Abtak Media Google News

ખુંખાર દિપડાને પકડવા માટે પ્રદ્યુમન પાર્ક ઝૂમાં વન વિભાગ દ્વારા ૬ પિંજરા મુકાયા: હોગ ડિયર પ્રજાતિના માદા હરણનું મારણ કરતા ઝૂના સ્ટાફમાં દોડધામ: દિપડો હજુ ઝૂ સંકુલમાં જ હોવાની પ્રબળ સંભાવના

સૌરાષ્ટ્રભરમાં આતંક મચાવનાર માનવભક્ષી દીપડાએ હવે રાજકોટમાં પગપેશારો કર્યો છે. શહેરની ભાગોળે આવેલા મહાપાલિકા સંચાલિત પ્રધ્યુમન પાર્ક ઝુમા ગઈકાલે રાત્રે અચાનક દીપડો ઘુસી ગયો હતો. ખુંખાર દીપડાએ હોગ ડિયર પ્રજાતિના માદા હરણનું મારણ કર્યું હતું. સલામતીના ભાગરૂપે આજે ઝુ સહેલાણીઓ માટે બંધ કરી દેવામાં આવ્યું છે. દીપડાને પકડવા માટે કોર્પોરેશન અને વન વિભાગ દ્વારા ઝુમા અલગ અલગ છ સ્થળે પિંજરા મુકવામાં આવ્યા છે.

આ અંગે પ્રાપ્ત થતી વધુ વિગત મુજબ ગઈકાલે રાત્રે ૯ વાગ્યા આસપાસ પ્રધ્યુમન પાર્ક ઝુમાં બહારથી દીપડો ઘુસી ગયો હતો. ઝુમાં છ અલગ અલગ પ્રજાતિના ૧૦૦થી વધુ હરણો વસવાટ કરી રહ્યાં છે. હોગ ડિયર પ્રજાતિના હરણના પાંજરામાં એક માદા હરણ લોહીલુહાણ હાલતમાં મરેલું નજરે પડતા ઝુ વિભાગનો સ્ટાફ ચોંકી ઉઠયો હતો. સ્ટાફના અમુક કર્મચારીએ દીપડાએ હરણનો શિકાર કર્યો હોવાનું નજરે નિહાળ્યું હોવાનું પણ જાણવા મળી રહ્યું છે. ઝુમાં વસવાટ કરી રહેલા એક નર અને એક માદા દીપડાના પાંજરામાં તપાસ કરવામાં આવતા અહીં દીપડાની જોડી સલામત હતી. ત્યારે ખબર પડી કે, બહારથી ઝુમા આવેલા દીપડાએ હરણનું મારણ કર્યું હતું. ગઈકાલે રાત્રે ૯ વાગ્યા આસપાસ આ ઘટના બની હતી. ઝુ સ્ટાફ દ્વારા તાત્કાલીક અસરથી વન વિભાગને જાણ કરી દેવામાં આવી હતી. આજે સવારે સોમવાર હોવા છતાં ઝુ સહેલાણીઓ માટે બંધ રાખવામાં આવ્યું હતું. ઝુમાં  ઘુસેલા દીપડાને બહાર નીકળતા હજુ સુધી કોઈએ જોયો નહોય. દીપડો પાર્કમાં જ હોવાની શંકા છે. ઝુમાં અલગ અલગ છ જગ્યાએ પિંજરા મુકવામાં આવ્યા છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, આજથી ૪ વર્ષ પૂર્વે પણ ઝુમાં વસવાટ કરતો દીપડો પાંજરામાંથી બહાર નીકળી ગયો હતો. આ દીપડાને મહામહેનતે ફરથી પાંજરે પુરવામાં આવ્યો હતો. ત્યારબાદ દીપડાના પાંજરાની ઉંચાઈ વધારી દેવામાં આવી હતી અને પાંજરા પર ઈલેકટ્રીક અર્થીગ મુકવામાં આવ્યા છે. સૌરાષ્ટ્રના અલગ અલગ વિસ્તારોમાં માનવભક્ષી દીપડાઓ છેલ્લા ઘણા સમયથી આતંક મચાવી રહ્યાં છે. સૌરાષ્ટ્રના પાટનગર એવા રાજકોટના સીમાડે પણ હવે દીપડાએ દેખા દેતા લોકોમાં ફફડાટ વ્યાપી જવા પામ્યો છે. પ્રધ્યુમન પાર્ક ઝુમાં માલ મિલકત અને પ્રાણીના રક્ષણ માટે વર્ષે દહાડે સિક્યુરીટી પાછળ લાખો રૂપિયાનો ખર્ચો કરવામાં આવે છે ત્યારે અહીં એ સવાલ પણ ઉભો થાય છે કે, ઝુમાં દરેક દરવાજે ઉપરાંત અલગ અલગ પોઈન્ટ પર સિક્યુરીટી ગાર્ડ તૈનાત હોવા છતાં દીપડો કેવી રીતે ઝુ સંકુલમાં ઘુસી ગયો. બની શકે કે, ઝુની પાછળ આવેલા વેરાણ વિસ્તારમાં ઝાડ પર ચડી દીપડો ઝુની દિવાલ કુદી અંદર આવી ગયો હોય. ગઈકાલે રવિવારની રજા હોય ઝુમાં સહેલાણીઓની સંખ્યા વધુ માત્રામાં રહેતી હોય છે. સદનશીબે દિવસ દરમિયાન દીપડાએ કોઈ માનવ પર હુમલો કર્યો ન હતો. રાત્રે દરમિયાન દિપડો દેખાયો હતો.

ઝુના સુત્રોના અનુસાર છ પાંજરામાં આજે રાત્રે મારણ મુકવામાં આવશે. જેના આધારે દીપડાને પકડવામાં આવશે. ત્યારબાદ જો દીપડો પકડાશે તો તેને વન વિભાગના હવાલે કરી દેવામાં આવશે.

એક માસ પૂર્વે આજી ડેમે ૨ સિંહોએ રાતવાસો કર્યો હતો

ચોટીલા પંથકમાં ગત નવેમ્બર માસમાં સાંસણ ગિર વિસ્તારમાં થી બે સિંહો આવી ચડયા છે. જે છેલ્લા સાડા ત્રણ માસથી સુરેન્દ્રનગર અને રાજકોટ જિલ્લાના અલગ અલગ સ્થળોએ જોવા મળ્યા છે. ગત ૨૧મી જાન્યુઆરીના રોજ આ બન્ને સિંહો રાજકોટની ભાગોળે આવેલા આજી ડેમે દેખાયા હતા અને ત્યાં આ સિંહોએ આખી રાત ગુજારી હોવાનું ખુદ વન વિભાગે જાહેર કર્યું હતું. રાજકોટના પાદર સુધી સિંહ બાદ હવે દીપડો પણ દેખાવા લાગ્યો છે. જેનાથી શહેરીજનોમાં ભયનું લખલખુ પ્રસરી જવા પામ્યું છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.