Abtak Media Google News

“ચૂંટણીઓ દરમિયાન કેટલીક વખત એવી ઘટનાઓ બનતી હોય છે કે જીંદગીમાં સંધાય નહીં તેવા વૈમનસ્યો ઉભા થઈ જતા હોય છે!”

દાસજ ગામે પહોચતા જ જયદેવે જોયુ કે ગામના પાદરમાં કહોડા રણછોડપૂરા રોડના પોઈન્ટ ઉપર ટોળુ એકત્રીત થયેલુ હતુ જે તાલુકા પ્રમુખે એકઠું કર્યું હતુ. ઉંઝા પીઆઈ જયદેવ ત્યાં પહોચતા જ તાલુકા પ્રમુખે જયદેવ પાસે આવી આક્ષેપ બાજી ચાલુ કરી ચીલા ચાલુ આક્ષેપો કર્યા કે પોલીસ સત્તાધારી પાર્ટીની ફેવર કરે છે. વિગેરે આથી જયદેવ પણ ખોટા આક્ષેપથી ઉશ્કેરાયો અને તેણે પણ ઉંચા અવાજે કહ્યું ‘કયા મુદે સત્તાધારી પાર્ટીની ફેવર કરી અને તમને અન્યાય કર્યો? ખરેખરતો તમેજ સંજોગોનો ગેરલાભ લઈ કુડકપટ કરી કરલીના નિદોર્ષ સરપંચને જેલમાં ઘાલ્યા છે, શરમ આવવી જોઈએ આવા રાજકારણની પોલીસ પણ આવું કરી શકે પણ અમે તેવા નથી’ તાલુકા પ્રમુખના મનમાં તે બનાવ અંગેની લઘુતા ગ્રંથીતો હતી જ તેથી અચકાયા અને ભોંઠા પડયા તેથી પોતાનુ વાહન લઈ કહોડા ગામ તરફ રવાના થયા અને એકઠા થયેલા લોકો વિખરાઈ ગયા.

જયદેવે દાસજ ગામમાં જઈ મતદાન કેન્દ્રો ઉપર થતુ મતદાન અને બજારમાં લોકોની થતી મુકત હેરફેર જોઈ નકકી કર્યું કે પ્રમુખે પોલીસ સ્ટેશનમાં જે ફોન કરીને માહિતી આપી હતી તે જુઠી જ હતી.

આથી જયદેવે વિચાર્યું કે હવે પ્રમુખ કહોડા ગામે ગયેલ છે તો વળી ત્યાં કાંઈક નવું નાટક કરશે તેથી તેતૂર્ત જ કહોડા તરફ રવાના થયો. પરંતુ રસ્તામાં સામે જ કહોડાથી પાછી આવતી પ્રમુખની કાર મળતા જયદેવે રસ્તા વચ્ચે જ રોકી પ્રમુખને કહ્યું ‘બહુ નાટક કર્યા હવે બસ કરો મતદાન શાંતીથી થાય છે અને હવે ગણતરીના કલાકો બાકી છે. તમે જે જુઠાણા ચલાવી તંત્રને ખોટી રીતે ધંધે લગાડો છો તો અમારે પણ હવે કાયદાનું શસ્ત્ર ઉપાડવું પડશે. અને કાયદો અને વ્યવસ્થા માટે જાહેરહિતમાં અને મતદાન અટકી ન પડે તે માટે તમને બા ઈજજત દાસજ થી જવા દીધા હતા બાકી કલમ ૧૪૪નો તમે ભંગ કરેલો જ હતો. (ટોળુ એકઠું કરી) તે માટે ભારતીય દંડ સંહિતા કલમ ૨૮૮ અને પોલીસને ખોટી માહિતી આપી કાયદો અને વ્યવસ્થામાં અડચણો ઉભી કરવા અંગે તમારી ધરપકડ કરી શકતા હતા. હવે બોલો શું કરવું છે?’ ધરપકડની વાત આવી એટલે તેમના ટાંટીયા ઢીલા થઈ ગયા અને કહેવા લાગ્યા કે સાહેબ અગાઉ કયારેય મેં પોલીસ તંત્ર વિરૂધ્ધ આક્ષેપો કર્યા નથી તેતો આપ જાણો જ છો આતો અમારા ટેકેદારો કાર્યકરો સાંભળતા થોડુ બોલવું પડે તેથી બોલ્યો હતો માફ કરો, જયદેવને થયું કે રાજકારણીઓની માનસીકતા કેટલી નબળી થઈ ગઈ છે કે લાયકાત, કાર્યદક્ષતા, સિધ્ધાંતોના મુદાઓને બદલે આટલી હલકી કક્ષાએ ગમે તેની ઉપર ગમે તેવા આક્ષેપો કરવા ઉપર ઉતરી પડયા છે? કેવી મત લાલસા? જયદેવ પાસે આ એક પ્રશ્ર્ન તો હતો નહિ, હજુ ઉંઝા ઉનાવા, બ્રાહ્મણ વાડા સહિત ચોત્રીસ ગામોએ મતદન શાંતિથી ચાલુ રહે તે માટે ચારે તરફ દોડવાનું હતુ તેથી ‘માફ કરવા’ સિવાય કોઈ છૂટકો પણ નહતો છતા પ્રમુખને ચેતવણી આપી કે ‘બસ બહુ થયું હવે જો કોઈ નાટક કરશો તો હવે હું કાયદેસર બાબતમાં કાંઈ બાકી રાખીશ નહિ’ આથી પ્રમુખ ‘આભાર સાહેબ આભાર’ કહી રવાના થયા તે પછી મતદાન પૂરૂ થયું ત્યાં સુધી તેમના નાટકનો પડદો પડેલો જ રહેલો.

