Abtak Media Google News

શિરડીવાલે ‘સાંઇ બાબા’ આયા હે તેરે દર પે સવાલી!

 પાઠારી ગામને સાંઇબાબાની ‘જન્મભૂમિ’ તરીકે જાહેર કરીને ઉદ્ધવ સરકારે તેના વિકાસ માટે ૧૦૦ કરોડ રૂ પિયાની ગ્રાન્ટ જાહેર કરતા ‘કર્મભૂમિ’ શીરડીનું મહત્ત્વ ઘટી જવાની સંભાવનાથી ટ્રસ્ટ અને ગ્રામ્યજનોમાં વિરોધ

‘સબ કા માલિક એક’ના મંત્ર આપીને મહારાષ્ટ્રના શીરડી ગામને કાર્યક્ષેત્ર બનાવીને નાત, જાત, ધર્મના ભેદભાવ વગર માનવસેવા એજ પ્રભુસેવાનો જીવન સંદેશ આપનારા સાંઈબાબા વિશ્ર્વભરના કરોડો ભકતોના આસ્થાનું પ્રતિક છે. સાંઈબાબાના દરબારમાં દરરોજ હજારો શ્રધ્ધાળુઓ ભારે આસ્થા સાથે પોતાની મનોકામના લઈને દર્શનાર્થે આવે છે. આ મનોકામના ફળતી હોય શીરડી સાંઈબાબાની ખ્યાતિ ચોમેર સતત વધી રહી છે. જેથી, જ એક ગીતમાં કહેવાય છે કે જમાનો મેં કહાર્ં તુટી હુઈ તકદીર બનતી હૈ, તેરે દરબાર પે બીગડી દુઈ તકદીર બનતી હૈ આવા આસ્થાના પ્રતિક સમાન સાંઈબાબાના શીરડીમાં આવેલા મંદિરનાં દરવાજા અનિશ્ર્ચિત સમય માટે બંધ થવાના સમાચારો આવતા બાબાના કરોડો શ્રધ્ધાળુઓમાં નારાજગી વ્યાપી જવા પામી છે. શીરડીમાં આવેલા સાંઈબાબાનું મંદિર દર્શનાર્થીઓ માટે આવતીકાલથી એટલે કે રવિવારથી અનિશ્ર્ચિત સમય માટે બંધ કરવાનો નિર્ણય સાંઈબાબા સંસ્થાન ટ્રસ્ટ દ્વારા કરવામાં આવ્યો છે.

Admin 2

સાંઈબાબાના દર્શનાર્થે મોટાભાગે ગુજરાતીઓ ઉપરાંત વિશ્ર્વભરમાં શ્રધ્ધાળુઓ આવે છે. જેથી શીરડી ગામના મોટાભાગ ધંધા-વ્યવસાય દર્શનાર્થીઓના કારણે ધમધમે છે. તાજેતરમાં મહારાષ્ટ્રમાં સરકારમાં આવેલ ઉધ્ધવ સરકારે દેશના બધા રાજયોના નાગરિકોમાં ખ્યાતિ પામેલા સાંઈબાબાનું મરાઠીકરણ કરવા તાજેતરમાં મહારાષ્ટ્રના પરભણી જિલ્લામાં આવેલા પાઠારી ગામને સાંઈબાબાનું જન્મ સ્થળ જાહેર કર્યું હતુ. મુખ્યમંત્રી ઠાકરેએ શ્રી સાંઈ જન્મ સ્થાન મંદિરનાં વિકાસ માટે ૧૦૦ કરોડ રૂ ની ગ્રાન્ટ આપવાની જાહેરાત કરી હતી. સાંઈબાબાનો જન્મ કયાં થયો ? તેમન મૂળ ઓળખ શું હતી? તે સહિતના તમામ મુદાઓ પર સાંઈબાબાએ પોતાના જીવનકાળ દરમ્યાન કદી ખુલાસો કર્યો નથી. જેથી, સાંઈબાબાના જન્મ સ્થળ સહિતના મુદે અનેક મતમતાંતરો પ્રવર્તે છે.

તાજેતરમાં ઉધ્ધવ સરકારે પાઠારી ગામને સાંઈબાબાનું જન્મ સ્થળ જાહેર કરીને તેના વિકાસ માટે ૧૦૦ કરોડ રૂ .ની ગ્રાન્ટ ફાળવવાની જાહેરાત કરી હતી. જેથી, બાબાની કર્મભૂમિ શીરડીમાં આવેલા મંદિરનું સંચાલન કરતા સાંઈબાબા સંસ્થાન ટ્રસ્ટ અને ગ્રામ્યજનોમાં વિરોધની લાગણી ફાટી નીકળી છે. આ વિરોધને વાચા આપવા ટ્રસ્ટ દ્વારા ગઈકાલે ગ્રામ્યજનોની બેઠક બોલાવી હતી. જેમાં પાઠારીને બાબાની જન્મભૂમિ જાહેર કરીને તેનો વિકાસ કરવાથી શ્રધ્ધાળુઓમાં શીરડીનું મહત્વ ઘટી જવાની સંભાવના વ્યકત કરવામાં આવી હતી જેથી રવિવારે એટલે કે આવતીકાલથી મંદિરના દર્શન અનિશ્ર્ચિત મુદત માટે બંધ કરવામાં આવ્યાનો નિર્ણય કરાયાનું ટ્રસ્ટના ટ્રસ્ટી બી.વકચૌરે જણાવ્યું હતુ.

બીજી તરફ મુખ્યમંત્રી ઉધ્ધવ ઠાકરેના આ નિર્ણયનો બચાવ કરતા સરકારમાં ગઠ્ઠબંધનમાં રહેલા એનસીપીનાં ધારાસભ્ય દુર્રાન અબ્દુલ્લા ખાને જણાવ્યું હતુ કે સાંઈબાબાનો જન્મ પાઠારીમાં થયો હોવાના પૂરતા પૂરાવા છે. પરભણી જિલ્લામાં આવેલા પાઠારીમાં સાંઈબાબાનું જન્મ સ્થાન મંદિર આવેલું છે જયાં શીરડીની જેમ દર વર્ષે કરોડો શ્રધ્ધાળુઓ દર્શનાર્થે આવે છે. પરંતુ પાઠારી પૂરતી સુવિધાઓનો અભાવ હોય શ્રધ્ધાળુઓને ભારે મુશ્કેલી પડે છે. આ ગ્રાન્ટથી પાઠારી વિકાસ થશે શીરડીના લોકોને ડર છે કે પાઠારીનો વિકાસ થવાથી શીરડીનું મહત્વ ઘટશે તેથી જ તેઓ વિરોધ કરી રહ્યા છે. હકિકતમાં રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે પણ સાંઈબાબાનું જન્મ સ્થળ પાઠારી હોવાનું સમર્થન કર્યું છે. શીરડી ટ્રસ્ટ પાસે વિકાસ માટે પૂરતુ ભંડોળ છે. જયારે પાઠારી મંદિર પાસે પુરતુ ભંડોળ નથી જેથી ઉધ્ધવ સરકાર દ્વારા આ ગ્રાન્ટ આપવાની જાહેરાત કરી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.