Abtak Media Google News

કોરોના મહામારીથી બચવા દરેક વ્યક્તિને માસ્ક પહેરવું ફરજીયાત છે. માસ્ક ના પહેરનાર પાસેથી રૂ.1000 દંડ પેટે વસુલવાની જોગવાઈ રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવી છે. છતાં પણ ઘણા સ્થળોએ લોકો માસ્ક પહેર્યા વગર બેદરકારી દાખવતા હોવાનું રોજ પ્રકાશમાં આવે છે. નામાંકિત વ્યક્તિઓ પણ માસ્ક પહેરવા મામલે નિયમોનું પાલન કરતી નથી. ઉલ્ટાનું પોલીસ ઉપર રોફ જમાવતી હોવાનું નજરે પડે છે. આવો જ એક કિસ્સો રાજકોટમાં બન્યો છે. જ્યાં જાણીતા ક્રિકેટર રવીન્દ્રસિંહ જાડેજાના પત્નીએ મહિલા પોલીસ ઉપર રોફ જમાવ્યો હોવાનું સામે આવ્યું છે.

ત્યારે રાજકોટમાં માસ્ક પહેરવા બાબતે ક્રિકેટર રવિન્દ્રસિંહ જાડેજાના પત્ની અને પોલીસ વચ્ચે બબાલ થઇ હોવાનું ચર્ચાઈ રહ્યું છે. શહેરના કિશનપરા ચોક ખાતે કારમાં જઈ રહેલા ત્રણ વ્યક્તિએ માસ્ક ના પહેરતા મહિલા પોલીસે નિયમોનું ભાન કરાવ્યું હતું, અલબત્ત આ મામલે મહિલા પોલીસ અને રાવીન્દ્રસિંહ જાડેજાના પત્ની રિવાબા સહિતના સાથે રોડ વચ્ચે જ માથાકૂટ થઈ હતી. રિવાબાએ રોફ જમાવ્યો હતો. આ ઘટનાક્રમમાં એક મહિલા કોન્સ્ટેબલ બેભાન થઈને ઢળી પડ્યા હતા. જેથી સારવારમાં ખસેડવામાં આવ્યા છે. ઘટનાની જાણ થતાં ડીસીપી મનોહરસિંહ જાડેજા, ક્રાઇમ બ્રાન્ચ પીઆઇ ગઢવી, પ્રદ્યુમ્ન નગર પીઆઇ ચાવડા સ્થળ પર દોડી ગયા હતા અને સમજાવીને મામલો થાળે પડ્યો હતો.

માથાકૂટના કારણે લોકો સ્થળ ઉપર એકઠા થવા લાગ્યા હતા. પોલીસે સમજાવવા છતાં વાત ઉગ્ર બની ગઈ હતી. માસ્ક પહેર્યું ના હોવાથી મહિલા પોલીસે કાયદેસરની કાર્યવાહી કરવાનો નિર્ણય લીધો હતો. જોકે, કારમાં બેઠેલા વ્યક્તિઓએ મહિલા પોલીસ સાથે માથાકૂટ કરી હતી. કારમાં બેઠેલી આ ત્રણેય વ્યક્તિઓ પૈકીની એક વ્યક્તિ રાવીન્દ્રસિંહ જાડેજાના પત્ની રિવાબા હોવાનું લોકમુખે ચર્ચાય છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.