પરંતુ આ વખતે મતદાનનો દિવસ કુરૂક્ષેત્રના જંગ જેવો હતો. ‘ભૂત ભાગે ત્યાં પલીત જાગે’ તેવી સ્થિતિ હતી. હજુ જયદેવ ઉંઝા પહોચ્યો ન હતો ત્યાં વાયર લેસથી સમાચાર મળ્યા કે બ્રાહ્મણ વાડા અને વિશોળ તરફ રવાના થાવ, ત્યાં વાતાવરણ ખૂબજ તંગ છે. બંને પક્ષોના લોકો સામસામે આવી ગયા છે. ગમે તે સમયે ભડકો થવાની તૈયારી છે.

જયદેવને થયુંં કે પોતાનું અનુમાન સાચુ જ હતુ સક્ષમ પોલીસ અધિકારી અને વયોવૃધ્ધ જમાદારમાં ફેર તો પડે જ. હુલ્લડ (રાયોટ) થતા પહેલા ડખાની શરૂઆત નાની નાની બાબતોથી થતી હોય છે. જો તે સમયે સક્ષમ, બુધ્ધિશાળી અને વ્યવહારૂ પોલીસ અધિકારી સમય, સંજોગો અને પરિસ્થિતિ મુજબ બંને પક્ષો વચ્ચે શામ, દામ અને ભેદની રીતે કામ લે તો લગભગ ડખ્ખો આગળ વધતો અટકી જતો હોય છે, પણ નાની નાની શરૂઆતથી ત્રણચારની સંખ્યામા લોકો એકઠા થતા (ગેરકાયદેસર મંડળી) આક્ષેપ બાજી  અને જીભાજોડી કરતા હોય ત્યારે નબળી માનસીકતા વાળા અધિકારી કાંતો ફકત ભાઈસાબી કરે અથવા આંખ આડા કાન કરે કે પલાયન વૃત્તિ દાખવે તો તોફાની ટોળાને ‘દોડવાનું હોય તેને તો ઢાળ મળી જાય’ તેવું બને આ પછી એક વખત ટોળાઓ મજબૂત બને પછી વાણી વિલાસ અમર્યાદિત બનતા જ ભડકો થાય અને તે પછીની જે પરિસ્થિતિ છે તે ગેસ લાઠી ચાર્જ અને કયારેક ફાયરીંગ જેવા આકરા પગલા લીધા પછી મહામહેનતે કાબુમાં આવતી હોય છે. પરંતુ તે બન્યા બાદ ઘણુ ન બનવાનું બની ગયું હોય છે. અને રાયોટીંગના સામસામા ગુન્હા નોંધાતા અનેકની (જેમાં નિદોર્ષો પણ હોય) ધરપકડો થાય છે. સદનસીબે જો પોલીસ ફાયરીંગમાં ઈજા કે મૃત્યુ ન થયું હોય તો ઠીક, નહિ તો જીંદગીમાં ન સંઘાય તેવા વૈમનસ્ય ઉભા થઈ જતા હોય છે.જયારે પોલીસ અધિકારીનું કામ તો ખૂબજ વધી જતું હોય છે.

