Abtak Media Google News

સુરસાગર સરોવરમાં બિરાજે છે સર્વેશ્વર શિવજી

રાજવી મુગલે શાસ્ત્રોકત રીતે કર્યા વિધિ વિધાન

સાવલીના સિદ્ધ સંત સ્વામીજી એ જેની સ્થાપના કરવાની પ્રેરણા આપી હતી અને બ્રહ્મલીન પ્રમુખ સ્વામી મહારાજે જેની સ્થાપનાના આશીર્વાદ આપ્યા હતા, એવા વડોદરાના હ્રદય સ્થાને સુરસાગર સરોવરની મધ્યમાં બિરાજમાન વિરાટ સર્વેશ્વર શિવ હવે સોનાનું આવરણ ધારણ કરશે.આ ૧૧૧ ફૂટ ઊંચી અને વડોદરાને શિવનગરી બનાવતી પ્રતિમાની સ્થાપના, પરમ શિવભક્ત અને રાજ્યના નર્મદા વિકાસ મંત્રી યોગેશભાઈ પટેલની આગેવાની હેઠળના સત્યમ શિવમ સુંદરમ્ ટ્રસ્ટ દ્વારા કરવામાં આવી હતી. જ્યારે સુવર્ણ સંકલ્પ ફાઉન્ડેશન દ્વારા આ આસમાનને આંબતી શિવ પ્રતિમાને દાતાઓના સહયોગથી સુવર્ણ વાઘા પહેરાવવાનું અતિ ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે.

Advertisement

વડોદરાનું રાજવી યુગલ મહારાજ સમરજીતસિંહ ગાયકવાડ અને મહારાણી રાધિકારાજે બુધવારે, સુરસાગરની વચ્ચે સર્વેશ્વર શિવના ચરણ સ્થાને ચાર વેદોના બ્રાહ્મણો દ્વારા પવિત્ર મંત્રોચ્ચાર અને શાસ્ત્રોક્ત વિધિવિધાન સાથે શિવજીને સોને મઢવાના આ પવિત્ર કાર્યનો મંગળ પ્રારંભ કરાવ્યો હતો.

સોનામાં સુગંધ ભળે એવી વાત એ છે કે, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અયોધ્યામાં આખું ભારત યુગોથી જેની ચાતક ડોળે પ્રતીક્ષા કરે છે એવા રામલલ્લાના મંદિરના નિર્માણનું ભૂમિપૂજન કર્યું તેની સાથે જ વડોદરામાં શિવ સુવર્ણ આવરણ સમારોહ યોજાતા જાણે કે સોનામાં સુગંધ ભળી છે. આ કાર્યક્રમ કોરોના વિષયક ગાઈડ લાઈનના પાલનની સંપૂર્ણ તકેદારી સાથે યોજવામાં આવ્યો હતો.

૧૧૧ ફૂટની ગગનચુંબી ઊંચાઈ ધરાવતી સર્વેશ્વર શિવ પ્રતિમાની, સુરસાગર મધ્યે સ્થાપનાના ઇતિહાસને વાગોળતા યોગેશભાઈ પટેલે જણાવ્યું કે સત્ય સંકલ્પના દાતા ભગવાનનું પ્રેરક સૂત્ર આપનારા સાવલીના સ્વામીજી એ જેની પ્રેરણા આપી એવા શિવ ભક્તિના મહાન કાર્યનો સન ૧૯૯૬માં શ્રાવણ વદ અષ્ટમી, પવિત્ર કૃષ્ણ જન્મોત્સવના દિવસે પ્રમુખ સ્વામી બાપાએ સ્વહસ્તે, સુરસાગરની મધ્યમાં જઈ, સંપૂર્ણ વિધિવિધાન સાથે પ્રતિમા સ્થાપનનો પ્રારંભ કરાવ્યો હતો.

શિવ સુવર્ણ આવરણ શુભારંભ નો કાર્યક્રમ બુધવારે  સાંજના ૪ વાગ્યે રાખવામાં આવ્યો છે.

જેમાં રાજવી યુગલ સુરસાગરની મધ્યમાં શિવ પ્રતિમા ચરણ કમળ સ્થાને ભગવાન શિવજીની છડી લઈને પૂજન સ્થાને ગયા હતા.

આ પ્રસંગે દ્વારકેશલાલજી મહારાજ, વ્રજ રાજ કુમાર મહોદય, જૈન સાધુ મહારાજો, સ્વામી નારાયણ સંપ્રદાયના, ગાયત્રી પરિવારના, બ્રહ્માકુમારીના સંતો, સાધ્વીઓ, કરજણના પૂજ્ય ભોલાગીરી મહારાજ, વડોદરાના સાંસદ, ધારાસભ્યો, મેયર, પાલિકાના પદાધિકારીઓ, નગર સેવકો, વિવિધ રાજકીય પક્ષોના પ્રતિનિધિઓ, પદાધિકારી ઓ, ખાસ ફરજ પરના અધિકારી અને શિક્ષણ સચિવ ડો. વિનોદ રાવ, જિલ્લા કલેકટર શાલિની અગ્રવાલ, વડોદરા મહાનગર પાલિકાના મ્યુનિસિપલ કમિશનર ઉપાધ્યાય, શહેર પોલીસ કમિશનર અનુપમ સિંહજી સહિત ઉચ્ચ અધિકારીઓ, સુવર્ણ આવરણના દાતાઓ, સુવર્ણ સંકલ્પ ટ્રસ્ટીઓ નિલેશ શુકલ, પિયુષભાઇ શાહ, મંયક પટેલ, વ્યાપાર ઉદ્યોગ જગતના અગ્રણીઓએ હાજરી આપી હતી.

