Abtak Media Google News

વિવેકાનંદ નગર, દેવપરા, હુડકો, સિયાણીનગરમાં આરોગ્ય તંત્રનું સઘન ચેકિંગ: જંગલેશ્ર્વરની ૧૬ શેરીઓ કરાઈ સીલ

શહેરમાં કોરોના કોવિડ-૧૯ વાયરસના જંગલેશ્ર્વર વિસ્તારમાં ૯ પોઝિટીવ કેસ નોંધાયા બાદ વિસ્તારને હોટ સ્પોટ તરીકે જાહેર કરવામાં આવ્યો છે. જ્યારે ત્રણ દિવસ પહેલા યુવાનનો પોઝિટીવ રિપોર્ટ આવ્યા બાદ તેના પાંચ પરિવારજનોનો પણ રિપોર્ટ પોઝિટીવ આવતા જંગલેશ્ર્વરની શેરી નં.૨૭ને સીલ કરવામાં આવી હતી. જંગલેશ્ર્વર વિસ્તારને હોટ સ્પોટ જાહેર કરાયા બાદ સતત શંકાસ્પદ દર્દીઓની સંખ્યામાં વધારો થતો જોવા મળી રહ્યો છે. ત્યારે આજરોજ જંગલેશ્ર્વરની એક મહિલા કે જે છ ઘરોમાં કામ કરવા જતિ હતી તેને કોરોનાના લક્ષણો જણાતા આઈસોલેશન વોર્ડમાં દાખલ કરી ઘરકામ કરવા જતાં છએય પરિવારોના સેમ્પલ લેવાની તજવીજો હાથ ધરવામાં આવી છે.

જંગલેશ્ર્વર વિસ્તારમાં રહેતી મહિલા શહેરના વિવેકાનંદનગર, દેવપરા, હુડકો અને શિયાણીનગરમાં ઘરકામ કરવા માટે જતી હતી તે દરમિયાન મહિલાને કોરોના શંકાસ્પદ જણાતા ઘરકામ કરવા જતાં તમામ પરિવારોના સેમ્પલ લઈ લેબોરેટરી ખાતે મોકલવા માટે આરોગ્ય તંત્ર દોડતું થયું હતું. જંગલેશ્ર્વરમાં અત્યાર સુધી લોકલ ટ્રાન્સમીશનના કારણે કોરોના પોઝિટીવ કેસમાં વધારો થતાં તે જ વિસ્તારના કુલ ૯ વ્યક્તિઓને કોરોનાનો ચેપ લાગ્યો હતો. દિન પ્રતિદિન આરોગ્ય તંત્ર દ્વારા સધન ચેકિંગ કરી બને તેટલા વધારે સેમ્પલો મેળવી કોરોનાગ્રસ્ત દર્દીઓની શોધખોળ કરવામાં આવી રહી છે.

આરોગ્ય તંત્ર દ્વારા જંગલેશ્ર્વર વિસ્તારને હોટસ્પોટ જાહેર કરવામાં આવ્યો છે. આ જ વિસ્તારમાંથી કુલ ૯ વ્યક્તિને કોરોના પોઝિટીવ નોંધાયા બાદ આરોગ્યતંત્ર સાથે પોલીસ કર્મચારીઓ પણ દોડી ગયા હતા. જંગલેશ્ર્વરની શેરી નં.૧૭માં યુવાનનો રિપોર્ટ પોઝિટીવ આવ્યા બાદ લોકલ ટ્રાન્સમીશનના કારણે તેના પાંચ પરિવારજનોનો રિપોર્ટ પણ પોઝિટીવ આવતા પોલીસ દ્વારા શેરી નં.૨૭ને સીલ કરી દેવામાં આવી હતી. આ સાથે આજરોજ જંગલેશ્ર્વરમાં સધન ચેકિંગની સાથે સાથે વિસ્તારની પાછળ આજી નદીનો અઢી કિલોમીટર સુધીનો પટ્ટો પતરાથી સીલ કરી દેવામાં આવ્યું હતું. લોકડાઉનને ફરજિયાતપણે પાલન કરાવવા માટે પોલીસ કર્મચારીઓ કાર્ય કરી રહ્યાં છે. તે દરમિયાન વિસ્તારના લોકો સાથે પણ ઘર્ષણ જેવી સ્થિતિ જણાય રહી છે. આજરોજ જંગલેશ્ર્વર અને આસપાસના વિસ્તારોને પતરાથી સીલ કરી દેવાતા વિસ્તારના રહેવાસીઓ અને તંત્ર વચ્ચે ઘર્ષણ થતાં પોલીસ દોડી ગઈ હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.