Abtak Media Google News

છેલ્લા ૧૮ વર્ષથી વરતારાઓ ખોટા પડે છે: ચેરમેન પંડયા: વરતારા વિરોધ કાર્યક્રમોનું આયોજન

દુનિયાનાં લોકોએ વિજ્ઞાન ટેકનોલોજી, નેનોની મદદથી અસાધારણ પ્રગતિ કરી છે. તેના આપણે સૌ સાક્ષી છીએ. માનવજાત વિજ્ઞાનની મદદ વિના એક સેક્ધડ પણ ચલાવી શકે તેમ નથી. પૃથ્વી ઉપર કોઈપણ બનતી ઘટનાઓ ઉપર વિજ્ઞાન સચોટ દ્રશ્ય-શ્રાવ્ય કારણ રજુ કરે છે. વિજ્ઞાન અને હવામાન ખાતું વરસાદ સંબંધી સચોટ કારણ આપે છે ત્યારે વરસાદનાં વરતારાઓ કરનારા પાસે એકપણ કારણ વિજ્ઞાનની કસોટીમાં નીકળે તેવું કારણ આપી શકતા નથી એટલે ૨૧મી સદીમાં વર્ષા પરિસંવાદો બંધ કરવા ભારત જન વિજ્ઞાન જાથાની રાજય કચેરી અપીલ કરે છે. વરસાદનાં વરતારાનું પ્રથમ ચરણમાં જ કડડભુસ થયું છે. તેથી વરતારાની જાહેરમાં હોળી કરી સત્ય હકિકતનું ઉજાગર કરવામાં આવશે. વાયુ વાવાઝોડા સંબંધી વિસ્તૃત માહિતી આપવામાં આવશે.

જાથાનાં રાજય ચેરમેન અને એડવોકેટ જયંત પંડયાએ જણાવ્યું કે, જુનાગઢમાં વર્ષા પરિસંવાદમાં વરસાદનાં વરતારાઓનો પ્રથમ ચરણમાં જ કરૂણ રકાસ થયો છે તેના કારણમાં વરતારા કરનારા પાસે વિજ્ઞાનની કસોટીમાં પાસ થાય તેવા એકપણ ઉપકરણ નથી. તેથી આ વર્ષે પણ મે-જુનમાં વાવાઝોડુ, વરસાદ, વાવણીલાયક વરસાદ, નકારાત્મક આગાહીઓનો કરૂણ રકાસ થઈ બોગસનું બિરૂદ પ્રાપ્ત થયું છે. તેથી વર્ષા પરિસંવાદો વર્તમાન સમયમાં અપ્રસ્તુત, અતાર્કિક હોય કાયમી બંધ કરવા જોઈએ.  વરતારા કરનાર પાસે વૈજ્ઞાનિક એકપણ ઉપકરણ, સિઘ્ધાંત, પ્રયોગસિદ્ધ સાધનો નથી. વરતારા કાયમી બંધ થઈ જાય તો સમાજ, ખેડુતને કોઈ નુકસાન થવાનું નથી. પૃથ્વી ઉપર અતિવૃષ્ટિ, દુષ્કાળ, વાવાઝોડુ, ભુકંપ કે અણધારી આફત આવે છે તે કુદરતનાં નિયમો, પ્રાકૃતિક કારણોસર તટસ્થતાપૂર્વકનાં હોય છે. તેમાં અનેક પરિબળો સમાયેલા છે. વિજ્ઞાન પાસે સચોટ કારણો સાચા-ખોટાનાં હોય છે. જયારે વરતારા કરનારા પાસે કશું જ નથી.

જાથાના પંડયાએ જણાવ્યું કે, વરસાદની સ્વીચ વરતારા કરનારા પાસે હોય તેવી રીતે અસ્પષ્ટ તારીખ જાહેરાત કરે છે, કેટલા ઈંચ પડશે તેની મુર્ખામી પણ કરી નાખે છે. કોઈ એક જુનમાં વરસાદ પડશે તો બીજો દિવાળી સુધી વરસાદ. માત્ર ગોપગોળાની એક આગાહી સાચી પડે તો પ્રસિદ્ધમાં પડી જાય છે. જાથાના પંડયાએ જણાવ્યું કે, ૨૧મી સદીમાં પૃથ્વી, વિષુવવૃતના પટ્ટા ઉપર ઋતુચક્ર, વાતાવરણમાં ધરખમ ફેરફારો થઈ ગયા છે. ગરમીનું પ્રમાણ વધી ગયું છે. પૃથ્વી રાત્રિના ઠંડી થવી જોઈએ તેમાં ફેરફારો નોંધાયા છે. કાર્બન ડાયોકસાઈડ, નાઈટ્રોજનને સપ્રમાણ રાખવા વૈજ્ઞાનિકો મથી રહ્યા છે. પૃથ્વી ઉપર વરસાદ પડવા સંબંધી અસાધારણ ફેરફારો વિશ્ર્વના લોકો નજરે જોવે છે. વાસ્તવમાં આગાહીકારોની નકારાત્મક ભૂમિકા સ્પષ્ટ થાય છે. લોકોને પછાત રાખવાનું ષડયંત્ર છે. વરતારાનો વિરોધ કાર્યક્રમ અમદાવાદ, રાજકોટ, અમરેલી, પોરબંદર, જામનગર, મોરબી, બોટાદ, નવસારી, સુરત, કચ્છ જિલ્લાનાં તાલુકાનાં ગ્રામ્ય મથકે કાર્યક્રમનું આયોજન ગોઠવવામાં આવ્યું છે. વર્ષા પરિસંવાદનાં વરસાદનાં વરતારા બંધ કરવા સંબંધી જાથાની વિચારધારા સાથે સંમત લોકોએ મો.૯૮૨૫૨ ૧૬૬૮૯ ઉપર સંપર્ક સાધવા યાદીમાં જણાવાયું છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.