Abtak Media Google News

પાટીદાર સમાજને સત્તા અને સંગઠનમાં સ્થાન નહીં અપાય તો કોંગ્રેસને ગુજરાતમાં કયારેય સત્તા સુખ નહી મળે: રાઘવજીભાઈ પટેલની ‘અબતક’ સાથે ખાસ વાતચિત

જામનગર જિલ્લાનાં કોંગ્રેસના ત્રણ ધારાસભ્યો પંજાનો સાથે છોડી કેસરીયો ખેસ ધારણ કરી રહ્યા હોવાની વાતે જોર પકડયું છે. આ વાતનું સાચુ તથ્ય જાણવા આજે ‘અબતક’ દૈનિકે જામનગર ગ્રામ્યના કોંગી ધારાસભ્ય રાઘવજીભાઈ પટેલ સાથે ખાસ વાતચિત કરી હતી જેમાં રાઘવજીભાઈ પટેલે જણાવ્યું હતુ કે મારા સહિત કોંગ્રેસના ત્રણ ધારાસભ્યો કોંગ્રેસ છોડી ભાજપમાં જઈ રહ્યા હોવાની વાત અડધી સાચી છે. અને અડધી ખોટી છે. મે, ખંભાળીયાના ધારાસભ્ય મેરામણભાઈ ગોરિયા અને જામનગરનાં ધારાસભ્ય હકુભા જાડેજાએ અમારા પ્રશ્ર્નો ગુજરાત પ્રદેશ કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રભારી સમક્ષ રજૂ કરી દીધા છે. દર વખતે અમારી સામે જે લોકો પક્ષમાં રહીને લડે છે તેની સામે પક્ષ દ્વારા કયારેય શિસ્ત ભંગના પગલા લેવામાં આવ્યા નથી પરિણામે અમારે ચૂંટણીમાં બેવડા ધોરણે લડવું પડે છે. એકતો ભાજપના હરીફ ઉમેદવારોને લડત આપવાની અને બીજી કોંગ્રેસમાં રહી અમારી સામે લડતાને પણ મ્હાત કરવાનાં વર્ષોથી આ પ્રશ્ર્ન છે છતા પ્રશ્ર્ને કયારેય ગંભીરતા દાખવી નથી. આટલું જ નહી પક્ષ આવા લોકોને સતત પ્રોત્સાહિત કરે છે. પ્રભારી સમક્ષ પ્રશ્ર્નો રજૂ કરતા તેઓએ અમને વહેલી તકે ફરી બોલાવવાની ખાતરી આપી છે. પ્રશ્ર્નો હલ કરવા માટે કોઈ અલ્ટીમેટમ આપ્યું હોવાની વાતનો રાઘવજીભાઈએ ઈન્કાર કર્યો હતો.

સાથોસાથ તેઓએ ભારપૂર્વક એક વાત જણાવી હતી કે અમે હાઈકમાન્ડે એ વાતથી પણ માહિતીગાર કર્યા છે કે જો ગુજરાતમાં કોંગ્રેસે ચૂંટણી જીતવી હોય તો પાટીદારોને સરકાર અને સંગઠનમાં પૂરતુ નેતૃત્વ આપવું જોઈએ પાટીદાર સમાજના નેતૃત્વ વિના ગુજરાતમાં સતા સુખ હાંસલ કરવું મુશ્કેલ જ નહી અશકય છે. જો હાઈકમાન્ડ તમારા પ્રશ્ર્નો હલ નહી કરે તો ભાજપમાં જશો? તેવા સવાલનાં જવાબમાં જામનગર ગ્રામ્યના ધારાસભ્ય રાઘવજીભાઈ પટેલે જણાવ્યું હતુ કે, રાજકારણમાં ટકી રહેવા માટે કંઈ આપઘાત થોડો કરાય છે જો કોંગ્રેસ અમારા વર્ષો જૂના પ્રશ્ર્નો હલ કરવા માટે ગંભીરતા નહી દાખવે તો ભાજપમાં જવાનો પણ વિકલ્પ ખૂલ્લો જ છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.