીનગર, સુરેન્દ્રનગર, પાટણ, બારડોલી અને સાબરકાંઠામાં પણ પાસપોર્ટ કેન્દ્ર શરૂ કરાશે એટલે હવે વિદેશ જનારા લોકોને અમદાવાદના કે કોઈ અન્ય મોટા શહેરના ધકકા ખાવા નહીં પડે.

ગાંધીનગરમાં સ્ટેટ આઉટરીપ કોન્ફરન્સમાં આ નિર્ણય લેવાયો છે. જેમાં વિદેશ રાજયમંત્રી એમ.જે.અકબરે કહ્યું કે ગુજરાત સરકારની દરખાસ્તનો સ્વીકાર કરાયો છે. જે મુજબ ગુજરાતમાં ગાંધીનગર, સાબરકાંઠા, અમરેલી, બારડોલી અને સુરેન્દ્રનગર એમ નવા પાંચ પાસપોર્ટ સેવા કેન્દ્રો ચાલુ કરાશે.

તેઓએ એમ પણ કહ્યું કે વિદેશ જવા માંગતા નાગરિકોની સમસ્યાનો ઉકેલ અમારી પ્રાથમિકતા છે. વધુમાં તેમણે ઉમેર્યું કે ગુજરાતમાં છેલ્લા ૭૦ વર્ષમાં ૧૯ પાસપોર્ટ કેન્દ્રો શરૂ થયા છે અને હવે વધુ ૬ કેન્દ્રો શરૂ થવા જઈ રહ્યા છે જે ગુજરાતની જનતા માટે ખુબ જ ઉપયોગી થઈ પડશે. જયારે ગૃહરાજયમંત્રી પ્રદિપસિંહ જાડેજાએ જણાવ્યું કે, ગુજરાતી વિશ્વમાં કયાંય પણ વસે ગુજરાત સાથેનું તેનું જોડાણ અજોડ હોય છે. રાજય બહાર વસતા ગુજરાતીઓ સાથે ગુજરાતે સતત જીવંત સંબંધ રાખ્યો છે.

વધુમાં તેમણે ઉમર્યું કે, વિદેશમાં વસતા નાગરિકોની સહાયતા અને તેમની સમસ્યાના ઉકેલની સાથે સાથે દેશભરમાં વસતા ગુજરાતીઓની નિયદા સમસ્યાઓના ઉકેલ માટે સરકાર હંમેશા તત્પર છે. આ અંગે વધુ જણાવતા અમદાવાદ પાસપોર્ટ ઓફિસના ઓફિસર નિલમ રાણીએ કહ્યું છે. નવા પાસપોર્ટ કેન્દ્રો પાસપોર્ટ ઓફિસ સાથે સંકળાયેલા રહેશે. આ ઉપરાંત પોસ્ટ ઓફિસમાં પણ પાસપોર્ટ સેવા શરૂ કરવામાં આવી છે. જેમાં આણંદ, ભરુંચ, ભાવનગર, ભુજ, દાહોદ, જામનગર, જુનાગઢ, મહેસાણા, નડીયાદ, પાલનપુર, વેરાવળ અને પોરબંદરનો સમાવેશ કરાયો છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.