Abtak Media Google News

પરંતુ સરકારી તંત્રમાં આવી ગયા બાદ કર્મચારીઓ તે બાબતને ઉલટાવીને ‘જનતા જ સરકારી તંત્ર, નિયમો અને કાયદા માટે છે’ તે રીતે ત્રાસદાયક અમલ કરે છે

માનવ સેવા

સામાન્ય રીતે સમાજમાં કોઈ અઘટીત બનાવ બને તેના દોષનો ટોપલો લગભગ પોલીસ દળ ઉપર જ ઠલવાતો હોય છે. આથી જ કહેવત પડી હશે કે ‘હલકુ નામ હવાલદારનું’ સમાજ સામાન્ય રીતે નિતિમત્તા, નિતિનિયમો અને કાયદા પાલનની અપેક્ષા રાજા પાસે એટલે કે તમામ પ્રકારના સત્તાધીશો પાસે વધુ રાખે છે. તેમાં પણ પોલીસ દળ પાસે આ અપેક્ષા જેટલી રાખવામાં આવે છે. તેટલી અન્ય ખાતાના કર્મચારીઓ પાસે નથી રાખતા કે તેની વધારે પ્રસિધ્ધી નથી થતી.

નીચે જણાવેલ અનુભવ ઉપરથી જાણી શકાશે કે બીજા ખાતાના બેજવાબદાર અને નીતિ નિયમો તો ઠીક કાયદા ભંગ પણ કરતા હોય છે. પરંતુ સમાજમાં તેની કોઈ જ નોંધ પણ લેતુ નથી ! પછી ફરિયાદ નો પ્રશ્ન જ કયાં હતો. જયારે પોલીસ ખાતુ શિસ્તબધ્ધ દળ અને સતત કાર્યભારણ ને કારણે આવું જોયા કરવાનું અને ચલાવી પણ લેવાનું.

સરકારી અધિકારી પોતાના હોદા ઉપર હોય ત્યારે પોતાને સમાજના જ એક ભાગરૂપે કર્મચારી ગણવાને બદલે તેના બોસ અને સંચાલક હોવાનો અહમ રાખતા હોય છે. વળી સમાજ અને જનતાને પોતાને પદ મળ્યાના ઋણ રૂપે મદદ કરવાને બદલે બે જવાબદારી અને અહમ્ રૂપે ખરેખર જે કાયદો જનતા માટે છે.

જે સંસ્થા જનતા માટે છે તેને ઉલટાવી ને જડતા પૂર્વક સંસ્થા પોતાની અને જનતા કાયદા માટે હોય તેમ જડતાપૂર્વક કાયદો જનતા ઉપર ઠોકી બેસાડી કાંતો જનતાને કચેરીમાં બેસાડી રાખી કાંતો ધકકા ખવરાવી પરેશાન કરી મૂકી જનતાને જ કચડવાનું કામ કરતા હોય છે.

બાબરા અને ચાવંડ ગામ વચ્ચે એક ગલકોટડી ગામ રાજકોટ ભાવનગર રોડ ઉપર આવેલું છે. આ રોડ ગલકોટડી ગામની વચ્ચેથી જ પસાર થાય છે. પરંતુ તેમાંય ગામમાં જ વળાંક પણ લે છે આથી અગાઉ ઘણા ગમખ્વાર અને ઘાતક રોડ અકસ્માતો પણ તેના ઉપર બનેલા, એક દિવસ બાબરા તરફથી આવતી કાર પૂરઝડપે ચાવંડ તરફ જવા આ રોડ ઉપરથી પસાર થતી હતી.

કાર ખૂબજ ઝડપમાં માનવ જીંદગી જોખમમાં મુકાય તેમ દોડી જતી હતી રોડની ડાબી બાજુ એક છોકરો ઉભો હતો. પરંતુ વળાંકમાં જોયું તો સામેથી બીજુ મોટુ વાહન પણ આવતું હતુ ડ્રાઈવરે કાર પૂર ઝડપે હોઈ તાત્કાલીક બ્રેક મારી નહિ અને ડાબી સાઈડમાં ઉતારી દીધી અને બાજુમાં ઉભેલા છોકરા ને ઉલાળી દીધો.

