Abtak Media Google News

જીએસટીના વિરોધમાં હડતાલ પર ઉતરી જવાની ચીમકી સંદર્ભે મ્યુનિ.કમિશનરે કોન્ટ્રાકટરો સાથે તાકીદની બેઠક યોજી: સાંજે ફરી મીટીંગ

કેન્દ્ર સરકાર દ્વારા ગત ૧લી જુલાઈથી લાગુ કરવામાં આવેલા જીએસટી સામે દેશમાં ઠેર-ઠેર વિરોધ વંટોળ ફાટી નિકળ્યો છે. જીએસટી સામે આંદોલનનું રણશીંગુ ફુંકતા ગુજરાતના તમામ સરકારી કોન્ટ્રાકટરો છેલ્લા ત્રણ દિવસથી હડતાલ પર ઉતરી ગયા છે. દરમિયાન આજે મ્યુનિ.કમિશનર બંછાનિધી પાનીએ મહાનગરપાલિકાના તમામ કોન્ટ્રાકટરો સાથે એક તાકીદની બેઠક યોજી હતી. સાંજે ફરી બેઠક યોજવામાં આવશે. કાલથી શહેરમાં બાંધકામ, ડ્રેનેજ અને રોડ-રસ્તાના કામો બંધ થાય તેવી પણ ભીતિ ઉભી થઈ છે. જોકે પાણી વિતરણનું કામ આવશ્યક સેવામાં આવતું હોવાના કારણે તે ચાલુ રહેશે.  જીએસટીના વિરોધમાં રાજયભરમાં સરકારી કોન્ટ્રાકટરો ત્રણ દિવસથી હડતાલ પર ઉતર્યા છે. મહાપાલિકામાં બાંધકામના કોન્ટ્રાકટરોએ આવાસના કામ અટકાવી દીધા છે અને બીજા તમામ કામો અટકાવી દેવાની ચીમકી આપી હોય આજે મ્યુનિ.કમિશનરે તમામ સાથે તાકીદની બેઠક બોલાવી હતી. જેમાં કોઈ નિવેડો ન આવતા સાંજે ફરી બેઠકમાં બોલાવવામાં આવી છે.

મહાપાલિકાના કોન્ટ્રાકટરો આવતીકાલથી બાંધકામ, ડ્રેનેજના કામ અને ડામરના કામ સહિતના સેવાઓ બંધ કરી દેવાના મુડમાં છે.

જો કે પાણી વિતરણનું કામ આવશ્યક સેવાઓમાં આવતુ હોય તેને ચાલુ રાખવાનો નિર્ણય લેવાયો છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.