બ્રિજને પહોળો કરાશે: ડાબી સાઈડનું બાંધકામ અને પૂજારીની ઓરડી હાલની જગ્યાએથી હટાવી બીજી તરફ બનાવાશે: અન્ય અનેક બ્યુટીફીકેશનની કામગીરી પણ કરાશે
યાત્રાધામ વિકાસ બોર્ડના એમડી અને ધારાસભ્ય ગોવિંદભાઇ પટેલ સહિતનાની બેઠક મળી: આઠથી દસ દિવસમાં કામ શરૂ કરી દેવાશે
શહેરના આસ્થાન કેન્દ્ર એવા પૌરાણિક રામનાથ મહાદેવ મંદિરના બ્યુટીફીકેશનની કામગીરી માટે આજે યાત્રાધામ બોર્ડના એમડીની અધ્યક્ષતામાં કલેકટર કચેરી ખાતે બેઠક મળી હતી. જેમાં મંદિરની પાસે ૪ ફૂટની દીવાલ બનાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. જેથી નદીનું પાણી મંદિરમાં ઘૂસે નહિ. આ સાથે અનેકવિધ મહત્વપૂર્ણ નિર્ણયો પણ લેવામાં આવ્યા હતા.
રાજકોટ શહેરમાં આવેલા રામનાથ મહાદેવ મંદિરના વિકાસ માટે આજે યાત્રાધામ વિકાસ બોર્ડની બેઠક મળી હતી. જેમાં અધ્યક્ષ સ્થાને બોર્ડના એમડી ચૌબલ, ધારાસભ્ય ગોવિંદભાઇ પટેલ , અધિક કલેકટર પરિમલ પંડ્યા અને પ્રાંત અધિકારી ચરણસિંહ ગોહિલ ઉપસ્થિત રહ્યા હતા. આ બેઠકમાં નક્કી કર્યા પ્રમાણે રામનાથ મહાદેવ મંદિરમાં દર વર્ષે નદીમાં પુર આવવાના કારણે પાણી ઘુસી જવાની સમસ્યા રહે છે. જે માટે મંદિર પાસે ૪ ફૂટ ઊંચી રિટર્નિંગ વોલ બનાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
આ દિવાલના કારણે નદીમાં ૩ ફૂટ સુધીનું પુર આવશે ત્યાં સુધીમાં મંદિરમાં પાણી ઘુસી શકશે નહીં અને ભાવિકો મંદિરમાં જઈને દર્શન કે પૂજાનો લાભ લઇ શકશે. વધુમાં અહીં આવેલા બ્રિજને પણ પહોળો કરવામાં આવશે. સાથે ડાબી સાઈડમાં જે બાંધકામ હોય તેના લીધે મંદિરનો પીલોર દબાઈ ગયો છે. માટે મંદિરના ડાબી સાઈડના બાંધકામને હટાવી લેવામાં આવશે. ઉપરાંત પૂજારીની ઓરડીની જગ્યા પણ ફેરવવામાં આવશે.
રામનાથ મહાદેવ મંદિરના બ્યુટીફીકેશનની આ કામગીરી એકાદ અઠવાડિયામાં શરૂ કરી દેવામાં આવનાર છે. આ કામગીરીમા કોર્પોરેશનની ટિમને પણ સાથે રાખવામાં આવનાર છે. કારણ કે મહાપાલિકા ભવિષ્યમાં રિવરફ્રન્ટનો પ્રોજેકટ શરૂ કરે તો આ મંદિરનું કોઈ બાંધકામ નડતરરૂપ બને નહિ.