પરંતુ કાર ઉભી રહી નહિ અને તેજ સ્પીડે ચાલી ગઈ. બપોરના સાડા ચારેક વાગ્યાનો સમય હતો. બીજુ કોઈ વાહન તાત્કાલીક નહિ મળતા છોકરો સારવારના અભાવે કમનસીબે મૃત્યુ પામ્યો. પ્રાથમિક તપાસ જમાદારે કરી કારના નંબર અંગે કાઈ જ હકિકત મળી નહિ.

ઈપીકો કલમ ૨૭૯, ૩૦૪ અ વિ.ના ફેટલ અકસ્માતની તપાસ હાઈકોર્ટના માર્ગદર્શન મુજબ ફોજદારની રેન્કથી ઉતરતી રેન્કના કોઈ અધિકારી કરી શકતા નહિ હોય બીજે દિવસે ફોજદાર જયદેવે આ તપાસ જાતે સંભાળી લીધી ગલકોટડી ચાવંડ, બાબરા વિગેરે જગ્યાએ હાઈવે હોટલો, ધાબા કેબીનો, ટાયર પંચર વાળા વિગેરેથી પૂછપરછ કરી આવી કોઈ કાર અંગે ભાળ મેળવવા તજવીજ કરી.

પરંતુ કોઈ હકિકત મળતી નહતી. સમાજમાં સામાન્ય રીતે એવી માનસીકતા ફેલાયેલી છે કે પોલીસના લફરામાં કયાં પડવું? પરંતુ જે સમાજમાં આપણે રહીએ છીએ તે તરફ આપણી ફરજ પણ છે. નિતિમતાની રૂએ જવાબદારી પણ છે કે કાયદો અને વ્યવસ્થાની જાળવણી જે જાહેર બાબત છે તેમાં સહકાર આપવો જોઈએ.

જયદેવની દ્રષ્ટીએ આ રીતે પોલીસને સાચી બાબતમાં સાથ અને સહકાર આપવો તે પણ સમાજ સેવા જ છે. આવા બનાવમાં તો સામાન્ય સાક્ષી કોઈ કુટુંબનો મોટો આર્થિક આધાર સ્તંભ બની જતો હોય છે. પરંતુ પોલીસની ‘મથરાવટી જ મેલી’ હજુ સુધી લગભગ કોઈ સહકાર આપતુ નથી. જયદેવનું બાતમી તંત્ર એવું ખાસ હતુ અને જયદેવની ખાત્રી રહેતી કે માહિતી આપનારની ઓળખ ભૂલમાં પણ જાહેર કરતો નહી. અને ગમે તેવા સંજોગો ઉભા થાય બાતમીદારનું નિવેદન નોંધતો જ નહિ.

પંદરેક દિવસ બાદ એક બાતમીદારે માહિતી આપી કે ગલકોટડી ગામે જે અકસ્માત કરીને નાસી ગઈ તે કારના નંબર જીટીએસ ૨૪૧ હતા. તે સમયે જીટીએસ સીરીઝ ભાવનગર આર.ટી.ઓ પાસીંગની ગણાતી હતી. તેથી કારતોભાવનગરની નકકી થઈ.

ભાવનગર આર.ટી.ઓ એ જણાવ્યું કે આ કાર ટેક્ષી પાસીંગની છે. સાથે તેના માલીક કમ ડ્રાઈવરનું નામ સરનામું પણ મોકલ્યું. આ કાર ટેક્ષી અને ડ્રાઈવર મળી આવ્યા ડ્રાઈવરે ગુન્હો કબુલી લીધો જયદેવે કાર કબ્જે કરી ટેક્ષી ઉપર હજુ નીચેના ભાગે લોહી અને વાળ મરનારના ચોટેલા હતા તે કબ્જે કર્યા.

