Abtak Media Google News

જાણીતા બિલ્ડર-ફિલ્મ નિર્માતા ભૂપતભાઈ બોદરે સહયોગ આપ્યો, દીકરાનું ઘરની ટીમ દ્વારા દીકરીઓને વિદાય અપાઈ

સેવા પ્રવૃતિથી દેશ વિદેશમાં ખ્યાતી પ્રાપ્ત બનેલુ દીકરાનું ઘર વૃધ્ધાશ્રમ તેની સેવા પ્રવૃત્તિથી સમાજમાં સ્વીકૃત બન્યું છે. ૨૦૧૮થી માતા પિતાની છત્રછાયા ગુમાવેલ તેમજ પિતાની છત્રછાયા ગુમાવેલ ૨૨ દીકરીઓનો જાજરમાન લગ્નોત્સવ વહાલુડીના વિવાહ શિર્ષક હેઠળ ધામધૂમપૂર્વક જાજરમાન રીતે રાજકોટના આંગણે યોજાઈ રહ્યો છે. જેના ભાગરૂપે ગત તા.૨૦ ડિસે.ના રોજ લગભગ ૧૦,૦૦૦થી વધુ લોકોની હાજરીમાં શહેર શ્રેષ્ઠીઓની ઉપસ્થિતિમાં તેમજ ગુજરાત રાજયનાં રાજયપાલ દેવવ્રત આચાર્યજીની ઉપસ્થિતિમાં ભવ્યતિભવ્ય લગ્નોત્સવ યોજાઈ ગયો જે સમગ્ર સૌરાષ્ટ્રમાં ચર્ચાનો વિષય બન્યો હતો. સમાજ જીવનના વિવિધ ક્ષેત્રોમાં લોકોએ આ ભવ્ય આયોજનને વ્યાપક પ્રતિસાદ આપ્યો હતો અને દીકરાનું ઘરની આ પ્રવૃત્તિને બિરદાવી હતી. માતા-પિતા વિહોણી અથવા પિતાની છત્રછાયા ગુમાવેલ દીકરીઓનાં જીવનમાં માતા પિતાની અથવા પિતાની ખોટ ન વર્તાય તેવા શુભ આશયથી દીકરાનું ઘર વૃધ્ધાશ્રમની ટીમ વૃધ્ધાશ્રમના માધ્યમથી એક આદર્શ પુત્ર તેમજ વહાલુડીના વિવાહની દીકરીઓનાં લગ્ન કરાવી પિતા બનવાનું સદભાગ્ય પણ મેળવી શકી છે. પ્રત્યેક દીકરીને કરીયાવર સ્વરૂપ ૩ લાખ રૂપીયાની માતબર રકમનો કરીયાવર આપવાની સાથોસાથ લગ્ન બાદ દીકરીઓને ગોવાનો યાદગાર પ્રવાસ પણ કરાવવાની જાહેરાત કરવામાં આવી હતી. શહેરના જાણીતા બિલ્ડર સમાજ સેવક યુવા અગ્રણી ફિલ્મ પ્રોડયુસર અને ભારતીય જનતા પાર્ટીના અગ્રણી ભુપતભાઈ બોદર શોભનાબેન બોદર, શિવમ અને જેમીન દ્વારા આ યાત્રાનું યજમાન પદ સ્વીકારવામાં આવ્યું હતુ તા.૨૦ના રોજ દીકરીઓને રાજકોટ રેલવે સ્ટેશન ઉપર ઉત્સાહભર્યા વાતાવરણની વચ્ચે વિદાય આપવામાં આવી હતી.

દીકરાનું ઘર વૃધ્ધાશ્રમ દ્વારા ભુપતભાઈ બોદરના સહયોગથી યોજાયેલ આ પ્રવાસમાં પ્રત્યેક નવદંપતિ માટે ગોવામાં રીસોર્ટ સાઈડસીન, ભોજન સહિતની તમામ વ્યવસ્થા કરવામાં આવેલ છે.પાંચ દિવસ સુધી આ પ્રવાસ યોજાશે તા.૨૬ના રોજ ગોવાથી પ્રવાસ પરત ફરશે. નવદંપતિને વિદાય આપવા રેલવે સ્ટેશને દિકરાનું ઘર પરિવારના મુકેશ દોશી, અનુપમ દોશી, સુનીલ વોરા, નલીન તન્ના, કિરીટભાઈ આદ્રોજા, હસુભાઈ રાચ્છ, અશ્ર્વીનભાઈ પટેલ, ગૌરાંગભાઈ ઠકકર, ધર્મેશભાઈ જીવાણી, ગુણુભાઈ ઝાલાડી, દોલતભાઈ ગદેશા, હિતેષભાઈ બગડાઈ, નૈમીષ કેસરીયા, કાશ્મીરા દોશી, કલ્પનાબેન દોશી, વર્ષાબેન આદ્રોજા, રાધીબેન જીવાણી, ફાલ્ગુનીબેન કલ્યાણી, ગીતાબેન એ. પટેલ સહિતના હાજર રહ્યા હતા. સમગ્ર પ્રવાસની વ્યવસ્થા દીકરાનું ઘર પરિવારના અશ્ર્વીનભાઈ પટેલ દ્વારા કરવામાં આવી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.