Abtak Media Google News

રાજય સરકારે ગત ૪ દિવસમાં ૩૯ ટ્રેનો દોડાવી ૪૬ હજાર મજુરોને તેમના વતન પરત મોકલ્યા

લોકડાઉન થતાની સાથે જ દેશનાં ધંધા-રોજગારો જે રીતે ઠપ્પ થયા છે તેનાથી ઉધોગકારોને ઘણી ખરી તકલીફનો પણ સામનો કરવો પડે છે. ઉધોગકારોનાં જણાવ્યા મુજબ પરપ્રાંતિય મજુરોને જે રીતે સાચવવામાં આવ્યા છે ત્યારે તેમની હિજરત ઉધોગ માટે અત્યંત કપરી નિવડશે. મુખ્યત્વે પરપ્રાંતિય મજુરો કામ કરતા હોવાથી તેમની અવેજીમાં કોન પુરી કરશે તે પણ એક સૌથી મોટો પ્રશ્ર્ન સામે આવ્યો છે. ઉધોગકારોનું માનવું છે કે, લોકડાઉન દરમિયાન સરકાર દ્વારા આપવામાં આવેલા આદેશથી જે રીતે પરપ્રાંતિય મજુરોને સાચવવામાં આવ્યા અને તેઓને જરૂ રીયાત મુજબનાં નાણા આપવામાં આવ્યા ત્યારે હવે જયારે ઉધોગને તેમની જરૂર છે તો સરકાર તે તમામ મજુરોને વતન મોકલવા માટે જણાવે છે.

જો પરપ્રાંતિય મજુરોની અછત લાંબા સમય સુધી દેખાણી તો આગામી દિવાળી સુધી ધંધા-રોજગારો બેઠા થઈ શકશે નહીં જેની સીધી અસર દેશનાં અર્થતંત્ર ઉપર પડશે. આગામી મહિનાઓ સુધી સ્થિતિ સામાન્ય થવાની કોઈ શક્યતા હાલ નથી દેખાતી.સુરતની ટેક્સ્ટાઈલ ઈન્ડસ્ટ્રીમાં ૧૨-૧૪ લાખ પરપ્રાંતિય કામદારો કામ કરે છે. જેમાંથી મોટી સંખ્યામાં લોકો પોતાના વતન જતા રહ્યા છે, અને જે બચ્યા છે તે પણ અહીં રહેવા નથી માગતા. સિરામિક ઈન્ડસ્ટ્રી, બાંધકામ ઉદ્યોગ, એન્જિનિયરિંગ ટૂલ્સ તેમજ અન્ય ઉદ્યોગોની પણ આ જ સ્થિતિ છે. ગુજરાતમાં વિવિધ ઈન્ડસ્ટ્રીમાં કામ કરતા પરપ્રાંતિયોનું પ્રમાણ ૫૦ ટકાથી પણ વધારે છે. મજૂરોને તેમની ગરીમા જળવાય તે રીતે સાચવવા જરુરી હતા, પરંતુ લોકડાઉનમાં તેવું કશુંય નથી થઈ શક્યું. ઓલ ઈન્ડિયા વ્યાપાર મંડળની ટેક્સ્ટાઈલ કમિટિ ફેડરેશનના સિનિયર વાઈસ પ્રેસિડેન્ટ તારાચંદ કસાટ પણ કંઈક આવો જ ભય વ્યક્ત કરે છે.

પરપ્રાંતિય મજૂરો તેમના વતનભેગા થઈ જતાં હવે રાજ્યમાં ઉદ્યોગો શરુ કરવામાં મોટી મુશ્કેલી આવી રહી છે. લોકડાઉન ખૂલી જાય તો પણ યુપી, બિહાર અને ઓડિશાના મજૂરો પાછા ના આવે ત્યાં સુધી ઉદ્યોગો તેમની પૂર્ણ ક્ષમતાથી ધમધમતા કરવા મુશ્કેલ છે. પોતાના વતન ગયેલા મજૂરો ચોમાસામાં ખેતીમાં લાગી જશે, અને તેમનું પાછા આવવું ઓર મુશ્કેલ બનશે. આ સ્થિતિમાં ઉદ્યોગકારો માની રહ્યા છે કે, હવે દિવાળી પછી જ પ્રોડક્શનની ગાડી પાટે ચઢી શકે તેમ છે. દેશમાં સૌથી વધુ પરપ્રાંતિયોની સંખ્યા ધરાવતા સુરતમાં વિશ્વના ૯૦ ટકા હીરા પ્રોસેસ થાય છે. હીરા ઉદ્યોગમાં ૭ લાખ લોકો જોડાયેલા છે. જેમાંથી ૧૦ ટકા અન્ય રાજ્યોના છે.

જોકે, ૭૦ ટકાથી વધુ રત્ન કલાકારો સૌરાષ્ટ્રના છે, અને તેઓ પણ ઉચાળા ભરી વતન જવા લાગ્યા છે. તેમનું કહેવું છે કે, પરપ્રાંતિયો ખૂબ જ ગુસ્સામાં છે. ૪૦ દિવસ સુધી તેમણે ખૂબ જ તકલીફો ભોગવી છે. તેમના જવાથી ૧૫ ટકા જેટલો ધંધો કાયમ માટે ખતમ થઈ જશે તેવો ડર છે. જે પરપ્રાંતિયો વતન ચાલ્યા ગયા છે તેમાના મોટાભાગના દિવાળી પછી જ પરત ફરે તેવી શક્યતા છે. લોકડાઉનમાં કામધંધા ઠપ્પ થઈ જવાથી સુરતની ટેક્સ્ટાઈલ ઈન્ડસ્ટ્રી દર મહિને ૧૧,૫૦૦ કરોડનું નુક્સાન કરી રહી છે. જોકે, લોકડાઉન ખૂલી જાય ત્યારબાદ પણ પરપ્રાંતિય કામદારોની ગેરહાજરીમાં વેપાર-ધંધા ચલાવવા જરાય સરળ નહીં હોય.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.