ડ્રાયવરને કારમાં સાથે કોણ કોણ હતુ તે પૂછતા તેણે જણાવ્યું કે સેલટેક્ષ ખાતાના ભાવનગરના અધિકારી સાહેબો હતા પણ નામ આવડતા નથી પરંતુ ટેક્ષીનું ભાડુ કાયદેસર વાઉચર બીલ બનાવીને તેમની કચેરીમાંથી ચૂકવ્યાનું જણાવતા જયદેવને થયું કે હવે તો આ ગુન્હામાં દાર્શનીક સાહેદો અને તે પણ સરકારી અધિકારીઓ કે જે હોસ્ટાઈલ જઈ શકે નહિ તેવા મળી જશે તેથી કેસ મજબુત થયાનો આરોપીને સજા થવા નો અને મરનારના કુટુંબીજનોને વિમો મળવાના સંપૂર્ણ સંજોગો થતા જયદેવને પોતાને જ પોતાની તપાસથી સંતોષ થયો.

જયદેવે ગકાયદેસરની કાર્યવાહી કરી ટેક્ષી કાર નંબર જીટીએસ ૨૪૧ના તમામ રજીસ્ટ્રેશન કાગળો અને વિમા પોલીસી વિગેરે તથા ડ્રાઈવરનું લાયસન્સ કબ્જે કર્યા અને ડ્રાઈવરને અદાલતમાં રજૂ કરી દીધો અને હવે દાર્શનીક સાહેદો સેલટેક્ષના અધિકારીઓના નિવેદનો લેવા ભાવનગર બહુમાળી ભવનમાં આવ્યો અને સાહેદો અંગે તપાસ કરી પરંતુ કોઈ સાહેદી આપવા અને કોર્ટના ધકકાથી બચવા સત્ય હકિકત જણાવતું નહતુ અને નામ પણ આપતા નહતા.

જયદેવને થયું કે જો યુનિફોર્મમાં ફોજદારની આ સ્થિતિ હોય તો જનતાની અને જમાદાર કોન્સ્ટેબલને આ લોકો શું મદદ કરે? આવા કારણથી જ હાઈકોર્ટે આવા ગુન્હાની તપાસ ફોજદાર રેન્કના અધિકારી જ કરે તેવો હુકમ કર્યો હશે. એકાદ કલાક અહી તહી પુછપરછ કરી પરંતુ સેલટેક્ષની કચેરી ઘણી વિશાળ હતી અને કર્મચારીઓ પણ પુષ્કળ હતા.

જયદેવને અધિકારીઓ કહેતા હતા કે નામ આપો તો ખબર પડે. દરમ્યાન જયદેવના ગામના જ વતની અને સેલટેક્ષ અધિકારી એવા રાજયગૂરૂ મળી ગયા. જયદેવ રાજયગૂરૂના ટેબલ ઉપર બેઠો ચા પાણી પીધા અને કહ્યું કે કયારનાય તપાસ કરીએ છીએ પણ કોઈ સહકાર આપતુ નથી.

તેનો જયદેવે અફસોસ વ્યકત કર્યો અને કહ્યું કે જો હું હથીયાર ઉપાડીશ તો લોકોને રડતા પણ નહિ આવડે. આમ જનતા સાથે જે વ્યવહાર કરે છે.તેવો પોલીસ સાથે કરે છે તો આ લોકોને પાઠ ભણાવું તો તમને કાંઈ વાંધો નહિ ને? રાજય ગૂરૂએ કહ્યું મને શું વાંધો હોય, મારે તો પહેલા તમે, આ લોકો ને અવશય પણે માનવતા ના પાઠ શીખવાડો!

જયદેવે પોતાનું અમોધ શસ્ત્ર પેન-કાયદો ઉપાડયું અને એક કાગળ ઉપર ક્રીમીનલ પ્રોસીજર કોડ કલમ ૧૬૦ મુજબનો સમંસ તૈયાર કરી કચેરીના હેડને નામ જોગ તૈયાર કર્યો જેમા જણાવ્યું કે અકસ્માત વાળી તારીખે જે ટેક્ષી નં. જીટીએસ ૨૪૧નો ઉપયોગ થયેલો તેનું વાઉચર બીલ અને તેમાં જે અધિકારીઓએ  મુસાફરી કરી હોય તેમણે મુસાફરી ભથ્થા બીલ લીધા હોય તેની પણ નકલો સાથે બે દિવસમાં બાબરા પોલીસ સ્ટેશનમાં જાતે આવી આપી જઈ તે અંગેનું નિવેદન લખાવી જવુ જો તેમાં કસુર થશે તો કોર્ટમાં ફરિયાદ કાર્યવાહી કરી વોરંટ માટે માંગણી કરવા બાબતે પણ જણાવ્યું.