તે પ્રમાણે વિશોળ ગામે છેલ્લા થોડા દિવસથી ચાલતી રાજકીય સ્પર્ધા વાણી વિલાસ અને થઈ રહેલા તાયફાને કારણે લોકો આક્રમક તો હતા જ અને તેમાં પણ મતની લાલસામાં બહુમતી કોમમાં પણ પેટા કોમવાદનું ઝેર રાજકીય પક્ષો રેડતા જ હોય છે, તેનું પરિણામ આ નિર્ણાયક મતદાનના દિવસે ન આવે તો જ નવાઈ ગણાય. ગ્રુપ પેટ્રોલીંગ ના ઈન્ચાર્જ વયોવૃધ્ધ જમાદારની બ્રાહ્મણ વાડામાં જ નિમણુંક હતી તેમની મનોવૃત્તિ એવી કે ચૂંટણી તો આજે છે ને કાલે તો નથી, શા માટે કોઈને કડવું દાતણ દેવું? એમ માનીને નાના નાના બનાવો ને નજર અંદાજ કરેલા અને વાતાવરણ (પરિસ્થિતિ) વણસવા લાગતા તેઓ પેટ્રોલીંગના બહાને બીજે ગામ જતા રહેલા પાછળ ગામે મતદાન કેન્દ્રો ઉપર બીચારા બહારથી આવેલા જવાનો કે જેમની સંખ્યા પ્રતિકાત્મક એક બુથ દિઠ એક જવાન બે બુથમાં એક જવાન એક હોમગાર્ડ એ રીતેની હતી જે એમ કહી શકાય કે માત્ર દેખાડાની જ હતી. વળી આ જવાનો મતદાન મથક છોડીને બહાર દૂર જઈ પણ શકે નહિ.

જયદેવ હજુ રસ્તામાં હતો તે દરમ્યાન વિશોળ ગામે જે ઘટના બનવાની હતી તે બની ગઈ. વિશોળ ગામે બંને પક્ષના ટોળાઓ એ પ્રથમ ચડભડ અને પછી આક્રમકતા ધારણ કરી પથ્થરમારો અને પછી સશસ્ત્ર લાઠી યુધ્ધ ચાલુ કરી દીધેલું અને આખરે બહાર લાગેલી આગ ઘરની અંદર પહોચ્યા વગર રહેજ નહિ તે પ્રમાણે ટોળાઓ મતદાન મથક સુધી પહોચી ગયા જોગોનું જોગ કે કેમ નસીબે વિશોળ ગામે એક તાલુકા સદસ્ય મતદાન મથક પાસે આવી ગયેલા આવા બનાવોમાં જોવાની ખુબી એ હોય છે કે સામાન્ય રીતે આ બનાવો ઉશ્કેરીને ઉભા કરવાનું અને તણખો મૂકવાનું કામ તો રાજકારણીઓ જ કરતા હોય છે. અને બરાબર જામી જાય પછી તેઓ દૂર જઈને ફકત તમાશો જોતા હોય છે. પરંતુ અહિં અપવાદ રૂપે કે કમનશીબે આ તાલુકા સદસ્ય ટોળાઓ વચ્ચે ફસાઈ ગયા જયારે આવા બનાવ બને ત્યારે ટોળામાં સૌ પ્રથમ આવા ઉશ્કેરનારા રાજકારણી નાજ કપડા ઢીલા થઈને ભીના થઈ જતા હોય છે. આવો બનાવ જયદેવ અગાઉ અમરેલી જીલ્લામાં વડીયા પોલીસ સ્ટેશનના સનાળી ગામે એક રાજકીય સંમેલનમાં નજરે જોયેલો ત્યાં શરૂઆતમાં સ્ટેજ ઉપર બેઠેલા મોટા મોટા નેતાઓ જયારે માઈક લઈને પ્રવચનો ફેંકતા હતા અને ત્રાડો નાખી હરીફોને ભાંડી રહેલા હતા. પરંતુ તે પછી આજુબાજુનાં કિસાનોએ જેવો વળતો હુમલો કર્યો કે પછી આ ત્રાડો નાખી ગરજતા નેતાઓને બંદૂકની ગોળીઓ ની જેમ સનસનાટી કરતા પથ્થરો આવવા લાગતા જાણે ધરતી માર્ગ આપે તો તેમાં સમાઈ જવા જેવી હાલત થયેલી આ સ્ટેજ ઉપરના કેટલાક નેતા નીચે પાથરેલ ગાદલામાં ઘૂસેલા તો કોઈક ઓશિકા અને પીલો વડે માથા અને મોઢા ઢાંકવા તરફડીયા મારતા હતા પ્રવચનની શરૂઆતમાં આ નેતાઓ પોલીસને પણ આડેહાથ લઈને નબળી, ડરપોક અને કાયર કહેતા હતા પરંતુ જેવું આ સમરાંગણ ચાલુ થતા આ પોલીસને આડેહાથ લેનાર નેતા જ પોલીસ બચાવો પોલીસ બચાવોની બુમો પાડવા લાગ્યા હતા જોકે તે બનાવમાં પોલીસે ગેસ લાઠી ચાર્જ અને ફાયરીંગ કરતા આ આક્રમક ભાષણો ઝીંકતા નેતાઓ બચી ગયેલા પરંતુ બે એક કિસાનો પોલીસ ફાયરીંગમાં મરણ પામેલા અને તે સ્થળે એક ટ્રેકટર ભરાય તેટલા બૂટ ચપ્પલ પડી રહેલા !

