Abtak Media Google News

રાજકોટ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા રમઝાન ઈદની ઉજવણી સમરસ કવોરન્ટાઇન ફેસેલીટી સેન્ટર ખાતે આજે ધાર્મિક પુસ્તકો, બાળકોને રમકડા તથા ચોકલેટ અને મીઠી સેવૈયાના વિતરણ સાથે કરવામાં આવી હતી. રાજકોટ શહેર તથા ગ્રામ્ય વિસ્તારના જે નાગરિકોને કોરોના પોઝીટીવનું નિદાન થયું હોય, તેમના પરિવારજનો તથા સંસર્ગમાં આવેલા તમામને સમરસ હોસ્ટેલ ખાતે કવોરન્ટાઇન કરવામાં આવે છે. આ નાગરિકો પૈકીના મુસ્લિમ બિરાદરોની ધાર્મિક લાગણીને માન આપીને આજે ડેપ્યુટી કલેકટર અને આ સેન્ટરના નોડલ ઓફિસર સરયુબેન ઝંકાત દ્વારા ધાર્મિક પુસ્તકો, બાળકોને કેરમ, પઝલ, લુડોની રમતો, ચોકલેટ અને સાંજના જમણમાં મીઠી સેવૈયાનું વિતરણ કરાયું હતું.

સમરસ સેન્ટર ખાતે કવોરન્ટાઈન કરાયેલા ૧૪૨ નાગરિકો પૈકી ૪૫ નાગરિકો મુસ્લિમો છે તથા ૧૫ વર્ષથી નાના ૨૭ બાળકો છે તેમના લાભાર્થે આ કાર્યક્રમનું આયોજન કરાયું હતું, જેની કવોરન્ટાઇન થયેલા તમામ નાગરીકોએ સરાહના કરી હતી અને સેન્ટર ખાતે ઉપલબ્ધ ભોજન, નિવાસ તથા અન્ય સુવિધાઓ પ્રત્યે સંતોષ વ્યકત કર્યો હતો.

સમરસ હોસ્ટેલ ખાતે કાર્યરત ફેસિલિટી સેન્ટર ખાતે કામ કરતા તમામ કર્મચારીઓ તથા સફાઇ કામદારોને પણ છ પ્રકારની આયુર્વેદિક દવાઓ, કાવો તથા  હોમિયોપેથીની દવાઓનું નિયમિત સેવન કરાવવામાં આવે છે. તથા તેમને કોરોનાનું સંક્રમણ ન થાય તે માટે તકેદારીના તમામ પગલા લેવામાં આવે છે.

Samras Hostel 5

સમરસ સેન્ટર ખાતે જાવેદ પઠાણ નામના મુસ્લિમ બિરાદર તેમના પરિવારના અન્ય ચાર સભ્યો સાથે અત્રે કવોરન્ટાઇન થયેલા છે. તેમણે જણાવ્યું હતું કે અહીં અમને તમામ પ્રકારની સુવિધાઓ ઉપલબ્ધ છે જેનાથી અમે પૂર્ણ રીતે સંતુષ્ટ છીએ. અમારા બાળકોને રમવા માટે રમકડા, ચિત્ર દોરવા માટે ડ્રોઈંગ બુક, ચોકલેટ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા આપવામાં આવે છે નિયમિત રીતે અમારુ ફિઝિકલ ચેક-અપ કરવામાં આવે છે તેમજ જે લોકોને માનસિક સધિયારાની જરૂર હોય તેમને કાઉન્સેલિંગ પણ કરવામાં આવે છે. ઘણી વખત તો એવું લાગે છે કે આટલી સરસ સુવિધાઓ અમને અમારા ઘરમાં પણ ન મળી હોત.

યુનિવર્સિટી રોડ પર આવેલ સમરસ બોયઝ હોસ્ટેલમાં કાર્યરત કવોરન્ટાઇન ફેસેલીટી સેન્ટરમાં હાલ ઉપલેટા, ધોરાજી, જેતપુર, આટકોટ, કોટડાસાંગાણી, જસદણ તથા રાજકોટ શહેરના કુલ ૧૪૨ નાગરિકોને કવોરન્ટાઇન કરવામાં આવ્યા છે. આ સેન્ટર ખાતે બે શિફ્ટમાં મામલતદાર ઉત્તમ કાનાણી તથા જીનેશ મહેતાની રાહબરી હેઠળ નાયબ મામલતદાર એસ.કે ઉધાડ સહિત તલાટી એસ.એ.રાણા તથા રાઘવ સોનગ્રા ઉપરાંત એચ. એન. ચાવડા પાર્થ મૈયડ, ડો.જયદીપ ભુંડીયા સહિતનો સ્ટાફ રાઉન્ડ ધ કલોક તેમની ફરજો બજાવી રહ્યા છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.