Abtak Media Google News

કેબીનેટ મંત્રી કુંવરજીભાઇ બાવળીયા સહિતના અનેક વિધ મહાનુભાવોની ઉ૫સ્થિતિમાં મેળાનું ઉદઘાટન સમારોહ યોજાશે

અનેકવિધ સાંસ્કૃતિક કાર્યક્રમ અને ગ્રામિણ ઓલમ્પિક થકી લોક સાંસ્કૃતિને ઉજાગર કરાશે: ૪ સપ્ટેમ્બરે મેળાની પુર્ણાહુતિ

સુરેન્દ્રનગર જિલ્લાના તરણેતર ખાતે પ્રતિવર્ષની જેમ આ વર્ષે પણ તારીખ ૧ થી ૪ સપ્ટેમ્બર દરમિયાન લોકસંસ્કૃતિને ઉજાગર કરતો  ભાતીગળ લોકમેળો યોજાશે.

આ લોકમેળામાં તા. ૧ સપ્ટેમ્બરના રોજ ભાદરવા સુદ ત્રીજના દિવસે પાણી પુરવઠા મંત્રીશ્રી કુંવરજી બાવળીયાની ઉપસ્થિતિમાં સવારે ૧૦-૩૦ કલાકે ભગવાન શ્રી ત્રિનેત્રેશ્વર મહાદેવનું પુજન કરવામાં આવશે ત્યારબાદ સવારે ૧૧-૦૦ કલાકે ગ્રામિણ રમતોત્સવ અને વિવિધ સ્ટોલનું ઉદ્દઘાટન મંત્રીશ્રીના હસ્તે કરવામાં આવશે. રાત્રે તરણેતર ગ્રામ પંચાયત દ્વારા ભજન સંધ્યા કાર્યક્રમમાં રાવટીના કલાકારો ભગવાન ત્રિનેત્રેશ્વર મહાદેવના સાંનિધ્યમાં ભજન અર્ધ્ય અપર્ણ કરશે.

તારીખ ૨જી સપ્ટેમ્બરના રોજ ભાદરવા સુદ ચોથના દિવસે સવારે ૯-૦૦ કલાકે ટુરીઝમ કોમ્પલેક્ષ ખાતે પૂજન તથા ૧૦-૨૫ કલાકે પાળીયાદના પુ.  વિસામણ બાપુની જગ્યાના મહંતશ્રી પરમ પુજય નિર્મળાબા ઉનડ બાપુ દ્વારા સંતો-મહંતોની ઉપસ્થીતિમાં ત્રિનેત્રેશ્વર મંદિર ખાતે ધ્વજારોહણ કરવામાં આવશે, ત્યારબાદ રાત્રે ૯-૩૦ કલાકે માહિતી વિભાગ દ્વારા લોકડાયરો યોજવામાં આવશે.

તા. ૩ સપ્ટેમ્બરના રોજ ભાદરવા સુદ પાંચમના દિવસે સવારે ૫-૦૦ કલાકે ગંગા અવતરણ આરતી કરવામાં આવશે ત્યારબાદ સવારે ૮-૦૦ કલાક થી ૧૧-૦૦ કલાક દરમિયાન વિવિધ મેદાની રમતો જેવી કે, માટલા દોડ, રસ્સાખેંચ અને સ્લો સાયકલીંગ યોજાશે. સવારે ૯-૦૦ કલાકે મંદિર પરિસરમાં પરંપરાગત રાસ તથા હુડાનો કાર્યક્રમ યોજાશે. આ ઉપરાંત સવારે ૧૧-૦૦ કલાકે પ્રવાસન અને મત્સ્યદ્યોગ મંત્રીશ્રી જવાહર ચાવડા તેમજ રાજયકક્ષાના વાહન વ્યવહાર મંત્રીશ્રી ઈશ્વરસિંહ પટેલ ગુજરાત પ્રવાસન નિગમ લી.ના તોરણ ટુરીસ્ટ વિલેજની મુલાકાત તથા શિવ પૂજન અને ગ્રામિણ રમતોત્સવની મુલાકાત લેશે. આ અભિવાદન સમારોહમાં સાંસદશ્રી ડો. મહેન્દ્રભાઈ મુંજપુરા, ધારાસભ્યો સર્વશ્રી ઋત્વીકભાઈ મકવાણા, સોમાભાઈ પટેલ, પરસોત્તમભાઈ સાબરીયા, ધનજીભાઈ પટેલ, નૌશાદભાઈ સોલંકી, જિલ્લા પંચાયત પ્રમુખ કલ્પનાબેન ધોરીયા, પ્રવાસન નિગમના મેનેજીંગ ડિરેકટરશ્રી જેનુ દેવન સહિત મહાનુભાવો તથા પદાધિકારીશ્રીઓ ઉપસ્થિત રહેશે. ત્યારબાદ બપોરના ૨-૦૦ કલાક થી ૪-૩૦ કલાક સુધી રાસ-ગરબા, દોહા, છત્રી હરિફાઈ, વેશભૂષા હરીફાઈ, પાવા હરિફાઈ જેવા સ્ટેજ કાર્યક્રમો યોજાશે. સાંજે ૬-૩૦ કલાક થી ૭-૦૦ કલાક સુધી ઈનામ વિતરણ કરવામાં આવશે તથા સાંજે ૭-૦૦ કલાક થી ૭-૩૦ કલાક સુધી ગંગા આરતી કરવામાં આવશે અને તરણેતર ગ્રામ પંચાયત દ્વારા રાત્રે ૯-૩૦ કલાકે લોકડાયરો યોજાશે.

