Abtak Media Google News

૭૦ લાખ શહેરી નાગરિકોના હિતમાં મજબૂત અસરકારક જાહેર પરિવહન વ્યવસ્થા ગોઠવવામાં ભાજપ સત્તાધીશો તદ્દન નિષ્ફળ: મનીષ દોશી

સ્માર્ટ સિટીનું ખોટ કરતુ અમદાવાદ મ્યુનિસિપલ ટ્રાન્સપોર્ટ સર્વિસ -એ.એમ.ટી.એસ. સેવા ઘટવાની સાથોસાથ ખોટ વધારતું તંત્ર થઈ ગયું છે એ.એમ.ટી.એસ.ની ત્રણ વર્ષમાં ૧૦૦૦ કરોડ રૂપિયાની ખોટના નાણાંના સીધા લાભાર્થી ભાજપના પદાધિકારીઓ  મળતીયાઓ માટે લૂંટતંત્ર હોવાનો આક્ષેપ કરતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મુખ્ય પ્રવક્તા ડો. મનિષ દોશીએ ૭૦ લાખ શહેરી નાગરિકોના હિતમાં મજબૂત અસરકારક જાહેર પરિવહન વ્યવસ્થાની માંગણી કરતા જણાવ્યું હતું કે, અમદાવાદ મ્યુનિસિપલ ટ્રાન્સપોર્ટ વિભાગમાં વર્ષ ૨૦૧૫-૧૬માં રૂ. ૧૩૦.૪૦ કરોડની આવક થઈ અને રૂ. ૪૦૬.૯૧ કરોડનો ખર્ચ થયો, વર્ષ ૨૦૧૬-૧૭માં ૧૧૩.૯૯ કરોડની આવક થઈ ૪૨૧.૫૧ કરોડ ખર્ચ થયો, વર્ષ ૨૦૧૭-૧૮માં રૂ. ૧૧૨.૮૧ કરોડની આવક થઈ જ્યારે ખર્ચ રૂ. ૪૨૦ કરોડ થયો એટ્લે કે ૩ વર્ષમાં અમદાવાદ મ્યુનિસિપલ ટ્રાન્સપોર્ટમાં આવક રૂ. ૩૫૭.૨ કરોડની થઈ અને ખર્ચ ૧૨૪૮.૪૯ કરોડ રૂપિયા થયો એટલે માત્ર ૩ વર્ષમાં જ અમદાવાદ મ્યુનિસિપલ ટ્રાન્સપોર્ટે ૮૯૧.૨૯ કરોડની જંગી ખોટ કરી છે.

વર્ષ ૨૦૦૦ પહેલા એ.એમ.ટી.એસ. પાસે ૯૪૨ બસો પોતાની માલિકીની હતી, વર્ષ ૨૦૦૦થી ૨૦૧૯ સુધીમાં ૮૩ + ૧૦૨ એમ ૧૮૫ બસો પોતાની માલિકીની ખરીદવામાં આવી અને હાલ પોતાની માલિકીની માત્ર ૮૩ બસો છે તો ૧૦૨ બસો ક્યાં ગઈ ? એ.એમ.ટી.એસ. પાસે ૯૭૧ ડ્રાઈવર છે જેમાં ૮૯૫ કાયમી છે અને ૧૫૨૯ કંડ્કટર છે જેમાં ૯૮૭ કાયમી, ૫૦૯ કોન્ટ્રાક્ટ પર છે તો ૭૬ ડ્રાઈવર અને ૪૧ કંડ્કટર કઈ રીતે કામ કરે છે એ પણ પ્રશ્ન ઊભો થાય છે.

અમદાવાદ મ્યુનીસિપલ કોર્પોરેશન હદની ર્દષ્ટિએ અમદાવાદની વસ્તી ૭૦ લાખ છે અને બસોની સંખ્યા ૬૯૮ છે જે સામાન્ય દિવસોમાં રોડ ઉપર કાર્યરત હોય છે. એટલે કે દર ૧૦ હજાર અમદાવાદીઑ  શહેરી નાગરિકો સામે માત્ર એક જ એ.એમ.ટી.એસ. બસ ત્યારે સ્માર્ટ સીટીની મોટી મોટી જાહેરાત કરનાર જાહેર પરિવહન વ્યવસ્થા આપવામાં સદંતર નિષ્ફળ ભાજપ શાસકો પર આકરા પ્રહારો કરતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મુખ્ય પ્રવક્તા ડો. મનિષ દોશીએ જણાવ્યું હતું કે, અમદાવાદની આસપાસ અને સમગ્ર ગુજરાતમાંથી  આર્થિક ઉપાર્જન, તબિબિ સારવાર માટે અમદાવાદમાં રોજ લાખો લોકો એક જગ્યાએ થી બીજી જગ્યાએ જતાં હોય તે સમયે શહેરના પબ્લિક ટ્રાન્સપોર્ટની આવી કંગાળ હાલતને કેવા પ્રકારનો વહીવટ કહી શકાય ? જ્યારે એ.એમ.ટી.એસ. સતત ખોટ કરતું હોય અને બીજી બાજુ પ્રાઈવેટ કંપનીઑને મહિને ૧૨.૦૯ કરોડની ચૂકવણું કરવામાં આવતું હોય તે શહેરી નાગરિકોના ખીસ્સામાંથી વ્યવસ્થિત રીતે નાણાં ખંખેરવાનું લૂંટ તંત્ર બની ગયું છે.

એ.એમ.ટી.એસ. ના ખાનગીકરણના સત્તાવાર આંકડા જ સ્પષ્ટ છે વર્ષ ૨૦૧૨-૧૩માં એ.એમ.ટી.એસ. ના ૧૪૫ રૂટ પર વર્ષના કુલ ૩,૬૮,૫૮, ૨૮૮ કિ.મી. જ્યારે વર્ષ ૨૦૧૭-૧૮ માં ૯૯ રૂટો પર ૯૨,૦૪,૦૩૫ કિમી જ બસ ફેરવવામાં આવી. જ્યારે, ખાનગી ઓપરેટરોના લાભ માટે વર્ષ ૨૦૧૨-૧૩માં ૨૯ રૂટ પર પ્રાઈવેટ બસો ૨,૦૭,૦૭,૦૯૦ કિમી જ્યારે વર્ષ ૨૦૧૭-૧૮માં ૧૦૩ રૂટો પર ૪,૨૬,૨૧,૮૪૮ કિમી બસ ફેરવવામાં આવી એટલે એ.એમ.ટી.એસ. પોતાના ઓનરોડ વાર્ષિક ૨,૭૬,૫૪,૨૫૩ કિ.મી. નો ઘટાડો નોંધાયો જ્યારે પ્રાઈવેટ ઓપરેટરોને ફાયદો થાય તે માટે ૨,૧૯,૧૪,૭૫૮ કિ.મી. નો વધારો થયો આ છે ભાજપ સત્તાધીશોની સાજીદારી ભાગીદારીનું વધુ એક નમૂનેદાર ભ્રષ્ટાચારી મોડલ. તેમ કોંગ્રેસના પ્રવકતા ડો.મનીષ દોશીએ જણાવ્યું હતું.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.