Abtak Media Google News

કચ્છનાં તુણા બંદરેથી છેલ્લા ચાર દાયકાથી ચાલતી જીવંત પશુઓની નિકાસ સ્થગિત કરવાનાં કુનેહભર્યાં પગલાં બદલ મુંબઇના અને ગુજરાતના જીવદયાપ્રેમીઓ દ્વારા ગાંધીનગરના મુખ્ય મંત્રી કાર્યાલયમાં જઇને વિજયભાઇ રૂપાણીનું શાલ ઓઢાડી બહુમાન કરવામાં આવ્યું હતું.

આ વર્ષના ઓગસ્ટ મહિનામાં કચ્છનાં કલેક્ટર દ્વારા આદેશ બહાર પાડીને તુણા બંદરેથી થતી ગેરકાયદે નિકાસ રોકવામાં આવી તેની સામે નિકાસકારો ગુજરાત હાઇ કોર્ટમાં ગયા હતા.  હાઇ કોર્ટે તમામ કાયદાઓનું પાલન કરવાપૂર્વક નિકાસ કરવાની છૂટ આપી હતી, પણ જીવદયાપ્રેમીઓને જાણ થઇ હતી કે કાયદાઓનો ભંગ કરીને નિકાસ ફરી ચાલુ કરવામાં આવી છે ત્યારે તેમણે ગુજરાત સરકાર તેમ જ મુખ્ય મંત્રી વિજય રૂપાણીને પત્ર લખીને નિકાસ રોકવાની વિનંતી કરી હતી.

મુખ્ય મંત્રીશ્રી વિજય રૂપાણીએ કેન્દ્રના વાણિજ્ય મંત્રી સુરેશ પ્રભુને તા. ૧૪-૧૨-૨૦૧૮ના પત્ર લખીને જણાવ્યું હતું કે ‘‘ ભારત સરકારના વાણિજ્ય મંત્રાલયના તા. ૧૯ જુલાઇ, ૧૯૮૫ના નોટિફિકેશન મુજબ ગુજરાત સરકારના પશુપાલન ખાતાંને તુણા બંદરેથી થતી જીવંત પ્રાણીઓની નિકાસ બાબતમાં ક્વોરન્ટાઇન સર્ટિફિકેટ આપવાની સત્તા આપવામાં આવી છે.  આપને નોંધ લેવા વિનંતી છે કે વર્તમાનમાં કંડલા પોર્ટ અંતર્ગત તુણા બંદરે કે ગુજરાતનાં કોઇ બંદરે ક્વોરન્ટાઇનની સગવડ નથી. 

સ્થાનિક સરકારના વેટરનરી ડોક્ટર દ્વારા માત્ર આરોગ્યના હેતુથી સર્ટિફિકેટો આપવામાં આવતા હતા, જે ભારત સરકારના કાયદા તેમ જ નિયમો મુજબ અપૂરતા હતા. ભારત સરકારના પશુપાલન, ડેરી અને મત્સ્યોદ્યોગ ખાતાંના તા. ૧૦-૯-૨૦૧૮ અને તા. ૪-૧૦-૨૦૧૮ના પત્ર મુજબ અને એનિમલ વેલ્ફેર બોર્ડના તા. ૧-૧૦-૨૦૧૮ના પત્રોના અનુસંધાનમાં ગુજરાત સરકાર દ્વારા આરોગ્યનું સર્ટિફિકેટ આપવાનું તાત્કાલિક અસરથી બંધ કરવામાં આવ્યું છે. 

હું આપને અનુરોધ કરું છું કે કંડલા પોર્ટના તુણા બંદરે જ્યાં સુધી ક્વોરન્ટાઇનની સગવડ ઊભી કરવામાં ન આવે ત્યાં સુધી જીવંત પશુની નિકાસની પરવાનગી આપવી નહીં. જો તેમ કરવામાં આવશે તો દેશની આબરૂને ધક્કો પહોંચી શકે છે.’’

જીવદયાપ્રેમીઓ દ્વારા ફરિયાદ કરવામાં આવી હતી કે તુણા બંદરેથી નિકાસ કરવા માટે જે પશુઓને લાવવામાં આવે છે તેમને ટ્રકમાં ઠાંસી ઠાંસીને ભરવામાં આવે છે, જેમાં ૧૯૬૦ના પશુ ક્રૂરતા નિવારણ ધારાનો ભંગ કરવામાં આવે છે. 

તેને રોકવા માટે ગુજરાત સરકારના ગૃહ વિભાગ દ્વારા કચ્છ (પશ્ચિમ) નાં પોલિસ સુપરિટેન્ડન્ટ પરીક્ષિતા રાઠોડને પત્ર લખીને જણાવવામાં આવ્યું હતું કે ‘‘ પશુઓની હેરફેર દરમિયાન તેઓને કોઇ શારીરિક, માનસિક તકલીફ ન પડે તથા હેરફેર દરમિયાન રોગનો ભોગ ન બને તે માટે પોલિસ તંત્ર તથા પશુપાલન પ્રભાગ દ્વારા ખાસ કાળજી રાખવાની રહે છે. 

એ બાબત ધ્યાને આવેલ છે કે પશુઓની હેરફેર દરમિયાન વાહનમાં મર્યાદા કરતાં વધારે પશુઓ ભરવામાં આવે છે.