તા. ૪ સપ્ટેમ્બરના રોજ સવારે ૭-૦૦ કલાકે ગંગા વિદાય આરતી બાદ બપોરે ૧-૩૦ કલાકે મેળાની પૂર્ણાહુતી કરવામાં આવશે.

મેળામાં લોકસંપર્ક કાર્યક્રમ યોજાશે: મોદી સરકારની સિઘ્ધીઓનું મલ્ટી મીડિયામાં પ્રદર્શન કરાશે

ભારત સરકારના સૂચના અને પ્રસારણ મંત્રાલયને આધિન ગુજરાત પ્રદેશના પ્રાદેશિક લોકસંપર્ક કાર્યાલય દ્વારા આગામી વર્ષ દરમિયાન ગુજરાતના વિવિધ મેળાઓમાં કુલ ૩૩ જેટલા ઇન્ટિગ્રેટેડ કમ્યુનિકેશન આઉટરીચ પ્રોગ્રામ (લોક સંપર્ક કાર્યક્રમ)નું આયોજન થવા જઇ રહ્યું છે.

પ્રાદેશિક લોકસંપર્ક કાર્યાલય અમદાવાદની અખબારી યાદીમાં આ અંગેની માહિતી આપતા જણાવ્યું કે નાણાંકીય વર્ષ ૨૦૧૯-૨૦ દરમિયાન સમગ્ર ગુજરાતમાં યોજાતા વિવિધ લોકમેળાઓમાં લઘુ, મધ્યમ અને મોટા પ્રકારના આઇસીઓપી (લોક સંપર્ક કાર્યક્રમ)નું આયોજન કરવામા આવનાર છે. જેમાંનો એક કાર્યક્રમ સુરેન્દ્રનગરના તરણેતર ખાતે યોજાતા પ્રસિદ્ધ લોકમેળામાં ૦૧ થી ૦૪ સપ્ટેમ્બર સુધી યોજાઇ રહ્યો છે. કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ્ય કેન્દ્ર સરકારની વિવિધ જન કલ્યાણકારી યોજનાઓ અંગે સાચી અને સચોટ માહિતી સાથે આવશ્યક માર્ગદર્શન છેવાડાના માનવી સુધી પહોંચે તે છે. સાથે સરકારના વિવિધ અભિયાન જેવા કે ફિટ ઈન્ડિયા અભિયાન, સ્વચ્છ ભારત અભિયાન, બેટી બચાવો બેટી પઢાઓ અભિયાન, પોષણ અભિયાન, જલ સંરક્ષણ અભિયાનમાં લોક જાગરુતતા લાવવાનો પણ ઉદ્દેશ્ય રહેશે.  જેમાટે વિશાળ પ્રદર્શન સાથે સાસ્કૃતિક કાર્યક્રમો, વિવિધ સ્પર્ધાઓનું આયોજન, પત્રિકા વિતરણ તેમજ જિલ્લા વહીવટી તંત્રના વિવિધ વિભાગોના સ્ટોલ્સ એ આ કાર્યક્રમનાં મુખ્ય આકર્ષણ  રહેશે. તરણેતર ખાતેના મેળામાં સ્પષ્ટ ઇરાદા નિર્ણાયક પગલાં થીમ સાથે મોદી ૨.૦ સરકારના ૭૫ દિવસની કાર્ય સિદ્ધિ પર મલ્ટી મીડિયા પ્રદર્શન યોજાશે. જિલ્લા વહીવટી તંત્ર તેમજ તરણેતર ગ્રામ પંચાયતના સહયોગ સાથે આ કાર્યક્રમનું આયોજન થઇ રહ્યું છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.