Abtak Media Google News

ન્યારી ડેમમાં દૈનિક ૭ એમસીએફટી નર્મદા નીર છોડાશે

રાજકોટ શહેરને સ્થાનિક જળાશયો આજી, ન્યારી, ભાદર અને નર્મદા કેનાલ મારફત પાણી મેળવી દૈનિક ૨૦ મિનીટ પાણી વિતરણ કરવા આવે છે. અગાઉ શહેરનો પાણીનો પ્રશ્ન ખુબજ વિકટ હતો, પરંતુ ભારતના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ સૌની યોજના હેઠળ સૌરાષ્ટ્રના ડેમોને જોડવાની યોજના બનાવેલ. જેના અનુસંધાને મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ મચ્છુ૦૧ થી આજી૦૧ ડેમ સુધીની નર્મદાના નીરની પાઈપલાઈનનું રૂ.૪૩૨ કરોડના ખર્ચે સમય મર્યાદા પહેલા જોડાણ કરી આજી જળાશયમાં નર્મદા નીર પહોંચાડેલ અને પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના વરદ્ હસ્તે નર્મદા નીરના વધામણા કરવામાં આવેલ.

રાજકોટ શહેરમાં વસ્તી તથા વિસ્તારમાં ખુબજ વધારો થયેલ છે જેના કારણે પાવાના પાણીની સમસ્યા ન રહે તે માટે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી અને રાજ્ય સરકાર દ્વારા સૌની યોજના હેઠળ મચ્છુ૦૧ થી ડેમને પણ જોડવાની પાઈપલાઈનની કામગીરી હાથ ધરી હતી જે હાલ પૂર્ણતાના આરે છે.

નર્મદાનું પાણી કાલે રાઉકી ગામ ખાતે છોડવામાં આવશે અને ત્યાંથી ન્યારી ડેમમાં નર્મદાનું પાણી ઠલવાશે. નર્મદા યોજના દ્વારા એક પંપ ચાલુ કરવામાં આવે તો દરરોજનું ૭ એમ.સી.એફ.ટી પાણી ન્યારી ડેમમાં ઠલવાશે.

જેના અનુસંધાને આજે મેયર બિનાબેન આચાર્ય, રાજકોટ શહેર ભાજપ પ્રમુખ કમલેશભાઈ મીરાણી, ડેપ્યુટી મેયર અશ્વિનભાઈ મોલીયા, મ્યુનિસિપલ કમિશનર બંછાનિધિ પાની, શાસક પક્ષ નેતા દલસુખભાઈ જાગાણી, દંડક અજયભાઈ પરમાર, વોટરવર્કસ કમિટી ચેરમેન દેવરાજભાઈ મકવાણા તેમજ સંબધક અધિકારીઓ, ડેમની સ્થળ મુલાકાત લેનાર છે.

કુલ ૨૫ ફૂટની ઊંડાઈ ધરાવતા ડેમમાં હાલ જળસપાટી ૮.૩૬ ફૂટ એટલે કે, તેમાં ૨૦૭ એમ.સી.એફ.ટી. પાણી છે જે મે ની શરૂઆત સુધી આ જથ્થો ચાલે એમ છે પરંતુ ન્યારી ઝોન હેઠળના વિસ્તારોને આગામી ચોમાસા સુધી નિયમિત પાણી પૂરું પાડી શકાય તે માટે સૌની યોજના મારફત પાણી મળવાનું શુરૂ થતા પાણી સમસ્યા હલ થઇ જશે. ડેમની અગાઉની કુલ ઊંડાઈ ૬.૬૫ મીટર હતી અને તેની ક્ષમતા ૯૪૪ એમ.સી.એફ.ટી. જલસંગ્રહની હતી. ત્યારબાદ ડેમની ઊંચાઈ ૧ મીટર વધારવામાં આવતા કુલ ઊંડાઈ ૭.૬૫ મીટર (૨૫ ફૂટ) થઇ છે અને ડેમની કુલ જલસંગ્રહ ક્ષમતા ૧૨૪૮ એમ.સી.એફ.ટી થયેલ છે એટલે કે, ડેમની પાણી સંગ્રહની ક્ષમતામાં ૩૩%નો વધારો થયેલ છે.

આ પાઈપલાઈનને મળતી ડેમમાં રોજનું ૭ એમ.સી.એફ.ટી. ઠલવાશે. વિસ્તૃત રીતે જોઈએ તો પ્રતિ કલાક ૮૨૩૨ ક્યુબિક મીટર એટલે કે, પ્રતિ સેકન્ડ ૨૨૩૨ લીટર પાણી ડેમમાં આવશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.