Abtak Media Google News

ઉત્તમ પુસ્તકો વાંચકો અને ખાસ કરીને યુવા પેઢી સુધી પહોંચે તે માટે તેઓ આજીવન કાર્યરત રહ્યા

રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીના પુત્ર અને ‘ઝવેરચંદ મેઘાણી સ્મૃતિ સંસ્થાન’ના સ્થાપક પિનાકી મેઘાણીના પિતા નાનકભાઈ ઝવેરચંદ મેઘાણીની આજે પાંચમી પૂણ્યતિથી છે. તેમની પુણ્યતિથિએ ભાવાંજલિ અર્પણ થશે. પ્રધાન મંત્રી નરેન્દ્રભાઈ મોદીએ, તે સમયે, સ્વ. નાનકભાઈ મેઘાણીના નિધન અંગે ઊંડા દુ:ખની લાગણી વ્યક્ત કરી હતી જે ખાસ ઉલ્લેખનીય છે.

રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીના ત્રીજા સંતાન નાનકભાઈનો જન્મ ભાવનગરમાં ૨૯ ડિસેમ્બર ૧૯૩૧ના દિવસે થયો હતો. જોડિયા-પુત્રો મસ્તાન-નાનક માંડ એકાદ વર્ષના હતા ત્યારે માતા દમયંતીબેનનું નિધન થયું. શાળા-શિક્ષણ બોટાદ, કડી અને અમદાવાદમાંથી મેળવીને મુંબઈની વિલ્સન કોલેજમાંથી ભૌતિક-વિજ્ઞાન (Physics) વિષય સાથે નાનકભાઈ સ્નાતક થયા. અભ્યાસમાં ખૂબ તેજસ્વી.

ઝવેરચંદ મેઘાણી કહેતા : ‘બુકસેલર તો પોતાના શહેરનો જ્ઞાનમાળી બની શકે’. આમાંથી પ્રેરણા લઈને નાનકભાઈ છેલ્લા પાંચ દાયકાઓથી  પુસ્તક-વ્યવસાય સાથે સંકળાયેલા રહ્યા. શરૂઆતના પાંચેક વર્ષ મોટાભાઈ મહેન્દ્રભાઈ મેઘાણી સાથે ભાવનગર સ્થિત લોકમિલાપમાં કાર્યરત રહ્યા. ત્યારબાદ ૧૯૬૧માં રાજકોટમાં ધર્મેન્દ્રસિંહજી કોલેજની સામે ‘સાહિત્ય મિલાપ’ની તેમજ ૧૯૭૭માં અમદાવાદ ખાતે ‘ગ્રંથાગાર’ની સ્થાપના કરી. ઉત્તમ પુસ્તકો વાંચકો અને ખાસ કરીને યુવા પેઢી સુધી પહોચે તે માટે તેઓ આજીવન કાર્યશીલ રહ્યા હતા. પુસ્તકો તેમના માટે આજિવિકાનું સાધન નહિ પણ તેમનું જીવન હતુ.

તેઓનું જીવન ખૂબ જ સાદું હતું. આજીવન ખાદીના વસ્ત્રો જ પહેર્યા. સ્વચ્છતાનાં પણ ખૂબ જ આગ્રહી. પોતાનાં કપડાં અને વાસણ જાતે ધોવા તેમજ પોતાનાં બાથરૂમની સફાઈ કરવાનો નિત્યક્રમને તેઓએ અંતિમ દિવસે પણ જાળવ્યો હતો. ‘Simple living and high thinking’ તેઓનું જીવન-સૂત્ર હતું.

પુત્ર પિનાકીના સતત પથદર્શક રહ્યા હતા. રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીના જીવન-કવનને નિરૂપતી વેબ-સાઈટ www. jhaverchandmeghani .com પણ સ્વ. નાનકભાઈનો સિંહફાળો હતો. ૩૦ જાન્યુઆરી ૨૦૧૪ – ગાંધી નિર્વાણ દિને રાજકોટની ઐતિહાસિક આલ્ફ્રેડ હાઈસ્કૂલ ખાતે ૩૦૦૦ જેટલાં બાળકોએ ગાંધી બાપુને સ્વયંસ્કૃર્ત પત્ર લખીને પોતાની લાગણીઓ વ્યક્ત કરી હતી. આ ઐતિહાસિક ઘટનાની સ્મૃતિ-રૂપે ચૂંટેલા પત્રોના સંકલિત અંશોની પુસ્તિકા ‘બાપુ, તમે ક્યાં છો’નું પ્રુફ પણ તેઓ ખૂબ ચીવટપણે નિધનના આગલે દિવસે જોઈ ગયા હતા.

“બાપુજી” ની ભેટની સંતાનો આતુરતાપૂર્વક રાહ જોતા

પોતાના દરેક સંતાનનાં જન્મદિવસે, વર્ષ દરમિયાન પ્રકાશિત થયેલાં પોતાના પુસ્તકો, ઝવેરચંદ મેઘાણી તેમને અચૂક ભેટ આપતા. દરેક પુસ્તકમાં સંતાન પર લાગણીભર્યો સંદેશો લખીને નીચે પોતાની સહી કરે. સંતાનો પણ પોતાના જન્મદિવસે ‘બાપુજી’ની આ મહામૂલી ભેટનો આતુરતાપૂર્વક રાહ જોતા.

પોતાના એક જન્મદિવસે, બંધુ-બેલડી નાનક-મસ્તાન ‘બાપુજી’ને વ્હાલથી ભેટ્યા અને ચરણ-સ્પર્શ કરીને આશીર્વાદ મેળવ્યા. ભેટ-પુસ્તકોમાં ‘લિ. ઝવેરચંદ’ તરીકે પિતા સહી કરવા જતા હતા, ત્યાં જ બન્ને ભાઈઓ કહે : ‘બાપુજી, ઝવેરચંદ તરીકે સહી કેમ ?’ પ્રેમાળ પિતા તરત જ પોતાના વ્હાલા પુત્રોની લાગણી પામી ગયા અને ‘બાપુજી’ તરીકે સહી કરી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.