મહાઆરતીમાં મહાનુભાવો ઉપસ્થિત રહ્યાં’તા

દર વર્ષે મહા શિવરાત્રીના પર્વે સુરસાગર કાંઠે સર્વેશ્વર શિવની મહાઆરતી યોજાય છે. જેમાં બ્રહ્મલીન પ્રમુખ સ્વામી મહારાજ, કેવલાનંદજી બાબા સહિત સંત વિભૂતિઓ, હાલમાં દેશના પ્રધાનમંત્રી અને ગુજરાતના તત્કાલીન મુખ્ય મંત્રી નરેન્દ્રભાઇ મોદી, આનંદીબહેન પટેલ, વર્તમાન મુખ્ય મંત્રી વિજયભાઈ રૂપાણી, નાયબ મુખ્ય મંત્રી નીતિનભાઈ પટેલ, ગુજરાત વિધાનસભાના પૂર્વ અધ્યક્ષ અને હાલમાં કર્ણાટકના રાજ્યપાલ વજુભાઈ વાળા સહિત ગણ માન્ય અતિથિઓએ મહા શિવ આરતીનો લ્હાવો લીધો છે. સન ૨૦૦૨માં પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજે આ ભવ્ય શિવ મૂર્તિ વડોદરાની પ્રજાને લોકાર્પિત કરી હતી.

મહાઆરતી પરંપરાની રજત જયંતિ ઉજવાશે

૧૯૯૬ની મહા શિવરાત્રીથી શરૂ થયેલી આ મહા આરતીની પરંપરાને આગામી ૨૦૨૧ની મહા શિવરાત્રિએ ૨૫ વર્ષ પૂરા થશે. તેને અનુલક્ષીને ભવ્ય મહાઆરતી રજત જયંતિ મહોત્સવ યોજવાની રૂપરેખા તૈયાર કરવામાં આવી રહી છે. ભગવાન શિવની કૃપાથી ત્યાં સુધીમાં વર્તમાન કોરોના સંકટનું તબીબી સમાધાન મળી જશે અને સહુ સાથે મળીને રંગે ચંગે મહા આરતીની રજત જયંતિ ઉજવીશું એવી શ્રદ્ધા નર્મદા વિકાસ મંત્રીએ વ્યક્ત કરી છે.

પાંચ જીવંત સિંહો સાથે છડીયાત્રા-શોભાયાત્રા

એ દિવસે વડોદરા શહેરના ઇતિહાસમાં બલ્કે દેશના ઇતિહાસમાં અતિ અભૂતપૂર્વ ગણાય તેવી ઘટના રૂપે એક ટ્રકમાં કોઈ પણ પ્રકારના બંધન વગર, સાવ ખુલ્લા રાખવામાં આવેલા  ૫ જીવંત સિંહો સાથે છડી યાત્રા શોભાયાત્રા પંચમુખી મહાદેવથી નીકળી હતી. આ શોભાયાત્રામાં પાંચ બેન્ડ વાદક ગ્રુપો, બકરા ગાડી, બળદ ગાડા માં વેશભૂષા ધારી બાળકો સાથે હાથી ઘોડા  સહિત શિવભક્તો, જોડાયા હતા.  ટ્રકમાં કોઈ બંધન વગર રાખવામાં આવેલા આ સિંહો સુરસાગર ખાતે છડી યાત્રાના –  શોભાયાત્રાના સમાપન સુધી ડાહ્યા ડમરા થઈને શાંતિથી બેસી રહ્યા એ જોઈને સહુએ શિવ કૃપાની અનેરી અનુભૂતિ કરી હતી. આ છડી યાત્રા રાવપુરા ટાવર, દાંડિયા બજાર ચાર રસ્તા થઈ સુરસાગર કાંઠે આવી હતી.સરોવરની મધ્યમાં તાડપત્રીનો વિશાળ સમિયાણો બાંધવામાં આવ્યો હતો જ્યાં પ્રતિમા સ્થાપનાની પૂજન વિધિમાં  રાજ્યની ભારતીય જનતા પાર્ટીની સરકારના તત્કાલીન મુખ્યમંત્રી સુરેશભાઈ મહેતા, પ્રધાનમંડળના ૯ સાથીદારો સાથે જોડાયા હતા.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.