(૧) પશુઓની હેરફેરના કેસોમાં નિયમોનું યોગ્ય પાલન થાય તે સારુ આપના વિસ્તારમાં જરૂરિયાત જણાય ત્યાં ખાસ ચેકપોસ્ટ ઊભી કરવી. 

(૨) આ ચેકપોસ્ટ પર પોલિસના અધિકારી/કર્મચારીઓ, પશુપાલન પ્રભાગના પ્રતિનિધિ તથા જીવદયા સંસ્થાના પ્રતિનિધિ પૂર્ણ સમય માટે હાજર રહેશે.

(૩) પોલિસ તંત્ર દ્વારા તે બાબતની ખાસ કાળજી રાખવાની રહેશે કે નિયમોની જોગવાઇ અનુસાર પશુઓની હેરફેર થઇ રહી છે કે કેમ?

(૪) પશુપાલન પ્રભાગના અધિકારી એ બાબતની ખાત્રી કરશે કે પશુઓની હેરફેર માટે જરૂરી દસ્તાવેજો તથા તેમને યોગ્ય ખોરાકની સગવડતા છે કે કેમ? 

પશુઓની હેરફેર માટે નિયત કરવામાં આવેલી જોગવાઇઓ પરિપૂર્ણ થાય છે કે કેમ? 

અને જ્યાં જરૂર જણાય ત્યાં નિયમો મુજબ ગુનેગારો ઉપર કેસ દાખલ કરવામાં આવશે. 

ઉક્ત સૂચનાઓનો તાત્કાલિક અસરથી અમલ કરવો.’’

તુણા બંદરેથી નિકાસ કરવા માટેનાં ઘેટાંબકરાં કચ્છમાં પ્રવેશ જ ન કરી શકે તે માટે ગુજરાતના કૃષિ, ખેડૂત કલ્યાણ અને સહકારી વિભાગ દ્વારા તા. ૧૪-૧૨-૨૦૧૮ના નોટિફિકેશન બહાર પાડવામાં આવ્યું તેમાં લખવામાં આવ્યું હતું કે ‘‘ગુજરાતના ઘણા વિભાગોમાં અપૂરતા વરસાદને કારણે અછતની પરિસ્થિતિ જાહેર કરવામાં આવી છે. 

રાજ્યના અછતગ્રસ્ત વિસ્તારના પશુઓ ચારાની તંગીને કારણે નબળાં પડી ગયાં છે અને ચેપી રોગોનો ભોગ બને તેવી સંભાવના છે; માટે કોઇ પણ અછતગ્રસ્ત વિસ્તારમાં પશુઓની અવરજવર પર નિયંત્રણો મૂકવા જરૂરી છે. 

માટે ગુજરાત એસેન્શિયલ કોમોડિટીઝ એન્ડ કેટલ (કન્ટ્રોલ) એક્ટ, ૨૦૦૫ની કલમ (૪)(૧)(બી) મુજબ મળેલી સત્તાની રૂએ ગુજરાત સરકાર રાજ્યના અછતગ્રસ્ત વિસ્તારોમાં કોઇ પણ બહારના પશુને લઇ જવા પર પ્રતિબંધ મૂકે છે.’’

ગુજરાત સરકારના પશુપાલન ખાતાંના ડિરેક્ટરે તા. ૧૪-૧૨-૨૦૧૮ના રોજ કંડલાના કસ્ટમ કલેક્ટરને પત્ર લખીને જણાવ્યું હતું કે ‘‘તુણા બંદરેથી નિકાસ થતાં પશુઓ માટે કેન્દ્ર સરકારના પશુપાલન, ડેરી અને મત્સ્યોદ્યોગ ખાતાં દ્વારા ક્વોરન્ટાઇન અને સર્ટિફિકેટ આપવાની યોગ્ય વ્યવસ્થા ઊભી ન થાય ત્યાં સુધી કંડલાના તુણા બંદરેથી જીવતાં પશુની નિકાસ કરવાની પરવાનગી આપવી નહીં. 

આ બાબતમાં ભારત સરકાર દ્વારા જે માર્ગદર્શિકા બહાર પાડવામાં આવી છે તેનો અમલ કરવામાં નહીં આવે તો દેશની છાપ બગડી શકે છે અને દેશનાં હિતોને નુકસાન પણ પહોંચી શકે છે.’’

ઉપરોક્ત તમામ પગલાંઓ ઝડપથી લઇને તાત્કાલિક જીવંત પશુઓની નિકાસ બંધ કરવાનું જે પગલું ગુજરાત સરકારે લીધું તે બદલ જીવદયાપ્રેમીઓ દ્વારા મુખ્ય મંત્રીશ્રી વિજય રૂપાણીનું તા.૧૭ ડિસેમ્બરે બહુમાન કરવામાં આવ્યું હતું. 

જીવદયાપ્રેમીઓ દ્વારા મુખ્ય મંત્રીને વિનંતી કરવામાં આવી હતી કે ગુજરાતમાંથી જીવંત પશુની નિકાસ કાયમ માટે અટકી જાય તે માટે કંઇક કરવું જોઇએ. 

મુખ્યમંત્રી દ્વારા તેમને આ રજૂઆત કેન્દ્ર સરકાર સમક્ષ કરવાની સલાહ આપવામાં આવી હતી. 

મુખ્ય મંત્રી દ્વારા અછતગ્રસ્ત પશુઓ માટે સબસિડી વધારવાની ખાતરી પણ આપવામાં આવી હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.