Abtak Media Google News

૪૭માં સ્થાપના દિન નિમિતે ત્રણેય ઝોન કચેરીમાં રોશની, રંગોળી સ્પર્ધા અને ટીપરવાનનાં લોકાર્પણ સહિતનાં કાર્યક્રમો યોજાશે

રાજકોટ મહાનગરપાલિકાનાં ૪૭માં સ્થાપના દિન નિમિતે આગામી મંગળવારનાં રોજ બોલીવુડનાં ખ્યાતનામ સિંગર જાવેદ અલીની સંગીત સંઘ્યાનું આયોજન કરવામાં આવ્યું છે. આ ઉપરાંત ત્રણેય ઝોન કચેરીમાં રોશની, રંગોળી સ્પર્ધા અને ટીપરવાનનાં લોકાર્પણ સહિતનાં કાર્યક્રમો યોજાશે તેમ આજે કાર્યકારી મેયર અશ્ર્વિનભાઈ મોલીયા, સ્ટેન્ડિંગ કમિટીનાં ચેરમેન ઉદયભાઈ કાનગડ અને સમાજ કલ્યાણ સમિતિનાં ચેરમેન આશિષભાઈ વાગડીયાએ જણાવ્યું હતું.

તેઓએ વધુમાં ઉમેર્યું હતું કે, આગામી ૧૯મી નવેમ્બરનાં રોજ કોર્પોરેશનનો ૪૭મો સ્થાપના દિવસ છે. દર વર્ષે સ્થાપના દિવસે સંગીત સંઘ્યાનું આયોજન કરવામાં આવતું હોય છે. આ વર્ષે રેસકોર્સ સંકુલમાં રમેશભાઈ પારેખ ઓપન એર થીયેટર ખાતે રાજકોટની જનતા માટે બોલીવુડનાં ખ્યાતનામ સિંગર જાવેદ અલીની સંગીત સંઘ્યાનું આયોજન કરવામાં આવ્યું છે. જાવેદ અલીએ બજરંગી ભાઈજાન, જબ તક હે જાન, જોધા અકબર, ગજની, રાઝના, તુમ મિલે, ઈશકજાદે, બન્ટી ઔર બબલી, કલંક, જબ વી મેટ ઉપરાંત રોક સ્ટાર, દિલ્હી-૬ સહિતનાં આ ફિલ્મોમાં પોતાનો અવાજ આપ્યો છે. યુવાનોમાં તેઓ ખુબ જ લોકપ્રિય ગાયક તરીકે ઉભરી આવ્યા છે. ૪૭માં સ્થાપના દિન નિમિતે સંગીત સંઘ્યા ઉપરાંત કોર્પોરેશનની સેન્ટ્રલ, વેસ્ટ અને ઈસ્ટ ઝોન કચેરી ખાતે રોશનીનો ઝળહળાટ, રીક્રીએશન કલબનાં સહયોગથી રંગોળી સ્પર્ધા અને ડોર ટુ ડોર ગાર્બેજ કલેકશન માટે વધુ ૫૦ જેટલી ટીપરવાનનું લોકાર્પણ કરવા સહિતનાં વિવિધ કાર્યક્રમો યોજવામાં આવશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.