Abtak Media Google News

મોદી વ્હાલા છે પણ અમેરિકાનાં હિતો વધુ વ્હાલા હોવાની ટ્રમ્પની સાફ વાત: વડાપ્રધાનની ટ્રમ્પ-ભકિત આપણા દેશને ત્રણસો કરોડની પડશે: અજબ જેવું સંમોહન !

એકને મન મિત્રતા વ્હાલ કરતાં દેશ વધુ મૂલ્યવાન, બીજાને મન સ્વદેશ કરતાં વિદેશ મિત્રનું વ્હાલ વધુ કિંમતી ! મિત્રતાનું વહેલી તકે ન વેસરથી મૂલ્યાંકન કરવાનો અને વિદેશ નીતિનો એના આધારે જ ઘાટ ઘડવાનો બોધપાઠ: અમેરિકાનો ભરોસો હમણા સુધીમાં જવલ્લે જ ફળ્યાનો ભૂતકાળનો અનુભવ ચેતવણી રૂપ !

આજનાં વિશ્ર્વનાં વિશ્ર્વ બંધુત્વ અને વૈશ્ર્વિક મૈત્રીનું રાજકારણ સતત ડગૂમગુ થતુ રહ્યું છે.

આમ જોઈએ તો એવુંલાગે કે, કેટકેટલા ભરોસાઓને ટેકે આપણું વિશ્ર્વ, આપણો દેશ, આપણો સમાજ, અને સમૂળગી માનવજાત ઉભા છે અને જો એ ડગમગે કેતૂટી પડે તો એને કારણે જે ખેદાનમેદાની સર્જાય એ પ્રલયનું જ દર્શન કરાવે ! તેમ છતાં આજના વિશ્ર્વનાં વિશ્ર્વ બંધુત્વ, વૈશ્ર્વિકમૈત્રી અને વૈશ્ર્વિક ભાઈચારાનું વાતાવરણ સતત ડગુમગુ થતું રહ્યું છે.

અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પની વર્તમાન ભારતયાત્રા આપણા દેશની ગરીબ પ્રજા માટે અતિ કમનશીબ બનવાની દહેશત સર્જે છે.

અજબ જેવા લાગતા આ રાજનેતાઓ ભારતની ભૂમિ પર પગ મૂકતાં પહેલા જ, વોશિંગ્ટનમાં સ્પષ્ટ પણે એવો સનસનીખેજ ધડાકો કર્યો હતો કે મોદી મને બહુ ગમે છે, પણ ભારતનો અમેરિકા સાથેનો વ્યવહાર કયારેય સારો રહ્યો નથી, જે મારા માટે અને અમેરિકા માટે વધુ મહત્વનું છે.

ટ્રમ્પના આ વિધાનનો સારાંશ એવો જ નીકળે છે કે, ભારતનાં વડાપ્રધાન પ્રત્યેના વહાલ કરતાં અમેરિકાનાં હિતોને તેઓ વધારે વહાલા ગણે છે. અને ભારતનાં અમેરિકા પ્રત્યેના વલણમાં તેઓ સાચી તથા કિમંતી મૈત્રીનું દર્શન કરતા નથી !

આની સામે ભારતના વડાપ્રધાને ટ્રમ્પ પ્રત્યે એવું વહાલ દાખવ્યુંં છે કે તેમના સ્વાગતમાં તેમની સરકારે અને ગુજરાતની સરકારે ત્રણ કલાકના ગાળામાં ૩૦૦ કરોડ ડોલરનો ધુમાડો કર્યો છે.

આ અગાઉ અહી સરકારની અને વડાપ્રધાનની ટ્રમ્પ ભકિતમાં અતિરેક સામે અને તે સરવાળે હાનિકર્તા બનવાની સંભાવના સામે સાવધાનીનો ઠોસ ઈશારો કરવામાં આવી ચૂકયો છે.

અહીં બીજી ખેદજનક બાબત એ છે કે, ભારતનાં સત્તાધીશોએ આપણા દેશની કંગાલિયતને સંતાડવાની અને ઝુંપડાઓની લાંબી હારમાળા આડે લાંબી દિવાલ ખડી કરવાનું પગલું છે, જે સારી પેઠે ખર્ચાળ બન્યું છે.

અમેરિકા પ્રમુખના ભારત-આગમન પૂર્વે ભારતના વડાપ્રધાને એવી ઘોષણા કરી છે કેભારત હવે વિશ્ર્વની પાંચમી આર્થિક મહાસત્તા બની ગયું છે. અને વિશ્ર્વના સારી પેઠે વિકસીત રાષ્ટ્રોની હરોળમાં સ્થાન પામી ચૂકયું છે.

એક બાજુ ભારતની અતિ કારમી ગરીબી અને કંગાલિયતને અમેરિકા સંતાડવા તેની આડે દિવાલ ઉભી કરીએ તથા ત્યાં રહેલા સંખ્યાબંધ ગરીબોને તાત્કાલીક હટાવવાની ચેષ્ટા થાય અને બીજી બાજુ ભારત આર્થિક મહાસતા બની ગયાનો દાવો કરવામાં આવે એ કેવું હાસ્યાસ્પદ બને ?