જેવો આ સમંસ કચેરીના મુખ્ય અધિકારી પાસે ગયો ત્યાં તેમની ‘આંખો ચાર થઈ ગઈ’ તાત્કાલીક બીજા કર્મચારીઓને દોડાવી ને ફોજદાર જયદેવને વાતાનુકુલીત કચેરીમા આગતા સ્વાગતા સાથે બોલાવી જે માહિતી જોઈએ તે હમણા દસ મીનીટમાં મળી જશે આ સમંસ નિવેદન વિગેરે રહેવા દયો જયદેવ મનમાં હસ્યો હં અબ આયાઉંટ પહાડ કે નીચે અને બધુ ઠેકાણે થયું દસ મીનીટમાં જ ટીએ બીલો અને ટેક્ષીને નાણા ચૂકવ્યાના વાઉચર બીલોની પ્રમાણીત નકલ મળી ગઈ.

પરંતુ આ કાર્યવાહીની ખબર પેલા ચાર ટેક્ષીમાં મુસાફરી કરનાર અધિકારીઓને પડી ગઈ અને તેઓ કચેરીમાંથી આડા અવળા થઈ ગયા. કચેરી અધિક્ષકે જયદેવને વિનંતી કરીકે હવે સમંસની વિધિ નહિ કરતા આ ચારેયના આવતીકાલે અવશ્ય નિવેદનો લખાવી દઈશુ પ્લીઝ એક દિવસ રોકાઈ જાવ જયદેવને આખા બાબરા તાલુકાની જવાબદારી હતી પરંતુ જયદેવ તપાસ પુરી કરવા કમને ભાવનગર રોકાયો.

બીજે દિવસે પાછો વેચાણ વેરા કચેરીમાં પહોચી ગયો ચારેય વરરાજાઓ અનિચ્છાએ પણ નિવેદન લખાવવા તૈયાર થયા ચારેયના એક પછીએક વિગતવારના અલગ અલગ નિવેદનો નોંધ્યા તેમાં ખાસ ખુલાસો એ લીધો કે ગલકોટડી ગામે અકસ્માતનો બનાવ બન્યો ત્યારે અને પછી ભાવનગર સુધી રસ્તામાં શું શું કર્યું ચારેય જણાએ જણાવ્યું કે બાળક હડફેટે આવી ગયું પરંતુ ટેક્ષી ડ્રાઈવરે તો કાર તેજ પૂર ઝડપે જ જવાદીધી ઉભી રાખી નહિ.

ડ્રાઈવરે કહ્યું અહી આપણને કોણ જુએ છે તેમ કહી કાર જવા જ દીધી આમાં અમારી તો કોઈ જવાબદારી નહતી તેથી કોણ જુએ છે. તેમ માનીને પોતે પણ કારમાં છેક ભાવનગર સુધી ચુપચાપ બેઠા જ રહ્યા. આવા (ગેઝેટેડ) રાજય પત્રીત અધિકારીઓને માનવતાની રૂએ શું કરવું જોઈએ અને બીજુ કોઈક ‘કુદરત’ જુએ જ છે કે શું થઈ રહ્યું છે પેલી જુની હિન્દી ફિલ્મ ‘બુંદ જો બન ગયે મોતી’ ના પ્રખ્યાત અને લોકપ્રિય પણ આધ્યાત્મક ગીત કે જેના ગાયક સ્વ. મુકેશ છે.જેમાં આ ત્રાહીત જોનાર વિશે બહુ સરસ ની રૂપણ કર્યું છે કે

યે કોણ ચિત્રકાર હૈ… યે કોણ ચિત્રકાર…

અપની તો આંખ એક હે….(૨)

ઉનકી હજાર હૈ….

