Abtak Media Google News

૩૮ ટકા યુવાનોએ ચાખ્યો છે દારૂ: ૩૬ ટકા યુવાનો હજુ સંસ્કારી: એમએસ યુનિવર્સિટી દ્વારા કરાયો સર્વે

કહેવાતા ગાંધીનાં ગુજરાતમાં યુવાનો દારૂનાં રવાડે ચઢયા હોવાનું પણ હાલ સામે આવી રહ્યું છે. વડોદરાની મહારાજા સૈયાજીરાવ મહાવિશ્વ વિદ્યાલય દ્વારા કરવામાં આવેલા સર્વેનાં આધારે એ વાત સ્પષ્ટ થઈ રહી છે કે, ૩૮ ટકા શહેરી યુવાધનને દારૂની લત લાગેલી છે. વડોદરા શહેર તે સંસ્કારી નગરી તરીકે ઓળખવામાં આવે છે ત્યારે એમ.એસ. યુનિવર્સિટી દ્વારા કરવામાં આવેલા સર્વેમાં ઘટસ્ફોટ થયો છે કે, શહેરનું યુવાધન કે જેની વય ૧૮ થી ૨૯ વર્ષ વચ્ચેની છે તેને દારૂની લત લાગી ગઈ છે. એમ.એસ.યુનિવર્સિટી દ્વારા ૯૦ યુવાનો પર સર્વે હાથ ધરવામાં આવ્યો હતો જેમાં દારૂ, તમાકુ તથા ગાંજાનાં સેવન અંગે આ સર્વે હાથ ધરાયો હતો. સર્વેમાં પ્રાપ્ત માહિતી મુજબ ૩૮ ટકા યુવાનો હાલ દારૂનું સેવન કરી રહ્યા છે જે એક તૃતીયાંશ ભાગ શહેરનાં યુવાનોમાંનું માનવામાં આવે છે.જયારે ૩૬ ટકા એવા યુવાનો છે કે જેને હજુ સુધી દારૂ ન ચાખ્યો હોય પરંતુ ચોંકાવનારી વિગત તો એ સામે આવી જયારે સર્વેમાં ખબર પડી કે ૬૪ ટકા યુવાનોમાંનાં ૩૮ ટકા યુવાનો દ્વારા હાલ દારૂનું સેવન કરવામાં આવે છે જયારે ૨૭ ટકા યુવાનો દ્વારા પહેલાનાં વર્ષોમાં દારૂનું સેવન કરવામાં આવ્યું હતું.

ભારત દેશમાં ગાંજા ઉપર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે જે અંગે સરકાર ખુબ જ કડકાઈથી તે નિયમનું પાલન કરાવવા માટે અનેકવિધ પ્રકારે કાર્ય કરી રહી છે. સાથોસાથ જાગૃતિનાં પણ કાર્યક્રમો સરકાર દ્વારા હાથ ધરવામાં આવી રહ્યા છે પરંતુ સર્વેમાં ૧૨ ટકા યુવાનો એવા છે કે જે હજુ પણ ગાંજાનું સેવન કરે છે. આ આંકડાઓ સામાન્ય માનવામાં આવે છે પરંતુ સ્થાનિક તંત્ર અને રાજય સરકારે આ આંકડાને ખુબ જ ગંભીરતાથી લેવું પડશે. કારણકે મુખ્યત્વે દારૂ, તમાકુ અને ગાંજાનું સેવન કરનારા સૌથી વધુ યુવાનો છે કે જે દેશ માટેની મુડી પણ માનવામાં આવે છે. આ અંગે એમ.એસ.યુનિવર્સિટી રજત સરોહાએ માહિતી આપતાં જણાવ્યું હતું કે, તેમનાં ડેઝરટેશનનાં ભાગરૂપે આ સર્વે હાથ ધરવામાં આવ્યો હતો.

સર્વેમાં જણાવ્યા અનુસાર શહેરનાં ૮૦ ટકા યુવાનો તમાકુનું સેવન કરતાં નજરે પડયા છે ત્યારે જે યુવાનો તમાકુનું સેવન કરે છે અને જે ૮૦ ટકાનો આંકડો સામે આવ્યો છે તે માત્ર ગત એક માસનો છે જે સમય દરમિયાન આ અંગે સર્વે હાથ ધરવામાં આવ્યો હતો. સાથોસાથ ૧૧ ટકા એવા પણ યુવાનો સામે આવ્યા છે કે જેઓ ગત વર્ષથી તમાકુનું સેવન બંધ કરી દીધું હોય. સર્વેમાં કરવામાં આવેલા ઘટસ્ફોટ બાદ તારણ એ પણ કાઢવામાં આવી રહ્યું છે કે, સમય પ્રમાણે બદલતી કલ્ચરલ વેલ્યુ આર્થિક સમસ્યા તથા પરિવારજનો પાસેથી મળતો સાથ-સહકારનાં અભાવે યુવાનો ખોટી દિશા તરફ વળ્યા હોય.

