Abtak Media Google News

બે વર્ષમાં ઈન્ટરનેટ વપરાશકર્તાઓની સંખ્યામાં ૧.૨૯ કરોડનો વધારો જયારે મોબાઈલ કનેકશનમાં ૩૬ લાખનો વધારો નોંધાયો

વિશ્ર્વભરમાં ગુજરાત રાજય પોતાનું આગવુ સ્થાન ધરાવી રહ્યું છે ત્યારે વર્ષ ૨૦૧૮-૧૯માં નોંધાયેલી ગુજરાત રાજયની વસ્તી ૬.૬૮ કરોડની છે. આશ્ર્ચર્યની વાત એ છે કે, રાજયની વસ્તીની સરખામણીમાં મોબાઈલ વપરાશકર્તાઓની સંખ્યા વધું છે.

ગુજરાત રાજયમાં મોબાઈલ કનેકશન ધરાવતા વપરાશકર્તાઓની સંખ્યા ૬.૯૨ કરોડે પહોંચી છે એટલે કહી શકાય કે, રાજયમાં જન્મેલ બાળક પાસે પણ મોબાઈલ ફોન હોય છે. સોશિયો ઈકોનોમીક રીવ્યુમાં જાહેર કરવામાં આવેલા આંકડા અનુસાર ગુજરાતમાં ૬૪ ટકા લોકો ઈન્ટરનેટનો ઉપયોગ કરે છે.

સોશિયો ઈકોનોમિક રીવ્યુ આધારે વર્ષ ૨૦૧૯-૨૦માં ૩૧ ઓકટોબર ૨૦૧૯નાં રોજ ગુજરાત રાજયનાં ૮.૫ લાખ જેટલા લેન્ડલાઈન કનેકશન બીએસએનએલ મારફતે જોવા મળ્યા હતા. ટેલીકોમ રેગ્યુલેટરી ઓથોરીટી ઓફ ઈન્ડિયા એટલે કે ટ્રાઈ દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડા મુજબ જીએસએમ સેલ્યુલર કનેકશનની સંખ્યા ૬.૯૨ કરોડ ઓકટોબર ૨૦૧૯ સુધી જોવા મળ્યું છે.

જયારે સપ્ટેમ્બર ૨૦૧૯ સુધીમાં ઈન્ટરનેટ વપરાશકર્તાઓની સંખ્યા ૪.૨૬ કરોડ નજરે પડી છે.

વર્ષ ૨૦૧૭માં અંદાજે ૧૦.૫૦ લાખ બીસીએનએલનાં લેન્ડલાઈન કનેકશનનો આંકડો સામે આવ્યો છે ત્યારે ઈન્ટરનેટ કનેકશનનો આંકડો ૨.૯૭ લાખ હોવાનું પણ જણાવવામાં આવ્યું હતું. સેલ્યુલર ઓપરેટર્સ એસોસીએશન ઓફ ઈન્ડિયા દ્વારા માહિતી મુજબ ઓકટોબર ૨૦૧૭નાં અંત સુધીમાં ગુજરાત રાજયમાં જીએસએમ સેલ્યુલર કનેકશન ૬.૫૬ કરોડ રહેવા પામ્યું હતું.

રિલાયન્સ જીઓ બજારમાં આવતાની સાથે જ અનેકવિધ સર્વિસ પ્રોવાઈડર કંપનીઓને જાણે તાળા લાગી ગયા હોય તેવી સ્થિતિ પણ નિર્માણ પામી હતી ત્યારે રિલાયન્સ જીયોને બાદ કરતા કોઈપણ સર્વિસ પ્રોવાઈડર તેના યુઝરોને પણ ગુમાવ્યા હતા ત્યારે બીએસએનએલ દ્વારા લેન્ડલાઈન યુઝરોની સંખ્યામાં ઘણાખરા અંશે ઘટાડો નોંધાયો હતો અને આશરે ૨ લાખ કનેકશનો તુટયા હોવાનું પણ સામે આવ્યું છે. જયારે બીજી તરફ ઈન્ટરનેટનો ઉપયોગ કરતા લોકોની સંખ્યામાં વધારો નોંધાયો છે.

ગત ૨ વર્ષમાં ઈન્ટરનેટ યુઝરોની સંખ્યા ૧.૨૯ કરોડ સુધી પહોંચી છે જયારે સેલ્યુલર એટલે કે મોબાઈલ કનેકશનમાં ૩૬ લાખનો પણ વધારો નોંધાયો છે.

સીઓએઆઈનાં રીપોર્ટ મુજબ રાજયમાં બીએસએનએલ વપરાશકર્તાઓની સંખ્યા ૮.૨૬ લાખ રહેવા પામી હતી. સુત્રોનાં જણાવ્યા મુજબ ગુજરાતમાં બીએસએનએલે ૨૧ હજાર કનેકશન માત્ર બે મહિનામાં જ ગુમાવ્યા છે.

બે માસમાં જે ૬.૭૪ કરોડ મોબાઈલ કનેકશન ધારકો હતા તેમાં વર્ષ ૨૦૧૯નાં નવેમ્બર અને ડિસેમ્બર માસમાં ૧૮ લાખ લોકોએ મોબાઈલ ફોન કનેકશન બંધ કરાવ્યા હતા. સર્વે મુજબ રાજયમાં અનેકવિધ લોકો પાસે બે મોબાઈલ ફોન હોવાનું સામે આવ્યું છે જેમાંથી એક ફોન મારફતે તેઓ તેમના નજીકનાં લોકો સાથે વાતચીત માટે ઉપયોગમાં લેતા નજરે પડયા છે.

જયારે બીજા ફોન મારફતે  તેઓ ઈન્ટરનેટનો ઉપયોગ કરતા હોવાનું જણાવવામાં આવ્યું છે. સંસ્થાનાં અધિકારીઓ દ્વારા મળતી વિગતો મુજબ ઈન્ટરનેટ કનેકશનનો ઉપયોગ કરતા લોકોની સંખ્યામાં દિન-પ્રતિદિન વધારો નોંધાયો છે ત્યારે નીતિ આયોગ દ્વારા જાહેર કરવામાં આવેલા રીપોર્ટમાં ગુજરાતનાં દર ૧૦૦ લોકોમાંથી ૪૨ લોકો ઈન્ટરનેટનો ઉપયોગ કરી રહ્યા છે જે ઓકટોબરનાં અંત સુધીમાં પ્રતિ ૧૦૦ વ્યકિતઓમાંથી આંકડો ૬૪ લોકોએ પહોંચ્યો છે.

હાલ જે રીતે ઈન્ટરનેટનો વ્યાપ વધવો જોઈએ તેની સરખામણીમાં હજુ આંકડો ખુબ જ ઓછો આવ્યો હોય તેવું લાગે છે. કારણકે ગ્રામ્ય વિસ્તારોમાં વસતા લોકો જે ફોનનો ઉપયોગ કરે છે તે ઈન્ટરનેટ ફ્રેન્ડલી નહીં પરંતુ એકબીજા સાથે વાતચીતનાં ઉપયોગમાં લેવા માટે જ કરતા હોવાનું સામે આવ્યું છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.