આ પ્રમાણે જ વિશોળ ગામે તાલુકા સદસ્ય આક્રમક ટોળાના હુમલાથી એવા ભયભીત થઈ ગયેલા કે ટોળાથી બચવા મતદાન મથકમાં ઘૂસેલા જયાં પોલીસ હતી તેની પાસે તેઓ કરગરી પડયા આથી જવાન ને હવે મતદાન મથક અને મતપેટીઓ અને પોતાની પણ અસલામતી લાગતા તેણે પોતા પાસેની ૩૦૩ રાયફલથી હવામાં ફાયર કર્યું આથી ૩૦૩ રાયફલના ફાયરીંગનો વિકરાળ અવાજ ‘હુડમ’ થતા ટોળુ ભયભીત થઈ ને નાસી છૂટેલું પરંતુ આ દરમ્યાન ગ્રુપ પેટ્રોલીંગ મોબાઈલ જમાદારનો કયાંય અતો પતો હતો નહિ.

4. Thursday 2

જયદેવને વિશોળ પહોચવાના સમાચાર મળતા તેણે જીપને સિધ્ધીજ બ્રાહ્મણ વાડા તરફ લીધી અને બ્રાહ્મણ વાડા પેટ્રોલીંગ મોબાઈલનો વાયરલેસથી સંપર્ક કરવા પ્રયત્ન કરતા ઉંઝા વાયરલેસ ઓપરેટરે જયદેવને જણાવ્યું કે બ્રાહ્મણ વાડા મોબાઈલવાનનો અરધા કલાકથી રીપ્લાય મળતો નથી કે લોકેશન પણ આપતી નથી (રણશીંગા વાગે સુતા જાગે કાયર ભાગે કામ પડયે માફક) ઓપરેટરે વધુમાં જણાવ્યું કે પેન્થર સર ઉંઝાથી રવાના થઈ ગયા છે અને લગભગ વિશોળ ગામે પહોચી ગયા હશે.