આ તકે એમ.એસ.યુનિવર્સિટીનાં રજત સરોહાએ માહિતી આપતા જણાવયું હતું કે, આ તો માત્ર વડોદરા શહેરનો જ ડેટા માત્ર ૯૦ યુવાનો પાસેથી જ પ્રાપ્ત કરવામાં આવ્યો છે પરંતુ જરૂરી એ છે કે, આ અંગેનો ડેટા સમગ્ર ભારત દેશમાંથી પ્રાપ્ત કરવામાં આવે અને એ પણ માહિતી મેળવવામાં આવે કે કયાં કારણોસર યુવાનોને આ અંગેની ખરાબ લત લાગી હોય. ત્યારે સરકારે પણ સ્વસ્થ જીવનધોરણ અને રાજયમાં ગેરરીતી આચરતાં લોકો સામે પણ લાલ આંખ કરવી જોઈએ અને આ પ્રકારની ઘટનાને અંજામ ન મળે તે દિશામાં પગલા પણ લેવા જોઈએ પરંતુ હાલ એ વાત નકકી અને સાચી છે કે ગાંધીનાં ગુજરાતમાં હાલ યુવાનો દારૂનાં રવાડે ચઢયા છે.

યુવાધન જોખમમાં: રોડ અકસ્માતની સંખ્યામાં અડધોઅડધ યુવાનોનો ભોગ લેવાય છે

ગુજરાત રાજય સરકાર દ્વારા હાથ ધરવામાં આવેલા સર્વેમાં એ વાત સામે આવી છે કે, રોડ-અકસ્માતની સંખ્યામાં અડધો અડધ યુવાનોનો ભોગ લેવાય છે કે જેમની આયુ ૧૮ થી ૩૫ વર્ષ વચ્ચેની છે. ૨૦૧૮માં ૭૯૯૬ ફેટલ કેસોમાંથી ૪૦૦૭ યુવાનો કે જેમની વય ૧૮ થી ૨૫ વર્ષની છે. જેમાં ૧૪૬૨ પુરુષો અને ૨૩૪ મહિલાઓ નોંધાયા છે. સાથોસાથ અકસ્માતમાં તેમનાં દ્વારા ઓવરસ્પીડ તથા હેલ્મેટ અને શીલ્ટબેલ્ટનો ઉપયોગ ન કરતા હોવાનું પણ સામે આવ્યું છે. રાજય સરકાર માટે ૨૦૧૮નું વર્ષ આંખ ઉઘાડનારું બન્યું છે જેમાં હાઈસ્પીડ ડ્રાઈવીંગ તથા દારૂ, ડ્રગ્સ સાથે ચલાવવામાં આવતી ગાડીઓ હેલ્મેટનો નહિવત ઉપયોગ સહિત અનેક મુદાઓનાં કારણે મૃતકોએ રોડ અકસ્માતમાં પોતાનાં જીવ ગુમાવ્યા છે. સર્વેમાં એ પણ વાત સામે આવી છે કે,

મહતમ અકસ્માતો ક્રોસ રોડનાં કારણે પણ થયા છે તથા ટ્રાફિક લાઈટ અડચણરૂપ થતાં આ ઘટના ઘટતી હોય છે. ચોંકાવનારી વાત તો એ છે કે ટ્રાફિક જવાનો જંકશન પર તૈનાત હોવા છતાં અકસ્માતનું પ્રમાણ વઘ્યું હોવાનું પણ સામે આવ્યું છે.

૨૦૧૮માં સ્ટેટ રોડ અને પરિવહન વિભાગ દ્વારા જે અકસ્માતો થયા છે તે અંગે સર્વે હાથ ધરવામાં આવ્યો હતો જેમાંથી ૧૩૦ ફેટલ કેસો એવા નોંધાયા છે કે જયારે ટ્રાફિક લાઈટ ચાલુ હોય. જયારે સર્વેમાં બીજું તારણ એ પણ સામે આવ્યું છે કે, રોડ અને વાહનોની ખરાબ સ્થિતિ, નબળી દ્રષ્ટી અને રોડની જે ડિઝાઈન અને તેનાં માટે જે એન્જીનીયરો દ્વારા કરવામાં આવતી નબળી કામગીરી પણ અકસ્માતોમાં વધારો નોંધાયો છે. બે વરીષ્ઠ ટ્રાન્સપોર્ટ અધિકારીનાં જણાવ્યા અનુસાર રોડ એકસીડેન્ટનું મુખ્ય કારણ નબળા રોડની કામગીરી અને તેની ડિઝાઈન પણ માનવામાં આવે છે જયારે સિંગલ અને ટુ-લેન્ડ રોડમાં તિક્ષ્ણ વળાંક પણ કારણભુત છે રોડ અકસ્માતમાં.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.