Abtak Media Google News

પોલીસે સોંપેલા આરોપીને ભગાડયાના આક્ષેપ સાથે આહિર અગ્રણીઓના ટોળા એ ડિવીઝને ઉમટયા

જુનાગઢમાં આહિર પરીવારની દિકરીને લલચાવી ફોસલાવી આગળ ભણાવવાનું કહી યુવક તેમજ તેમના પરીવાર સામે ગઈકાલે એ ડિવીઝન પોલીસને દેવાણંદભાઈ ગોવાભાઈ કરમુરે ફરિયાદ આપી હતી કે, યુવતીને ભણાવવાની લાલચ આપી જુનાગઢનો જ વિરલ પટાટ ધરમાંથી રૂપિયા ૭ લાખ રોકડા તેમજ આશરે ૫૫ તોલા સોનું લઈ ભાગેલી યુવતી પાસેથી આ મુદામાલ ઓળવી ગયાની ફરિયાદ પોલીસ સ્ટેશને નોંધાવતા પોલીસે આરોપી વિરલ પટાટ સહિત તેમના ભાઈ નિકુલ તેમની પત્ની તેમજ તેમના સસરા સામે ગુનો નોંઘ્યો હતો.

ગઈકાલે બનેલ આ ઘટનામાં આગળના દિવસે યુવતીના પરીવારે ડીવાયએસપી રાણા સાથે સંકલન સાધી આરોપી વિરલને એ ડિવીઝન પોલીસ સ્ટેશન સોંપ્યો હતો. જયાંથી વિરલ સંડાસના છાપરા ઉચકાવી નાસી ગયો હતો આ બાબતને યુવતીના પરીવારે ગંભીર ગણાવી મુદામાલ રીકવર કરવાને બદલે પોલીસે આરોપીને માથે રહી ભગાડયાનો સણસણતો આક્ષેપ કર્યો હતો.

બનાવની પોલીસ તેમજ સુત્રો પાસેથી મળતી વિગત અનુસાર શહેરના દોલતપરા વિસ્તારમાં રહેતા દેવાણંદભાઈ ગોવાભાઈ કરમુર જાતે.આહિર (ઉ.વ.૪૫) વાળાની દિકરી રીંકલને એજ વિસ્તારમાં રહેતા વિરલ પટાટે આગળ ભણવાની લાલચ આપી અને આગળ ભણવા માટે રૂપિયાની જરૂર પડશે તેવું કહી ઘરમાંથી ૭ લાખ રોકડા તેમજ આશરે ૫૫ તોલા સોનું લઈ ઘરેથી નાસવામાં ઉશ્કેરેલ છે.

બાદમાં યુવતી પાસેથી મુદામાલ ઓળવી જઈ યુવતીને વેંચી નાખવાના ઈરાદે દિવમાં રાખેલ આ ઘટનાક્રમમાં આરોપી વિરલને તેમના ભાઈ, સસરા, પત્નિ સહિતનાઓ ઉપર આ કારસ્તાનમાં એકબીજાને મદદગારી કર્યાના આક્ષેપ રીંકલના પિતા દેવાણંદ ભાઈએ કર્યા હતા. ગત તા.૨૮ જાન્યુઆરીની આ ઘટના બાદ પોલીસ યુવતી અને યુવક સુધી પહોંચે તે પહેલા યુવતીનો પરીવાર તેમના સુધી પહોંચી ગયો હતો.

જે-તે સમયે યુવતી પાસેથી ઓળવી ગયેલ મુદામાલ આરોપી પાસે જ હોવાનું કહી ડીવાયએસપી તેમજ યુવતીના પરીવારે આરોપીને એ ડિવીઝન પોલીસને સોંપ્યો હતો જયાંથી યુવક સંડાસના છાપરા ઉચકાવી નાસી ગયો હોવાનું પોલીસે પરીવારને જણાવતા આ વાત પરીવારના ગળે ઉતરી ન હતી.

પરીણામે આહિર આગેવાનો અને લોકોના ટોળા એ ડિવીઝન પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા. ૨૦૦ જેટલા લોકોના ટોળાએ એ ડિવીઝન પોલીસ સ્ટેશનને એક તબકકે રીતસર બાનમાં લીધુ હતું. રાજકીય આગેવાન, ધારાસભ્ય ભીખાભાઈ જોષીના પ્રતિનિધિ મનોજભાઈ જોષી તેમજ ભાજપના આગેવાન પુનિત શર્મા સહિતનાઓએ મધ્યસ્થી કરી ઘટના બાદ ઉપસ્થિત થયેલ ડીવાયએસપી રાણાએ પોલીસની તટસ્થ પારદર્શક અને કડક કાર્યવાહીની ખાત્રી આપ્યા બાદ મામલો થાળે પડયો હતો.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.