જયદેવ વિશોળ જવા બ્રાહ્મણ વાડા ગામમાંથી પસાર થતો હતો. ત્યારે ત્યાં પણ બજારો લોકોથી ભરેલી હતી જયદેવને તાત્કાલીક વિશોળ પહોચવું હોય તે જીપની સાયરન ગજવતો બજારમાંથી પસાર થયો આથી એકઠા થયેલા લોકો થોડા પાછા પડયા હશે. અને આક્રમકતામાં પણ નરમાઈશ આવી હશે જયદેવની જીપ બ્રાહ્મણ વાડા અને વિશોળ ગામની વચ્ચે હતી ત્યાં પેન્થર સરે મોબાઈલ ફોનથી જયદેવને કહ્યું કે અહી વિશાળ ગામે તો જે થવાનું હતુ તે થઈ ગયું, હું અહીનો મામલો સંભાળુ છું પરંતુ બ્રાહ્મણ વાડાની હાલત પણ સારી નથી તમે તેને સંભાળો આથી જયદેવ પાછો બ્રાહ્મણ વાડા આવ્યો તો બજારોમાં ભીડ જામેલી જ હતી અને બજારમાં રાષ્ટ્રીય પાર્ટીના ઉમેદવાર ઉભા હતા તેમણે જયદેવને પૂછયું કે હવે હું વિશોળ ગામે જઉ? જયદેવે તેમને કહ્યું તમારે ત્યાં જવું જાહેરહિતમાં તો નથી જ તેમ તમારા હિતમાં પણ નથી કેમકે જો ત્યાં હજુ બબાલ ચાલુ હશે તો પછી સંભવ છે કે વિરોધીઓ તેમની એફઆઈઆરમાં તમારૂ નામ પણ મૂકી શકે અને મારી તો સલાહ છે તમે અહીથી પણ સિધ્ધપૂર પાછા જતા રહો. આથી આ ડાહ્યા ઉમેદવાર તૂર્ત જ બ્રાહ્મણ વાડાથી સિધ્ધપૂર જવા રવાના થઈ ગયેલા આથી બ્રાહ્મણ વાડામાં જ મોરચા મંડાયા હતા તે પણ ઢીલા પડયા અને પછી પોલીસે ધીરેધીરે વિખેરી નાખ્યા અને વાતાવરણ સામાન્ય બનતા જ પેન્થરસરે જયદેવને વિશોળ ગામે બોલાવી લીધો. અહી હુલ્લડ (રાયોટીંગ)ના બનાવો બનેલા હોઈ વાતાવરણ અતિશય તંગ હતુ પરંતુ મતદાન ચાલુ હતુ.

જયદેવે બંને પક્ષોને વ્યુહાત્મક રીતે સમજાવી ને શાંતી રાખવા સૂચના કરી અને તે સુરતના મહેમાનોના સમીયાણા તરફથી મતદાન કેન્દ્ર તરફ પાછો. આવતો હતો ત્યાં સુરતથી આવેલી ખાનગી લકઝરી બસોનાં ડ્રાયવર કલીનરો જયદેવને ઓળખી ગયા કેમકે આ બસો અમરેલી સુરત રૂટમાં ચાલતી બસો હતી જયદેવ આ રૂટો ઉપરા ઢસા, ચાવંડ લાઠી વિગેરે સ્થળોએ અગાઉ ફરજ બજાવતો હતો. તેથી તેઓ ઓળખી ગયેલા તેમણે તોફાનોનું આક્રમણ નજારો નજરે ઝોયેલુ તથા હવે બસો ગામ બહાર સહીસલામત કાઢવી અધરી હતી. તેમણે જયદેવને આ અંગે રજૂઆત કરતા તેણે આશ્ર્વાસન આપ્યું અને રાત્રીનાં આઠેક વાગ્યે સુરતના તમામ લોકોને બેસાડી બસોને સહી સલામત રીતે બ્રાહ્મણવાડા હાઈવે સુધી પહોચાડી દીધી આથી રાષ્ટ્રવાદી પાર્ટીના લોકો ખુબ ખુશ થયેલા.

મતદાન પૂરૂ થયા પછી રાષ્ટ્રીય પાર્ટીના કાર્યકરે રાષ્ટ્રવાદી પાર્ટીના લોકો વિરૂધ્ધ હુલ્લડ,પથ્થરમારો અને મુઢમાર તથા જાહેરનામાં ભંગની એફ આઈઆર આપતા તે જયદેવે જાતે નોંધી લઈ ઉંઝા ગુન્હો દાખલ કરવા મોકલી આપી (ગુ.ર.નં. આઈ. ૩૩૭/- ઈપીકો કલમ ૧૪૩. ૧૪૭, ૧૪૮, ૧૪૯, ૩૩૭. ૩૨૩ બી.પી.એકટ ૨. ૧૩૫)

