Abtak Media Google News

ડાયરીની વિગતો મહિનાઓ પહેલા મંગાવી લેવાય છતાં છપાવવામાં ભેદી ઢીલ

રાજકોટ મહાનગરપાલિકા દ્વારા દર વર્ષે નાણાકિય વર્ષનાં આરંભે એટલે કે એપ્રિલથી ૩૧ માર્ચ સુધીનાં સમયગાળા માટે મેજ ડાયરી પ્રસિઘ્ધ કરવામાં આવતી હોય છે. આ વર્ષે જાન્યુઆરીથી ડિસેમ્બર સુધીની ડાયરી પ્રસિઘ્ધ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ માટે પદાધિકારીઓ અને નગરસેવકોનાં ફોટા તથા વિવિધ શાખાઓની વિગતો મહિનાઓ પહેલા એકત્રિત કરી લેવામાં આવી છે. નવું વર્ષ શરૂ થઈ ગયું છે છતાં હજુ સુધી કોર્પોરેશનમાં ડાયરીનાં કોઈ જ ઠેકાણા નથી. કયારે ડાયરી પ્રસિઘ્ધ કરવામાં આવશે તે પણ અધિકારીઓ કહી શકે તેવી સ્થિતિમાં નથી.

કોર્પોરેશન દ્વારા આ વખતે રૂા.૧ લાખનાં ખર્ચે ૫૪૦૦ મેજ ડાયરી અને ૨૪૦૦ પોકેટ ડાયરી છપાવવાની છે. દર વર્ષે ૧ એપ્રિલથી ૩૧ માર્ચ સુધીનાં સમયગાળા માટે ડાયરી પ્રસિઘ્ધ કરવામાં આવતી હોય છે પરંતુ આ વખતે એવો નિર્ણય લેવામાં આવ્યો છે કે જાન્યુઆરીથી ડિસેમ્બર સુધીની ડાયરી પ્રસિઘ્ધ કરાવી આ માટે જીએડી ડિપાર્ટમેન્ટ દ્વારા મહિનાઓ પહેલા શાખા વાઈઝ અધિકારીઓ અને કર્મચારીઓનાં નામ નંબર, પદાધિકારીઓ અને નગરસેવકોનાં  ફોટા એકત્ર કરી લેવામાં આવ્યા છે. ડાયરી છપાવવા માટે મોટાભાગની કામગીરી પુરી કરી લેવામાં આવી છે અને પ્રુફ રીડીંગ પણ થઈ ગયું છે. કામગીરી દિવસો અગાઉ થઈ ગઈ હોય તેવું માનવામાં આવતું હતું કે જાન્યુઆરી માસનાં આરંભે જ નગરસેવકો અને અધિકારીઓને મેજ તથા પોકેટ ડાયરી આપી દેવામાં આવશે પરંતુ હજુ સુધી ડાયરીના કોઈ જ ઠેકાણા ન હોવાનું જાણવા મળી રહ્યું છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.