એટલે ઉપરવાળો તો જુએ જ છે તે બધા જાણે છે છતા લગભગ તમામ એવું માને છે કે કોણ જુએ છે! આ સેલટેક્ષ અધિકારીઓએ પ્રથમ માનવતા ના ધોરણે ઈજા પામનાર ને સારવારમાં પહોચાડવાની જરૂરત હતી ત્યારબાદ પોલીસમાં જાણ કરવાની જરૂર હતી. જે તેઓએકરેલ જ નહિ.

સરકારી અધિકારી તરીકેની તો ફરજ ચૂકયા પણ માનવતા પણ ભૂલ્યા અને એક માનવ જીંદગીનો ભોગ બેદરકારીથી લેનાર ડ્રાઈવરને પકડાવવાની વાતતો એક બાજુ રહી પરંતુ તેને છાવરીને પોતે પણ ગુન્હો કર્યો હતોજે ગુન્હો માનવતા વિરૂધ્ધનો નિતીમત્તા ભંગનો વધુ હતો.

પરંતુ સોચનીય વાત તોએ હતી કે ભોપાળુ છતુ થયું પછી પણ પોતે ફરજ પરથી ચાલી જઈ પોલીસને રાત રોકાણ ભાવનગર કરવું પડયું તેવા સંજોગો ઉભા કર્યા પણ જયદેવે મીનીટે મીનીટનો હિસાબ રાખ્યો હતો તે માનતોહતો કે આ સમય જયદેવનો નથી વેડફાતો આ સમય બાબરા તાલુકાની જનતાનો વેડફાય છે. અને નાઈટ હોલ્ટ ના ટી.એ.ના નાણા ગુજરાત સરકાર મારફતે જનતાના જ વેડફાય છે. આ હિસાબતો ખરો પરંતુ જે માનવતા દાખવી નહિ તેનો તો હિસાબ લેવાનું કામ અને ફરજ જવાબદારી રૂપે કુદરતે જયદેવને સોંપ્યું હતુ.

આથી જયદેવે આ ચારેય અધિકારીઓના નિવેદનોમાં અપવાદરૂરૂપે સહીઓ લીધી અને પછી કાઢી એન.સી.ફરિયાદ બુક કે જેમાં નોન કોગ્નીઝેબલ ગુન્હાની ફરિયાદ નોંધાય છે.જે સામાન્ય રીતે ટ્રાફીક પોલીસ વાળા એન.સી.મુકે તેવી જ હોય છે.પરંતુ પબ્લીક એન.સી.માં ફરિયાદ અદાલતમાં મોકલવામાં આવે છે.

ચારેય અધિકારીઓ વિરૂધ્ધ વ્યકિતગત ધોરણે ભારતીય ફોજદારી ધારાની કલમ ૧૭૬ મુજબ ફરિયાદ મૂકી જેમાં સાક્ષી તરીકે ટેક્ષી ડ્રાઈવર, તેને નાણા ચૂકવ્યાનું વાઉચર બીલ અને તે તારીખની પોતે આ ટેક્ષીમાં મુસાફરી કરેલી તેના સરકારમાંથી ટીએ બીલ વસુલેલા તેની નકલો મૂકી.

આ એન.સી. ફરિયાદની કાર્યવાહી ચાલુ હતી તેની તરફ આ ચારેય આરોપી અધિકારીઓનો ખ્યાલ હતો જ જયદેવે ચારેય અધિકારીઓની તૈયાર કરેલ એન.સી. ફરિયાદમાં સહી લઈ એક એક નકલ તેમને આપી. ચારેય જણાએ વટથી એન.સી.માં સહીઓ કરી આપી અને બોલ્યા કે અમોએ થોડો એકસીડેન્ટ કર્યો છેકે મારી નાખ્યો છે?

