Abtak Media Google News

રાજકોટના ઠાકોર માંધાતાસિંહજીના સંયોજનમાં કોલેજ ફાઉન્ડીંગ, હાઉસીંઝ દ્વારા ટ્રસ્ટ – સેક્રેટરીને રજૂઆત

ઓનલાઇન શિક્ષણ શરૂ કરવા વિદ્યાર્થી-કર્મચારીનું હિત જાળવવા સહિતના મુદ્દે રજૂઆતો

ભારતની ગણમાન્ય શૈક્ષણિક સંસ્થામાં જેનું મોખરાનું નામ છે એવી રાજકુમાર કોલેજ,રાજકોટના સૌ ફાઉન્ડીંગ હાઉસીઝના પ્રતિનિધીઓએ વર્તમાન અને પડતર મહત્વના પ્રશ્નો માટે સંસ્થાના સંચાલકો અને પ્રિન્સિપાલ- ટ્રસ્ટી સેક્રેટરીને રુબરુ મળીને રજૂઆત કરી હતી.

દોઢ સદી જુની આ સંસ્થાની ગરિમા, પ્રતિષ્ઠા અને મૂલ્યોની જાળવણી યોગ્ય રીતે થાય,સંસ્થાની સ્થાપનાના મૂળમાં જે સિદ્ધાંતો પડ્યા છે એનું જતન થાય એ ઉદ્દેશથી વિવિધ ફાઉન્ડીંગ હાઉસના પ્રતિનિધીઓ એમાં જોડાયા હતા.

રાજકુમાર કોલેજમાં ૨૫ એપ્રિલથી ૩૦ જુન સુધી વેકેશન હોય છે. આથી તા. ૨૫ માર્ચ થી ૨૪ એપ્રિલ સુધીના લોકડાઉનના સમયગાળા દરમિયાનની ફી વિદ્યાર્થીઓ પાસે લઇ શકાય નહીં. અને એથી જ એપ્રિલી જુનના સમયના જે બિલોની ચૂકવણી કરવાની હોય એ પણ યોગ્ય કપાત પછી થવી જોઇએ. જુલાઇ થી સપ્ટેમ્બરના ત્રણ માસની ફી પણ નવેમ્બર ૨૦૨૦ સુધી ચૂકવી શકાશે.

ફી અને અન્ય જે વસૂલાત કરવાની છે તેના ચોક્કસ માપદંડ નક્કી કરવા માટે એક ખાસ સમિતિ રચાવી જોઇએ જે માયાળુપણા અને ઉદારતાના વલણ સાથે આર્થિક રીતે સક્ષમ ન હોય એવા પરિવારના વિદ્યાર્થી માટે સંપૂર્ણ કે જરુર હોય એટલી ફી ઘટાડી પણ શકે.

કોવીડ-૧૯ના આ કપરા અને પડકારરુપ સમયમાં આ આખા શૈક્ષણિક વર્ષ દરમિયાન કોઇ પણ વાલી-વાલીઓ ને ફી ભરી જવા માટે ફરજ પડાવવાનો પ્રયાસ ન થવો જોઇએ.  આરકેસીના કર્મચારીઓના કોઇ પણ પ્રશ્ન હોય તેનો ઉકેલ ઘરમેળે લાવવામાંઆવે જેથી એ લોકો ખોટી રીતે પરેશાન ન થાય. કદાચ કોઇ ખાતાંકીય તપાસ કરવાની હોય તો પણ એને નિષ્પક્ષ અને તથસ્ટ રીતે ઉકેલ આવવો જોઇએ. લોકડાઉન સમયનો અને એ પછીનો પગાર પણ કર્મચારીઓને નિયમીત અને પૂરતો આપવો જોઇએ એવી પણ વિનંતિ છે.

સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકેન્ડરી એજ્યુકેશન એટલે કે સીબીએસઇની માર્ગદર્શિકાનું સંપૂર્ણ પાલન થવું જોઇએ એવી માંગણી ફાઉન્ડીંગ હાઉસીઝના પ્રતિનિધીઓએ કરી છે. આરકેસીના પરિસરમાં આ પરિસરમાં આલ્કોહોલ અને તમાકુનું સેવન કોઇ પણ સંજોગમાં થવું ન જોઇએ. આ એક રેસિડેન્સિયલ વિદ્યાસંકૂલ છે. ત્યાં યુવાન વિદ્યાર્થી- વિદ્યાર્થીનીઓ ૨૪ કલાક વસે અને ભણે છે. સીબીએસઇની આચારસંહિતામાં પણ ઉલ્લેખ છે કે શરાબ અને તમાકુનું સેવન કે હેરફેર આરકેસીમાં હોવું ન જોઇએ.

આ રજૂઆતમાં રાજકુમાર કોલેજની વર્ષ ૨૦૦૦-૨૦૦૧ અને ૨૦૧૨-૨૦૧૩માં યોજાયેલી ચૂંટણીની તમામ વિગતો પણ ફાઉન્ડીંગ હાઉસીઝને આપવામાં આવે એવું આ રજૂઆતમાં કહેવાયું હતું. આરકેસી ફાઉન્ડીંગ હાઉસીઝના પ્રતિનિધીઓ ઠાકોર સાહેબ ઓફ વઢવાણ ચૈતન્યદેવસિંહજી, ઠાકોર સાહેબ  માંધાતાસિંહજી જાડેજા,રાજકોટ, ધ્રોળ ઠાકોર સાહેબ પદ્મરાજસિંહજી, મૂળી ઠાકોર સાહેબ જિતેન્દ્રસિંહજી, લાઠીના ઠાકોર સાહેબ કિર્તીકુમારસિંહજી, સાયલાના ઠાકોર સાહેબસોમરાજસિંહજી, અમરનગરના દરબાર સાહેબ અજયસિંહજી વાળા, વલ્લભીપુરના ઠાકોર સાહેબ રાઘવેન્દ્રસિંહજી, વીરપુરના ઠાકોરસાહેબ દેવેન્દ્રસિંહજી, વઢવાણના યુવરાજ સાહેબ સિધ્ધરાજસિંહજી યુવરાજસાહેબ રણજિતસિંહજી ઓફ મૂળી આ રજૂઆત વખતે ઉપસ્થિત રહ્યા હતા.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.