Abtak Media Google News

નલીયાનું ૯.૧, રાજકોટનું ૯.૩ અને જૂનાગઢનું ૧૧.૬ ડિગ્રી તાપમાન નોંધાયું: વિઝિબિલિટીમાં ઘટાડો, ઉતરાયણ સુધી રાજય ઠંડુગાર રહેશે

સૌરાષ્ટ્ર સહિત રાજયભરમાં કડકડતી ઠંડીનાં કારણે લોકો ઠુંઠવાય ગયા હતા. હજુ તો જાન્યુઆરી માસની શરૂઆત છે ત્યારે ઠંડીનું જોર હજુ વધુ તેવી હવામાન વિભાગે આગાહી કરી છે. રાજયમાં આગામી ૧૦ દિવસમાં સૌથી વધુ ઠંડી પડે તેવી શકયતા સેવાઈ રહી છે ત્યારે આજે રાજકોટનું લઘુતમ તાપમાન ૯.૩ ડિગ્રી નોંધાયું હતું જયારે નલીયાનું લઘુતમ તાપમાન ૯.૧ ડિગ્રી નોંધાયું હતું. રાજકોટનું આજે વહેલી સવારે લઘુતમ તાપમાન ૯.૩ ડિગ્રી અને મહતમ તાપમાન ૨૪.૨ ડિગ્રી નોંધાયું હતું જયારે હવામાં ભેજનું પ્રમાણ ૭૯ ટકા અને ૫ કિલોમીટર પ્રતિકલાકની ઝડપે પવન ફુંકાયો હતો. જયારે નલીયાનું લઘુતમ તાપમાન ૯.૧ ડિગ્રી અને મહતમ તાપમાન ૧૮.૮ ડિગ્રી નોંધાયું હતું. હવામાં ભેજનું પ્રમાણ ૬૫ ટકા અને ૧૧ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફુંકાયો હતો. આ ઉપરાંત જુનાગઢમાં આજે વહેલી સવારે લઘુતમ તાપમાન ૧૧.૬ અને મહતમ તાપમાન ૧૩ ડિગ્રી નોંધાયું હતું. હવામાં ભેજનું પ્રમાણ ૮૬ ટકા અને ૪.૩ કિલોમીટર પ્રતિકલાકની ઝડપે પવન ફુંકાયો હતો.

સમગ્ર ઉતરભારતમાં ઠંડીનો ચમકારો વધી રહ્યો છે. હિમવર્ષાની સાથે સાથે લોકો ઠંડીમાં ઠુંઠવાય રહ્યા છે. આ તો માત્ર ટ્રેઈલર હોય તેવી સ્થિતિ ઉભી થઈ છે. ઉતરાયણ સુધી ગુજરાત ઠંડુગાર રહેવાની શકયતા છે. આ ઉપરાંત રાજયમાં ઠંડીમાં વધારો થવાની શકયતા છે. નલીયા, અમદાવાદ, રાજકોટ, અમરેલી, ડિસા, ભુજ સહિતનાં શહેરોમાં ભારે ઠંડી યથાવત જોવા મળી રહી છે. જમ્મુ-કાશ્મીર, હિમાચલ અને ઉતરાખંડમાં ભારે હિમવર્ષા થઈ છે તો મેદાની પ્રદેશમાં ઠંડીનો ચમકારો વઘ્યો છે જેના કારણે પારો ગગડયો છે અને તેની અસર ગુજરાતમાં પણ જોવા મળી રહી છે.

7537D2F3 1

રાજકોટમાં સવારે ઠંડી વધતા આખો દિવસ વાદળછાયું વાતાવરણ રહ્યું હતું અને વિઝીબીલીટીમાં પણ ઘટાડો થયો હતો. નજીકનું દ્રશ્ય સ્પષ્ટ દેખાતું ન હતું. હવામાન ખાતાની આગાહી પ્રમાણે આવતા દિવસોમાં હજુ ઠંડી વધશે અને ૨૪ કલાક સુધી વાદળીયું વાતાવરણ રહેશે. ઉતરભારતમાં થયેલી હિમવર્ષાનાં કારણે આગાહી કરવામાં આવી છે જેની અસરનાં પગલે વહેલી સવારે અને રાત્રે અનેક જગ્યાઓએ લોકો તાપણા કરતા જોવા મળી રહ્યા છે. વર્ષની શરૂઆતમાં જ રાજયમાં શીતલહેર ફરી વળી છે. આજે રાજયનાં ૭ થી વધુ શહેરોનું તાપમાન ૧૦ ડિગ્રીથી નીચે નોંધાયું હતું જેમાં ભુજ, નલીયા, અમરેલી, રાજકોટ, કેશોદ, કંડલા, ડિસા સહિતનાં શહેરોનો સમાવેશ થાય છે. હાડ થીજવતી ઠંડીને લઈને જનજીવન પર પણ અસર જોવા મળી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.