જયદેવ ઠંડા કલેજે બીછાવેલી આ સ્ફોટક સુરંગોનો આ ઉચ્ચ કેળવણી પામેલા પણ ધમંડી અને માનવતા હીન અધિકારીઓને ખ્યાલ હતો નહિ. જયદેવ રવાના થતા રાજયગુરૂને કહેતો ગયો કે આ લોકોને હવે ખબર પડશે કે માનવતા કોને કહેવાય!

પોલીસ ગયા પછી ચર્ચાનો ચોરો ચાલુ થયો કોઈક અનુભવી કર્મચારીએ એનસી ફરીયાદ વાંચીને કહ્યું ‘આ શું થયું જાણો છો?’ આ ફરિયાદ મોટર વ્હીકલ એકટની દંડ ભરો અને રવાના થાવ તેવી ટેકનીકલ નથી. જો આ ફરિયાદ સાબીત થાય તો તમે ઉચ્ચ ભણેલા, સરકારી જવાબદાર અધિકારી પોતાની ફરજ ઈરાદાપૂર્વક ચૂકી ને નૈતિક અધ:પતન (મોરલ ટરપીટયુડ)નો ત્રણ મહિનાની સજાનો ગુન્હો બને છે.

તમે બધા નોકરીમાંથી બરતરફ થાવ અને આટલા વર્ષની નોકરી તમારી પાણીમાં જાય તમને નિવૃત્તિના લાભ અને પેન્શન પણ મળે નહિ અને તમામ ‘રસ્તે રઝળતી વાર્તા’ થઈ જશો. આમ તો આ ફરિયાદ અને દસ્તાવેજી પૂરાવા જોતા આ કેસ સાબીત જ થયેલો છે. તમારા નિવેદન અને તમે લીધેલ મુસાફરી ભથ્થા તે ટેક્ષીકારનું ભાડુ ચૂકવ્યાનું વાઉચર જ આ ગુન્હા સાબીત કરે છે.

આ ચર્ચા થતા જ આ ચારેય અધિકારીની ટોળકી ગભરાઈ ગઈ અને કોઈ જાણકાર વકીલ પાસે પહોચ્યા વકીલે પણ કાગળો જોઈને કહ્યુંં ખૂબજ ગંભીર બાબત કહેવાય. ચારેય જણા આ રીતે બે ત્રણ ઓળખીતા વકીલોને મળ્યા પણ અભિપ્રાય આ બાબત ગંભીર હોવાનું જ કહ્યું હવે તો કેસ ચાલે અને ચુકાદો આવે તેટલી જ વાર હોવાનું કોઈકે કહ્યુ આથી ચારેય જણાના હાંજા ગગડી ગયા અને પોતાની ભૂલ અંગે જબરો અહેસાસ થયો અને જણાયું કે આપણે ફરજ સાથે માનવતા પણ ભૂલ્યા હતા તેનું આ પરિણામ આવ્યું છે.

જયદેવે તૈયાર થયેલ કેસ કાગળોની નકલો મરનાર છોકરાના કુટુંબીજનોને આપી કારના રજીસ્ટ્રેશન પેપર્સ ડ્રાઈવીંગ લાયસન્સ વિગેરેની નકલો આપી મોટર વ્હીકલ એકટ કલેઈમ ટ્રીબ્યુનલ (એમ.એ.સીટી)માં કલેઈમ દાખલ કરવાની સુવિધા કરી આપી પોતાની ફરજ પૂરી કરી.

બાબરા અદાલતમાં ફેટલ એકસીડેન્ટના ફોજદારી કેસમાં ટેક્ષીના ડ્રાઈવરને ત્રણ મહિનાની સજા થઈ. પરંતુ સેલટેક્ષના અધિકારીઓ વિરૂધ્ધ જે એન.સી. ફરિયાદો મુકેલી તે ફોજદારી કેસ તરીકે હજુ ચાલતા જ હતા. જે અધિકારીઓ જનતાને લાંબો સમય સુધી બેસાડીને કે ધકકા ધૂકકી કરાવતા હતા તેમણે દર મહિને ભાવનગરથી બાબરા લાંબો સમય આંટાફેરા માર્યા, કેસ ચલાવતા ન હતા કેમકે જોખમ હતુ અને જો નિવૃત્તિ થઈ જાય તો જફા છૂટે. તેવો તેમનો ઈરાદો હોય તારીખો લેતાજતા હતા.

