Abtak Media Google News

દરેકને પગભર કરી આર્થિક સક્ષમ બનાવાનું માધ્યમ એટલે ‘ખાદી’

વડોદરા જિલ્લા ગ્રામોદ્યોગ મહા મંડળનું વાર્ષિક રૂા.૯.૫ કરોડનું ટર્નઓવર

ખાદી એ ભારતે વિશ્વની આપેલી મહામૂલી ભેટ છે. પર્યાવરણને બિલ્કુલ નુકશાન કર્યા વિના બનતું કાપડ એ ખાદી છે. ખાદી એ માત્ર શબ્દ નથી પરંતુ ખૂબ દ્રષ્ટિવાન વિચાર છે. ખાદી એ આત્મનિર્ભર બનવાની સામૂહિક ચળવળ છે. ખાદી એ સ્વંય રોજગારી સર્જન અને સ્વનિર્ભરપણાનો ટ્રેડમાર્ક છે. આમ,  આર્થિક ઉપાર્જન માટે ખાદી દરેકને પગભર કરી આર્થિક સક્ષમતા બક્ષે તેવું મજબૂત માધ્યમ છે.

ખાદી જગપ્રસિધ્ધ છે પણ તેને જગપ્રસિધ્ધ કરનાર ભારતના રાષ્ટ્રપિતા પૂ.બાપુના વિચારો અને તેમનું અમૂલ્ય યોગદાન ભૂલ્યું ભૂલાય તેમ નથી. તેમણે ખાદીના માધ્યમથી રોજગારીના સર્જન થકી સ્વમાન અપાવ્યું છે. આટલું જ નહિ તેમણે ખાદી થકી નાનામાં નાના માણસને સ્વનિર્ભર બની સમાજમાં આત્મગૌરવ અને અનોખું સ્થાન અપાવ્યું છે. શહેરી વિસ્તારમાં જ નહિ પરંતુ ગ્રામ્ય સ્તરે પણ બખૂબી ચાલી શકે તેવો આ ગૃહઉદ્યોગ રોજગારી માટે ખૂબ મોટું માધ્યમ પૂરવાર થયું છે, તેનો ગૌરવવંતો અને ભવ્ય ભૂતકાળ ભારતના ઇતિહાસના પાનાઓ પર સુર્વણાક્ષરે લખાયેલો છે.

૬૦ થી ૭૦ વર્ષની વયજૂથના નાગરિકોના અભ્યાસકાળ દરમિયાન રેંટિયો કાંતવાનું ફરજિયાત હતુ. તે સમયે શિક્ષણ અને કેળવણીમાં રેંટિયો કાંતવાને એટલું મહત્વ આપવામાં આવતુ કે તે વયજૂથના લોકોએ તેમની કિશોરાવસ્થા વખતે ઘરેથી શાળાએ રેંટિયો લઇ જવાનું રહેતુ, આથી તે સમયે ઘરે-ઘરે રેંટિયો રહેતા.

07 07 2020 1455 4

પૂ.બાપુ સાથે રેંટિયો એટલો જોડાયેલો છે કે પૂ.બાપુના જન્મદિનને રેંટિયા બારસ તરીકે ઓળખવામાં આવે છે અને વિદ્યાલયોમાં રેંટિયા બારસની ઉજવણી કરવામાં આવે છે તે પૂ.બાપુના આશિર્વાદ છે. આપણે ભૂલી ન જવું જોઇએ કે, ભૂતકાળની માફક જ પ્રવર્તમાન સમયે પણ ખાદી અને ખાદી બોર્ડની ચીજવસ્તુઓ એટલું જ ઉપયોગી સાબિત થઇ શકે તેમ છે.

ભારતના નાગરિક તરીકે આપણે વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના આહવાનને ધ્યાને લઇ આત્મનિર્ભર બનવા અને બનાવવાના સંકલ્પ સાથે ખાદી અને ખાદીના માધ્યમથી ચીજવસ્તુઓ ખરીદવાનો આગ્રહ રાખીએ તો રોજગારીની નવી તકોનું સર્જન થઇ શકે છે. ખાદી બોર્ડની વસ્તુઓ ખરીદવાનો સંકલ્પ કેળવી ભાવિ પેઢીને પણ ખાદી અને ખાદી બોર્ડની વસ્તુઓ ખરીદવાની આદત કેળવી આપી શકીએ. પ્રવર્તમાન સમયે આપણે આપણા દેશની પડખે ઉભા રહેવા આ એક કાર્ય કરી શકીએ તેમ છીએ કે આપણે જરૂરી તમામ ચીજવસ્તુઓ ખાદી બોર્ડના માધ્યમથી જ ખરીદવાનો આગ્રહ કેળવીએ. રાષ્ટ્રની આર્થિક સ્થિતિમાં વધુ સકારાત્મક પરિમાણો ઉમેરવામાં આપણો એક નાનો નિર્ણય ઘણો વિશાળ સાબિત થઇ શકે તેમ છે.

જાણીતી વાત છે કે, ગરમીમાં ગરમીથી રક્ષણ આપે, ઠંડીમાં ઠંડીથી બચાવે, ચામડી અને શરીરને એકપણ પ્રકારની તકલીફ કે નુકશાન નહિ તેવી અનેક ખૂબીઓ ધરાવતા ખાદી વસ્ત્રો અનેકનું આકર્ષણ છે. ખાદી પહેરવું તે પણ એક આગવી ઓળખ અને પસંદગીની બાબત બને છે.