કમનશીબે કંગાલિયત સંતાડવાની આ યુકિત ગુજરાતમાં અજમાવાઈ છે, અને તેપણ અમદાવાદ જેવા મહાનગરમાં…

આ બધું જોતાં ભારતનાં ગરીબો અને કંગાલિયત ભોગવતા લોકો માટે ટ્રમ્પની ભારતયાત્રા અતિ કમનશીબ નીવડી છે. એવી ટકોર લોકોએ કરવી જ પડે છે…

ડોનાલ્ડ ટ્રમ્પને ભારત લાવવા પાછળનું ભારત સરકારનું મુખ્ય કારણ રાજદ્વારી મુત્સદીગીરીનાં એક ભાગરૂપ હોવાનું જ લાગે છે અલબત, આજના વિશ્ર્વમાં વ્યાપાર-ઉદ્યોગના લાભોને નજરમાં રાખીને જ આવી પ્રવાસ યાત્રાઓ યોજાતી હોય છે. ટ્રમ્પનાં ભારત-પ્રવાસના અંતે જ આ બાબતનું ખરૂ સ્વરૂપ બહાર આવશે.

ભારતનાં રાજકીય ક્ષેત્રને લાગેવળગે છે. ત્યાં સુધી તો આવા પ્રવાસોનાં મૂળમાં રાજકીય લાભાલાભનાં જ ગણિત મોખરે રહે છે.

રાજપુરૂષો પોતાના દેશમાં તેમની વાહવાહ માટે અને રાજકીય કદ વધારવા માટે આવાં આયોજનો કરે છે. એમાં થતી વ્યાપાર ઉદ્યોગ સંબંધી સમજૂતીઓ સાચા અર્થમાં દેશને કેટલી ઉપકારક અને લાભકર્તા બને છે તો અટકળો અને તર્કવિતર્કોનો વિષય બને છે.

ટ્રમ્પ-ભકિતમાં અતિરેકથી આપણા દેશને રાષ્ટ્રીય સ્તરે અને આંતરરાષ્ટ્રીય સ્તરે કોઈ યાદગાર લાભ થશે એમ માની શકાતું નથી.

અત્યારે વૈશ્ર્વિક સ્તરે રાજદ્વારી કાવાદાવાઓની જે હોડ પ્રવર્તે છે તે અમેરિકા, ભારત, પાકિસ્તાન અને ચીન વચ્ચે છે. પાકિસ્તાન માટે તેના અસ્તિત્વને ટકાવવાનો પ્રશ્ર્ન છે. ભારત સામે કાશ્મીરને લગતી ખેંચતાણનો કોયડો છે. અને આર્થિક મહાસત્તાનું ડીંડક અને ચીન-પાકિસ્તાનના લશ્કરીતેમજ રાજદ્વારી આક્રમણનાં સામનાને લગતી સખળડખળનો પ્રશ્ર્ન છે.

ચીનને એણે નિશ્ર્ચિત કરેલા વિસ્તારવાદી લક્ષ્યાંકોની ચિંતા છે. અમેરિકા ભારતનું વિશાળ બજાર હસ્તગત કરવા મથે છે.

આજના વિશ્ર્વમાં કોઈને કોઈના ઉપર ભરોસો નથી. કોઈ કોઈના ભરોસા પાત્ર મિત્રો નથી…

ભારતે ટ્રમ્પમાં દસારો મિત્ર પામવાની આંટીઘૂંટીઓ અજમાવે છે. પણ એમની વચ્ચે મંદિર-મસ્જીદ કે મિંયા-મહાદેવ જેવું અંતર છે. પાકિસ્તાન-ભારતનું પણ એવું જ છે….

ભારતની આંતરિક એકાત્મતા સારીપેઠે ડહોળાઈ છે. ભારતની રાજકીય ખેંચતાણ પણ આ અગાઉ કયારેય નહોતી એટલીતીવ્ર બની ચૂકી છે. રાજકારણીઓની સત્તાભૂખ ચરમસીમાએ પહોચી છે.

ઓછામાં પૂરૂં અહી દેશદાઝનો દુકાળ પ્રવર્તે છે.

દેશની સ્વતંત્રતાની રક્ષાની અને દેશને મહાન બનાવવાની તમન્નાની જાણે કોઈને દરકાર નથી. આપણા દેશ માટે આગામી મહિનાઓ રાષ્ટ્રીય એકતાની બાબતમાં કસોટીકારક બને તેમ છે. પડોશી રાષ્ટ્રો એનો લાભ લઈ શકે. એટલી ખરાબ સ્થિતિ છે. આપણા રાજકીય ક્ષેત્રમાં દેશને વેચી નાખવા તૈયાર નથી. એવા નિમ્નકક્ષાના લોકો પણ છે. એવી ટીકાનેય રોકી શકાતી નથી.

દિલ્હીમાં લોકમિજાજ જોવા મળ્યો છે. એ લહેરને પ્રસરતી રોકવાનાં પગલાં નહિ લેવાય તો કાંતો સાર્વત્રિક બનશે અથવાતો વર્ગવિગ્રહ નોતરશે, એવી સંભાવનાને નકારી શકાય તેમ નથી ! ‘ટ્રમ્પવાદ’ થી સાવધ રહ્યા વિના નહિ ચાલે !

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.