મોડીરાત્રે ગામમાં શાંતી જણાતા જરૂરી પોલીસ બંદોબસ્ત રાખી જયદેવ ઉંઝા આવ્યો ત્યાં ઉંઝા સરકારી હોસ્પિટલમાંથી વિશોળ ગામનાં ઈજાગ્રસ્તની નોંધ આવતા જયદેવ હોસ્પિટલમાં આવ્યો જયાંરાષ્ટ્રવાદી પાર્ટીના એક કાર્યકરની અસ્થિભંગ ફેકચર ઈજા સામેની પાર્ટીના લોકોએ ગેરકાયદેસર મંડળી રચી હુલ્લડ કરી હાડકા ભાંગી ગંભીર ઈજાઓ કયાની ભારતીય દંડસંહિતા કલમ ૧૪૭, ૪૮. ૩૨૪, ૩૨૬ વિ મુજબ (ગુ.૨.. આઈ ૩૩૮) નોંધી ગુન્હો દાખલ કરાવ્યો.

હોસ્પિટલમાં રાષ્ટ્રવાદી પાર્ટીના જીલ્લા ડેલીગેટ હાજર જ હતા તેઓ વિશોળ ખાતેની દિવસ દરમ્યાનની પોલીસની કાર્યવાહી તથા રાત્રીનાં જયદેવે સુરતની બસોને સહિ સલામત હાઈવે સુધી રવાના કરેલી તેથી ખૂબ ખુશ હતા તેમણે ઉંઝા હોસ્પિટલમાંથી જ સિધ્ધપૂરના તેમની પાર્ટીના ઉમેદવારને મોબાઈલ ફોન લગાડયો કે જેઓ ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં કાંઈક સારવારમાં દાખલ થયા હતા તેમને આ ડેલીગેટે ફોન ઉપર કહ્યું કે વિશોળના બનાવમાં પોલીસે ખૂબ જ સારૂ કામ કર્યું છે તો તમે ઉંઝા પીઆઈ જયદેવ સાથે વાત કરો તેમ કહી ફોન જયદેવને આપ્યો. માનસીક પરિતાપથી પીડિત અને અતિશય થાકી ગયેલા જયદેવને આવી કોઈ વાત કરવાની ઈચ્છા જ નહતી પરંતુ ડેલીગેટે ધરાહાર ફોન પકડાવતા જયદેવે વાત ચાલુ કરી ‘નમસ્કાર સાહેબ’ આથી ઉમેદવારે કહ્યું ‘વિશોળ ગામના બનાવમાં પોલીસે જે પગલા લીધા તે પ્રશંસનીય છે’ આથી જયદેવે કહ્યું પોલીસતો હંમેશા ‘બહુજન હિતાય બહુજન સુખાય’ની રીતે જ કામ કરતી હોય છે. આથી ઉમેદવારે કહ્યું ‘પોલીસ કયાં મફતમાં કામ કરે છે?’ આથી થાકેલો અને માનસીક પરિતાપથી તપ્ત જયદેવે કહ્યું’ તો વિધાયકો પણ કયાં મફત કામ કરે છે? હેઠે પગાર મુકે છે ? એકતો જનતાના મતથી ચૂંટાય છે. છતા ડે. કલેકટર જેટલો તગડો પગાર કટકટાવે છે. અને જો તમારી આવી જ માનસીકતા હોયતો કુદરત રાજી ન રહે.(અનુભવે એવું જણાય છે કે હવે ની સરકારો અને ધારાગૃહોનાં સભ્યો દેશહિત કે જાહેરહિત અંગે તટસ્થતાથી વિચારવા ઉપરાંત વ્યકિત લક્ષી પણ વિચારવા લાગ્યા હોય તેવું જણાય છે, જે ઘણી સોચનીય બાબત ગણાય.)

