ભાજપની ભવ્ય જીત એટલે વિકાસની જીત: માંધાતાસિંહ

ભાજપના વિજેતા તમામ ઉમેદવારને અભિનંદન આપ્યા, રાજકોટની વિકાસયાત્રા આગળ વધારવા બદલ મતદારોને ધન્યવાદ

વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી અને મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીની વિકાસની રાજનીતિમાં લોકોએ પુન: વિશ્ર્વાસ મૂક્યો

રાજકોટ મહાનગરપાલિકાની ચૂંટણીનું પરિણામ જાહેર થતાં ભાજપના સૌ ઉમેદવારોને કોર્પોરેટર બનવા બદલ રાજકોટના ઠાકોર સાહેબ, ભાજપના અગ્રણી માંધાતાસિંહ જાડેજાએ અભિનંદન પાઠવ્યા હતા. એમણે જણાવ્યું હતું કે રાજકોટના લોકોએ પુન: વિકાસને મત આપ્યો છે. ભાજપને વિજેતા બનાવીને રાજકોટ વાસીઓએ પોતાના શહેરનો પાંચ વર્ષના વિકાસનો માર્ગ કંડારી લીધો છે.

ઠાકોર સાહેબ માંધાતાસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે રાજકોટમાં છેલ્લા ૪૨ વર્ષથી ભાજપનું શાસન છે. લોકોએ આ શહેરનો વિકાસ જોયો છે. જોઈ રહ્યા છે. આજે પુન: ભાજપ પર રાજકોટની પ્રજાએ ભરોસો મૂક્યો છે. ભાજપને બહુમતી આપી છે એ જ બતાવે છે કે રાજકોટના લોકોને વિકાસમાં રસ છે.

જે ઉમેદવારો ચૂંટાયા છે એ સૌને હું હ્ર્દય પૂર્વક અભિનંદન પાઠવું છું. એમની ઉજ્જવળ રાજકીય કારકિર્દીની શુભેચ્છા પાઠવું છું. રાજકોટના મતદારો ને પણ ખૂબ ધન્યવાદ આપું છું એવું માંધાતાસિહે જણાવ્યું હતું. રાજકોટની પ્રજા બધું સમજે છે. કેન્દ્રમાં અને રાજ્યમાં પણ ભાજપની સરકાર સતત વિકાસયાત્રા આગળ વધારી રહી છે ત્યારે રાજકોટના વિકાસની ધુરા ભાજપના હાથમાં સોંપવાનો નિર્ણય કર્યો છે તે ઘણો મોટો છે. પ્રાથમિક સુવિધા અને નવી યોજનાઓનો સમનવય પુન: ચાલુ રહેશે. રાજકોટની જનતાએ આજે આ પરિણામ દ્વારા વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી, મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી , પ્રદેશ પ્રમુખ સી આર પાટિલ અને સમગ્ર ભાજપમાં પોતાનો વિશ્વાસ પુન: પ્રસ્થાપિત કર્યો છે. ભાજપના સૌ કોઈ કાર્યકર્તાઓ ની મહેનતને પણ એમણે બિરદાવી હતી.