Abtak Media Google News

મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ રાજકોટના રેસકોર્સ ખાતે યોજાયેલા ‘ફલાવર શો’ની મુલાકાત લીધી હતી. અને  ફૂલોની નયનરમ્ય ગોઠવણી રસપૂર્વક નિહાળી હતી. કુદરતી મહેક ધરાવતા વિવિધ ફૂલોના અલગ-અલગ આકારમાં કરાયેલ સુશોભનને મુખ્યમંત્રીએ બારીકાઇપૂર્વક જોઇ હતી, અને ફલાવર શોનો નઝારો ખૂબ માણ્યો હતો.

રાજકોટ ખાતે ૭૧મા પ્રજાસત્તાક પર્વની રાજયકક્ષાની ઉજવણીના ભાગરૂપે શૃંખલાબધ્ધ  કાર્યક્રમો યોજાઇ રહયા છે. શહેરીજનો ઉમંગપૂર્વક આ ઉત્સાહમાં સામેલ થઇ રહયા છે. આ ઉજવણી અન્વયે નાગરિકોને વિવિધ રંગો, આકારો અને સુગંધના પુષ્પોનો પમરાટ માણવા માળે, તે હેતુસર રાજકોટ મહાનગરપાલિકા દ્વારા ત્રણ દિવસના ફલાવર શોનું આયોજન કરાયું છે.

Cm560D1

આ “ફલાવર શોમાં “અર્બન ફોરેસ્ટની થીમ સાથેનો  રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીની વિવિધ વિચારસરણીને સાર્થક કરતી ફૂલે મઢેલી બેનમૂન કૃતિઓ, ફૂલોથી કંડારેલા  રમત-ગમતનાં જુદા-જુદા સાધનો, સ્વચ્છતાનો અને પ્લાસ્ટિક હટાવવાનો સંદેશો આપતી ફૂલો આચ્છાદિત વિવિધ ફ્રેમ્સ, ફૂલોથી શણગારેલી બાલિકાઓની માનીતી બાર્બી ડોલ, ફૂલોની ચાદર વચ્ચે યુવાનોને આકર્ષતા એન્ટીક મોડેલના કાર અને બાઇક, ફૂલોનો ઢગલો લઇને ઉડતા હનુમાનજી, વેસ્ટમાંથી બેસ્ટ બનેલી નમુનેદાર વસ્તુઓ, માટીમાં ઉગતા ફૂલો અને માટીમાંથી બનેલા અલગ-અલગ આકારનાં માટલાંઓનું નયનરમ્ય સાયુજય, રેસકોર્સ ગાર્ડનમાં ઉગેલા ઝાડ પર બનાવેલું આંખ ઠારતું ફૂલોનું ઝૂમખું-વેલ-ગુચ્છો, રાજય સરકારની બેટી બચાઓ યોજનાના ફૂલોથી શોભતા પોસ્ટર્સ વગેરે ફલાવર શોના મુખ્ય આકર્ષણો છે. આ તમામ ખૂબીઓથી મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીને  રાજકોટ મહાનગરપાલિકાના અધિકારીઓએ વાકેફ કર્યા હતા.

આ પ્રસંગે ગુજરાત મ્યુનિસિપલ ફાઇનાન્સ બોર્ડના અધ્યક્ષ ધનસુખભાઇ ભંડેરી, મેયર બીનાબેન આચાર્ય, ધારાસભ્યો ગોવિંદભાઇ પટેલ, લાખાભાઇ સાગઠિયા અને અરવિંદભાઇ રૈયાણી, સંસદ સભ્ય મોહનભાઇ કુંડારિયા, કલેકટર રેમ્યા મોહન, પોલિસ કમિશનર મનોજ અગ્રવાલ, મ્યુનિસિપલ કમિશ્ન્રશ્રી ઉદિત અગ્રવાલ, પી.જી.વી.સી.એલ.ના એમ.ડી., સ્થાયી સમિતિના અધ્યક્ષ ઉદયભાઇ કાનગડ, અગ્રણી અંજલિબેન રૂપાણી, ભાનુબેન બાબરિયા,  નીતિનભાઇ ભારદ્વાજ, કમલેશભાઇ મીરાણી, ગાર્ડન સુપ્રીટેન્ડન્ટ બી.ડી.હાપલિયા, રાજકોટ મહાનગરપાલિકાના અધિકારીઓ અને કર્મચારીઓ ઉપસ્થિત રહયા હતા.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.