આઝાદી મળી કે તૂર્ત જ મહાત્મા ગાંધી સરદાર વલ્લભભાઈ પટેલ જવાહરલાલ નહેરૂ અને ડો. આંબેડકરે એક અખંડ હિન્દુસ્તાનની કલ્પના સાકાર કરવા માટે દેશના જુદાજુદા ૫૬૫ પાંચસો પાંસઠ જેટલા રજવાડાઓને સમજાવી, વિશ્ર્વાસ અને વચનઆપી રજવાડાઓની સ્થાવર અને જંગમ મીલ્કત સહિતની સતા મેળવેલી અને રાજાઓએ આ વિશ્ર્વાસ અને વચને લઈને તેમના રજવાડા બાપ દાદાની, બાપ દાદાની શહીદી અને વારસ રૂપ મીલ્કત સરદાર વલ્લભભાઈને સમર્પિત કરેલા કે તેમને આજીવન, વારસાગત સાલીયાણા (પેન્શન જેવું) જીવન નિર્વાહ માટે બાંધી આપે અને ડો.આંબેડકરે ભારતીય બંધારણમાં પણ સાલીયાણાની જોગવાઈ સામેલ કરેલી.

પરંતુ વ્યકિતગત અહમ ને કારણે આ મહાનુભાવો પૈકી આ એક મહાનુભાવનાં વારસદાર એવા ઈન્દીરાગાંધીએ જ આ ભારતના મહાનુભાવો મહાપુરૂષોએ આપેલ વિશ્ર્વાસનો ભંગ કરી ડો. આંબેડકરે જે જોગવાઈ સાલીયાણા માટે ભારતીય બંધારણમાં કરેલ તે બંધારણમાં સુધારો કરી સાલીયાણા સદંતર બંધ કરેલા.

તેતો ઈતિહાસ થઈ ગયો પરંતુ હવે દેશના વિવિધ ધારાગૃહોમાં ફકત પાંચ વર્ષ માટે જ ચૂંટાયેલા સભ્યો (પાંચ વર્ષના સુલતાનો) (પોતા માટે) ડે.કલેકટર જેટલો પાંચ વર્ષ માટે પગાર-વિવિધ ભથ્થાઓ ફેસીલીટીઓ અને આજીવન ડે. કલેકટર રેન્કનું પેન્શન આપવા પ્રજાના જ મતે ચૂંટાયેલા માટે પ્રજાના જ પૈસામાંથી પેલી ઉકિત દલાતરવાડી રીંગણા લઉ બેચાર ? લેને દસ બાર’ માફક જાતે જ ઠરાવો કરી મેળવે છે અ ને સમયાંતરે તેમાં વધારો કરતા જ જાય છે. પછી ભલે પાંચ વર્ષ જલસા મારી લોકોપયોગી એક પણ પ્રશ્ર્નોતરી ગૃહોમાં કરી હોય કે ન કરી હોય ! જયારે બીચારા સરકારી કર્મચારીઓતો ૩૦-૩૫ વર્ષ વૈઠવૈતરૂ કર્યા પછીની જે પેન્શન પ્રથા હતી તેમાં પણ ફેરફારની કાર્યવાહી ચાલુ છે આમાં વિશ્ર્વસનીયતા કયાં?

આમ બંને વચ્ચે વાતચીતમાં જ મામલો દોઢે  ચઢતા જીલ્લા ડેલીગેટે હાંફળા ફાંફળા થઈને જયદેવ પાસેથી ફોન લઈ ઉમેદવારને કહ્યું કે તમે આભાર ને બદલે આ રામાયણ કયાં કરી? ફોન કાપી જયદેવને ભલુ મનાવવા કહેવા લાગ્યા કે સાહેબ (ઉમેદવાર)ને ગાંધીનગર હોસ્પિટલમાં દાખલ કર્યા છે તેથી આવું થયું આથી જયદેવે કહ્યું ‘તેઓ તો આધુનિક સુલતાન છે. બધુ ચાલે અમે તો દવાખાને દાખલ નથી થયા તે જ બાકી છે. કેમકે અમે તો વેઠીયા છીએને ?’

આ બબાલની પેન્થરસરને ખબર પડતા તેમણે તૂર્ત જ મહેસાણા જીલ્લાના ચાર્જમાં રહેલા પોલીસ વડાને ફોનથી આ બનાવ અંગે જણાવ્યું અને કહ્યું કે હવે ચૂંટણી પૂરી થઈ હવે લશ્કર (જયદેવ)ને આરામ માટે બેરેકમાં મોકલવા જરૂરી છે. આથી તૂર્ત જ વળતો વાયરલેસ મેસેજ મહેસાણાથી ઉંઝા આવ્યો કે પીઆઈ જયદેવને દસ દિવસની હકક રજા ઉપર છૂટા કરવામાં આવે છે!

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.