એક વખત ચારેય જણા બાબરા પોલીસ સ્ટેશનમાં જયદેવને મળવા આવ્યા. હાથ જોડીને ચેમ્બરમાં આવતા જયદેવે તમામને ખુરશી ઉપર બેસાડી ચા-પાણી પાયા અને પુછયું કે કેસ પૂરો થાય તે પછી જીંદગી કેવી રીતે પસાર કરશો?’ માનો કે કેસ સાબીત થાય તો શું કરશો અને માનો કે કેસ છૂટી જાય તો શું કરશો’ સૌથી મોટી ઉંમરના અધિકારીએ કહ્યું જો સજા થાયતો હવે આ ઉમેરે શું થઈ શકે ધરમ ધ્યાન કરીશું અને સમાજ સેવા કરીશું.

જયદેવે કહ્યુંં કે સરકારે પગાર સાથે સમાજ સેવાનો મોકો આપ્યો હતો. ત્યારે તો જનતાની સેવા કરી નહિ અરે પેલો ઈજા પામનાર છોકરાને સારવારની જરૂર હતી તેને દવાખાને લઈ જવાની પણ માનવતા સુઝી નહિ તે ઉપરાંત જો મારી જેવા યુનિફોર્મ ધારીને પણ તમારી કચેરીમાં ટલ્લે ચડાવતા હોય તો તમે જીંદગીમાં જનતાની શું હાલત કરી હશે? હવે જયારે કુદરતે પોલીસ રૂપે સકંજો કસ્યો છે તો તમને આ બધી શાણી સેવાઓ યાદ આવી?

ચારેય જણા ગળગળા થઈ ગયા અને કરગરીને માફી માંગીને કહેવા લાગ્યા કે હવે જો મોકો મળશે તો સેવાના જ ધોરણે ફરજ બજાવીશું જયદેવે કહ્યું હવે ચુકાદો અદાલતના હાથમાં છે ભગવાનને પ્રાર્થના કરો. પરંતુ આરોપીના વકીલે સરકારી વકીલને કહ્યું ફોજદાર સાહેબને સમજાવો કાંઈક ઢીલુ મુકે.

સરકારી વકીલે જયદેવને વિનંતી કરી કે હવે આ વૃધ્ધત્વ ના આરે આવેલાઓને માટે માનવતા ખાતર રજૂઆત કરૂ છું કે તમે જો ચૂકાદા સામે અપીલમાં ન જાવ અને કાંઈ રીપોર્ટીંગ ન કરો તો કાંઈક રસ્તો નીકળે જયદેવે કહ્યું કે આ ચારેય આરોપીઓ બાકીની જીંદગીમાં માનવતા અને સમાજ પ્રત્યેની ફરજ બરાબર નિષ્ઠાથી બજાવે તે શરતે હું તમારી વિનંતી સ્વીકારુ છું આથી તે ચારેય જણા આ બાબતે સહમત થયા.

આરોપીઓના વકીલે અદાલતમાં દયાની અરજી કરી આરોપીઓના વૃધ્ધત્વ તરફ રહેમ રાખવા જણાવ્યું તથા ફોજદારે અપીલમાં નહિ જવાની બાંહેધરી આપ્યાનું જણાવ્યું સરકારી વકીલે તે વાતમાં સહેમતી આપી. અદાલતે ચારેય આરોપીઓને માનવતાના ધોરણે ‘ધ પ્રોબેશન એન્ડ ઓફેન્ડર એકટ’ની જોગવાઈ તળે રાહત આપી આરોપીઓને કોઈ સજા કે દંડ નહિ કરતા ફકત ઠપકાની સજા સંભળાવી.

ચારેય અધિકારીઓએ છૂટીને પોલીસ સ્ટેશનમાં આવી જયદેવનો આભાર માન્યો. જયદેવે કહ્યું આપેલ વચન તથા માનવ સેવા એજ પ્રભુ સેવા’નું પાલન કરજો.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.