વિદિત છે કે, હવે ખાદીનું ફલક માત્ર કાપડ પૂરતું જ મર્યાદિત રહ્યું નથી તે હવે ગૃહઉદ્યોગ, ચર્મ ઉદ્યોગ, ઘરવખરી, કપડા-ન્હાવાના સાબુ, ફિનાઇલ, રૂમાલ, ઉન, ભરતકામ, રાચરચીલું સહિત અનેક ક્ષેત્રે ખેડાણ કરીને વટવૃક્ષ સમાન બન્યું છે. ખાદીના માધ્યમથી અનેકને ઘરઆંગણે રોજગારી આપવાનું કાર્ય થયું છે. સ્વદેશી અપનાવવાના આગ્રહી કેટલાય નાગરિકો ખાદીના માધ્યમથી શક્યત તમામ ખરીદી કરતા હોય છે.

ખાદી ગૃહઉદ્યોગના મસાલા, અથાણાં અને મુખવાસ સ્વાદપ્રિયોને આંગળા ચાટતા કરી દે તેવા હોય છે. ખાદી બોર્ડના તેલ, સાબુ અને શેમ્પુની વિશેષતા એ હોય છે કે તે વૃક્ષ અને ફળોથી બનાવવામાં આવે છે તેમાં નુકશાનકારક કેમિકલ્સ કે પદાર્થ હોતા નથી. ખૂબ ઓછા પદાર્થોના ઉપયોગ સાથે બનેલી આ ચીજવસ્તુઓ અત્યંત ઉપયોગી અને સાત્વિક છે. બજારમાં મળતી અન્ય ચીજવસ્તુઓથી પણ ઓછા ભાવે મળી રહેતી આ ચીજવસ્તુઓ આપણી દૈનિક જરૂરિયાત છે.

સ્વદેશી માટેના અભિયાન, આત્મ નિર્ભરતા અને વોકલ ફોર લોકલ આ ત્રણેયનો સમન્વય થયો હોય એવી સંસ્થા છે ખાદી ભંડાર. તેનો દાખલો આપતાં -વડોદરા જિલ્લા ખાદી ગ્રામોદ્યોગ સહકારી મંડળી સંઘના  મેનેજર જશવંતભાઇ દલવાડીએ જણાવ્યું કે, ખાદીના માધ્યમથી કોરોનાને લીધે જાહેર કરવામાં આવેલ લોકડાઉનમાં પણ માસ્કસનું નિર્માણ કરી રોજગારીનું સર્જન કરવામાં આવ્યું છે.ખાસ કરીને તેના થી બહેનોને કપરા સમયમાં રોજગારી મળી. વડોદરા જિલ્લા ખાદી ગ્રામોદ્યોગ સહકારી મંડળી સંઘ લી. દ્વારા લોકડાઉન સમય દરમિયાન ૧ લાખ ૬૦ હજાર જેટલા માસ્ક્સ બનાવવામાં આવ્યા છે તેમાંથી ૬૫ હજાર ઉપરાંતના માસ્ક્સનું વેચાણ કર્યુ છે.

ઉલ્લેખનીય છે કે, કોરોનાને લીધે લોકડાઉન હતું ત્યારે ફરજ પરના કોરોના વોરિયર્સને તે હોય તે સ્થળ પર જઇને ૩૦ હજાર માસ્કસનું વિના મૂલ્યે સેવાના રૂપમાં વિતરણ કરવામાં આવ્યું છે. મહત્વની વાત છે કે ખાદીમાંથી બનાવવામાં આવેલા આ માસ્ક્ ઇકો ફ્રેન્ડલી અને વોશેબલ છે. માસ્ક્સ ઉપરાંત હાલમાં ભંડાર ખાતે સેનેટાઇઝરનું વેચાણ કરવામાં આવે છે.

દલવાડીએ વધુમાં કહ્યું કે, રાવપુરા વડોદરા સ્થિત ખાદી ભંડાર દર વર્ષે અંદાજે રૂ.સાડા નવ કરોડનું ટર્ન ઓવર કરે છે. આ ઉપરાંત અંદાજે ૬૫૦થી વધુ કારગીરો વિવિધ કામગીરીમાં રોકાયેલા રહે છે. વણાટ કામમાં અંદાજે ૪૦૦થી વધુ અને પૂણી કતાઇના ૨૫૦ ઉપરાંતના કારીગરો છે, જે મહિને રૂ.૮ થી રૂ.૧૦ હજાર જેટલું આર્થિક ઉર્પાજન મેળવે છે. નાના-મોટાં સિલાઇ કામમાં ૩૫૦ થી વધુ બહેનો છે જેને માસિક રૂ.૧૦ હજારથી વધુ મળે છે. કારીગરોને તેમના ઘરબેઠાં કામ મળી રહે છે તેમને રોજગારી માટે સ્થળ છોડવાની આવશ્યકતા રહેતી નથી. વધુમાં કોરોના સમયે હેરફેર ઓછી કરવાની વાતમાં ઘરબેઠાં રોજગારી મળી રહે તે ઉત્તમ સાબિત થાય છે.  આર્ટિજન વેલફેરમાં આ તમામ કારીગરોની આવકના ૧૦ ટકા જમા થાય છે અને તેમાં વડોદરા જિલ્લા ખાદી ગ્રામોદ્યોગ સહકારી મંડળી સંઘ લી. ૧૦ ટકા ઉમેરે છે જેથી દરેક કારીગરને ૨૦ ટકા બચત થાય છે જે તેને સુરક્ષા બક્ષે છે. આ ઉપરાંત આવશ્યકતા હોય ત્યારે કારીગર તે રકમ ઉપાડી શકે તે માટે ઓનલાઇન-ઓફલાઇનની ખૂબ સરળ પ્રક્રિયા છે, તેમ પણ દલવાડીએ જણાવ્યું હતુ.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.